લંડનઃ યુકેના જજ મુરે શેંક્સે ભારતમાં ૧૯૮૪માં થયેલા ઓપરેશન બ્લૂ સ્ટારમાં બ્રિટનની ભૂમિકા પર પ્રકાશ ફેંકે તેવી શક્યતા ધરાવતા દસ્તાવેજો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. બ્રિટિશ સરકારે દલીલ કરી હતી કે આ પગલાંને લીધે ભારત અને યુકે વચ્ચેના રાજદ્વારી સંબંધો બગડશે. જોકે, જજે તેને ફગાવી દીધી હતી. બ્રિટનમાં ગેરકાયદે વસતા ભારતીય ઈમિગ્રન્ટ્સ સાથે સંકળાયેલા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU)ને લઈને સ્ટુડન્ટ વિઝાનો વિવાદ આ સપ્તાહે ચરમસીમાએ પહોંચી ગયો છે. બન્ને દેશના સંબંધ વણસ્યા છે.
લંડનમાં ગયા માર્ચમાં ફર્સ્ટ ટિયર ટ્રિબ્યુનલની ત્રણ દિવસની સુનાવણી બાદ જજ શેંક્સે ૧૧ જૂને ચૂકાદો આપ્યો હતો કે આ ગાળાને લગતી મોટાભાગની ફાઈલો જાહેરકરવી જ જોઈએ. યુકે કેબિનેટ ઓફિસને આ ચૂકાદા સામે અપીલ કરવા માટે ૧૧મી જુલાઈ સુધીનો સમય અપાયો છે. વૈકલ્પિક રીતે તેણે ‘સેક્રિફાઈસિંગ શીખ્સઃ ધ નીડ ફોર એન ઈન્વેસ્ટિગેશન’ના લેખક ફિલ મિલરને ૧૨મી જુલાઈ સુધીમાં સંબંધિત દસ્તાવેજો સુપરત કરવાના રહેશે.
સુવર્ણ મંદિરમાં ભારતીય લશ્કર દ્વારા ઓપરેશનની તૈયારી દરમિયાન ઈન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારે બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન માર્ગારેટ થેચર પાસે મદદ માગી હતી. ૨૦૧૪માં યુકે સરકારે દસ્તાવેજો જાહેર કર્યા હતા. તેમાં જણાયું હતું કે ઓપરેશન બ્લૂ સ્ટાર પહેલા ભારતીય દળોને બ્રિટિશ લશ્કર દ્વારા સલાહ અપાઈ હતી. તત્કાલીન વડા પ્રધાન ડેવિડ કેમરને હેવુડ રિવ્યુ તરીકે ગણાયેલા આ નવા પૂરાવાની સમીક્ષાનો આદેશ આપ્યો હતો. તેના પગલે પાર્લામેન્ટમાં નિવેદન અપાયું હતું કે બ્રિટનની ભૂમિકા માત્ર ‘સલાહકાર’ની જ રહી હતી અને દેશની સ્પેશિયલ એર સર્વિસ (SAS) એ આપેલી સલાહની પ્રેક્ટિસમાં મર્યાદિત અસર થઈ હતી.

