લંડનઃ રિલિજ્યસ એજ્યુકેશન કાઉન્સિલ (REC) એ તેનું પ્રતિનિધિત્વ કરવા માટે કિશન દેવાણી FRSAની તેના એમ્બેસેડર તરીકે નિમણુંક કરી છે. તેઓ RECની પ્રવૃત્તિઓ વિશે જાગૃતિ કેળવવા અને તેનો વ્યાપ વધારવા માટે ફેથ અને બિલીફ કોમ્યુનિટીઝ અને રાજકારણીઓ સાથે કામ કરશે.
કિશન દેવાણી એક રાજકારણી, કન્સલ્ટન્ટ અને નોર્થ લંડનની એક સ્કૂલના રિલિજિયસ સ્ટડીઝના ભૂતપૂર્વ વડા છે. તેઓ લીબરલ ડેમોક્રેટ પાર્ટીના ટ્રેઝરી એન્વોય અને તેના રેસિયલ ઈક્વોલિટી વર્કિંગ ગ્રૂપના સભ્ય છે. તેઓ અગાઉ કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્ય હતા તેમાં તેમણે લંડનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના સૌથી યુવાન ડેપ્યુટી ચેરમેન (મેમ્બરશીપ એન્ડ ફાઈનાન્સ) નું પદ સંભાળ્યું હતું. ૨૦૧૫ની પાલામેન્ટની ચૂંટણીમાં તેઓ લેસ્ટર ઈસ્ટ બેઠકના ઉમેદવાર હતા. ૨૦૧૬માં તેઓ ગ્રેટર લંડન એસેમ્બલી માટે ઉમેદવાર હતા.
RECના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રુડોલ્ફ ઈલિયટ લોકહાર્ટે જણાવ્યું હતું કે કિશન RECના એમ્બેસેડર બન્યા તેનો તેમને આનંદ છે. તેઓ અમારી સંસ્થાને ઉર્જા પૂરી પાડશે અને તેમાં નવો સંચાર કરશે.
કિશન દેવાણીએ જણાવ્યું હતું કે ભૂતપૂર્વ REC ટીચર તરીકે આપણી સ્કૂલોમાં ઉચ્ચ સ્તરનું ધાર્મિક શિક્ષણ શીખવવાનું કેટલું મહત્ત્વ છે તે એક સમાજ માટે કેટલું અગત્યનું છે તે હું જાણું છું. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ધાર્મિક શિક્ષણને પ્રોત્સાહન અને સમર્થન આપવામાં RECનું કામ ખૂબ મહત્ત્વનું છે.

