ભાગ્યે જ જોવા મળતા એક પ્રસંગમાં ભારતીયો, પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓએ સાથે મળીને હોમ સેક્રેટરી તરીકે સાજિદ જાવિદની નિમણુંકની ઉજવણી કરી હતી. કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ દ્વારા ગઈ ૧૩ સપ્ટેમ્બરે શેરેટન ગ્રાન્ડ પાર્ક લેન ખાતે ખાસ સાંધ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
કાર્યક્રમનો પ્રારંભ એકબીજાના ઔપચારિક પરીચય અને બાદમાં ડિનરથી થયો હતો. બિઝનેસમેન ડો. રેમી રેન્જરે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમના સ્વર્ગસ્થ પિતાએ જે ‘સંગઠિત ભારત’નું સ્વપ્ન જોયું હતું તેનું પ્રતીક આ કાર્યક્રમ હતો. કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના કો-ચેરમેનની સાથે તેમના સમકક્ષ કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ પાકિસ્તાન (CFP) ઝમીર ચૌધરી અને કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ બાંગ્લાદેશ (CFB)ના બજલુર રશીદ જોડાયા હતા.
કાર્યક્રમમાં રાજકારણમાં રસ લેતી હાલની પેઢીના રોલ મોડેલ અને ડો. રેન્જરના પુત્રી કાઉન્સિલર રીના રેન્જર પણ જોડાયા હતા.
તે દિવસે મિનિસ્ટર જાવિદના પત્ની લૌરાનો જન્મદિવસ હતો અને કેક કટીંગ સેરીમની સાથે તેની ઉજવણી કરાઈ હતી. તેનું આયોજન કાર્યક્રમમા હોસ્ટ દ્વારા કરાયું હતું. જાવિદ સાથે તેમના ભાઈઓ, બાળકો અને માતા જોડાયા હતા.
કાર્યક્રમને સંબોધનમાં જાવિદે તેમની સફળતાનું શ્રેય તેમને ઉછેરીને આ હોદ્દા સુધી પહોંચાડવા બદલ તેમના માતાપિતાને આપ્યું હતું. આયોજકોના પ્રયાસોને બીરદાવતા જાવિદે જણાવ્યું હતું કે તમામ કોમ્યુનિટીના સભ્યો સાથે મળીને શ્રેષ્ઠ મિત્રો તરીકે કામ કરે તેનું આ ઉદાહરણ છે.
જાવિદે તેમના માતાપિતા અને બ્રિટનના ભાવિમાં નોંધપાત્ર યોગદાન આપનારા ડો. રેન્જર અને અન્ય લોકો જેવા પહેલી પેઢીના માઈગ્રન્ટ્સ વિશે જણાવ્યું હતું, ‘ મારા માતાપિતાને લીધે હું અહીં ઉભો છું. આપણે જે સાંસ્કૃતિક વીરાસતનું પ્રતિનિધિત્વ કરીએ છીએ તેના કરતાં આપણે મોટા છીએ. આપણે દેશનો એક હિસ્સો છીએ અને બ્રિટિશ સમાજની અનિવાર્ય સંપત્તિ છીએ.
સન માર્ક લિમિટેડના સ્થાપક અને સીઈઓ રેન્જરે કન્ઝર્વેટિવ પાર્ટીના અગ્રણી સભ્યો અને સાંસદોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું,‘ આપણે કેબિનેટમાં સિનિયર હોદ્દો મેળવનારા સૌ પ્રથમ બ્રિટિશ એશિયનનું સન્માન કરવા અને એશિયાની સફળતા તેમજ આ દેશમાં ભારતીયો, પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓ વચ્ચેની એકતાને બીરદાવવા એકત્ર થયા છીએ.
જાવિદ ૧૯૬૦માં બ્રિટન આવેલા પાકિસ્તાની બસ ડ્રાઈવરના પુત્ર છે. વિન્ડરશ કૌભાંડ બહાર આવતા એમ્બર રડે આપેલા રાજીનામા બાદ સાજિદ જાવિદની હોમ સેક્રેટરી તરીકે નિમણુંક કરવામાં આવી હતી.

