ક્વીનની બર્થડે ઓનર્સ યાદીમાં એશિયન નાગરિકોનું અભૂતપૂર્વ પ્રતિનિધિત્વ

- રુપાંજના દત્તા Wednesday 20th June 2018 06:47 EDT
 
 

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયના જન્મદિન નિમિત્તે માન-અકરામની પ્રસિદ્ધ કરાતી યાદીમાં વર્ષ ૨૦૧૮ માટે એશિયન સમુદાયમાંથી વિક્રમી સંખ્યામાં ‘અસામાન્ય સ્તર’ના પ્રોફેશનલ્સ, એન્ટ્રેપ્રીન્યોર્સ અને વ્યક્તિઓને સ્થાન અપાયું છે. યુકેના સર્વોચ્ચ નાગરિક સન્માનની જાહેર યાદી જીવનના વિવિધ કાર્યક્ષેત્રોમાં કાર્યરત ડાયસ્પોરાની સિદ્ધિઓનું પ્રતિબિંબ જોવાં મળે છે. આ વર્ષે ક્વીનનાં જન્મદિનની ઓનર્સ યાદીમાં ૧૦૫૭ લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે. ઓનર્સ લિસ્ટ નવા વર્ષના આરંભ અને ક્વીનનાં સત્તાવાર જન્મદિન, એમ વર્ષમાં બે વખત પ્રસિદ્ધ કરવામાં આવે છે. બ્રિટિશ સમાજમાં એકીકૃત થયેલા અને વિવિધ ક્ષેત્રોમાં બ્રિટન તેમજ સમુદાયની વિશિષ્ટ સેવા કરનારા ડો. હસમુખ વાડીલાલ શાહ, નિતેશ ગોર DL, કુમાર સુરેશચંદ્ર રાવલ, ધ્રુવ પ્રશાંત પટેલ, વિજય મહેતા, પ્રદીપ ખોડીદાસ ધામેચા, ગાર્ગી પટેલ, મિલી રણજિત દોશી, હેમલતા ગાંધી અને અલ્પના ટેલર સહિતના મૂળ ગુજરાતીઓ, ભારતીયો અને સાઉથ એશિયન બ્રિટિશ નાગરિકોને ક્વીન્સ બર્થડે ઓનર્સની યાદીમાં સ્થાન અપાયું છે, જે ડાયસ્પોરા મ્યુનિટી માટે ગૌરવપૂર્ણ બાબત છે.

આ વર્ષે BEM, MBE અને OBE સન્માન માટે ૯૨૦ વ્યક્તિની પસંદગી કરાઈ છે જેમાં, BEM સન્માન માટે ૩૧૮, MBE સન્માન માટે ૩૯૨, OBE સન્માન માટે ૨૧૦ વ્યક્તિનો સમાવેશ કરાયો છે. આ સન્માન પ્રાપ્ત કરનારામાં ૭૧ ટકા લોકોએ તો પોતાની કોમ્યુનિટી માટે સ્વૈચ્છિક અથવા સવેતન ક્ષમતાએ નોંધપાત્ર કામગીરી બજાવેલી છે. સત્તાવાર નિવેદનમાં જણાવાયાં અનુસાર, ક્વીન્સ બર્થડે ઓનર્સ લિસ્ટમાં સમગ્ર યુકેમાં વિશાળ ફલક પર અસાધારણ લોકોની સિદ્ધિઓને બિરદાવવામાં આવી છે. અભિનેત્રી એમા થોમ્પસન અને કેમ્બ્રિજ ખાતે ક્લાસિક્સના પ્રોફેસર મેરી બીઅર્ડને ડેમહૂડથી સન્માનિત કરાયાં છે તેમજ ઈતિહાસવિદ્ સાયમન ચામા અને ફૂટબોલર કેની ડેલ્ગલિશને નાઈટહૂડ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ સાથે સન્માનિતોની યાદી આપવામાં આવી છે, જે સંપૂર્ણ નથી.

ઉચ્ચ સન્માન પ્રાપ્ત મહિલાઓની સંખ્યામાં વૃદ્ધિ

આ યાદીમાં ૫૧૯ મહિલાઓનાં કાર્યની વિશેષ નોંધ લેવાઈ છે, જેઓ કુલ સન્માનનું ૪૯ ટકા પ્રતિનિધિત્વ ધરાવે છે. ૧૦ ટકા સફળ સન્માનિતો અશ્વેત અને વંશીય લઘુમતી (BAME) પશ્ચાદભૂમાંથી આવ્યા છે જ્યારે, ૫.૭ ટકા સફળ સન્માનિતો અક્ષમ અથવા (Equality Act 2010 અન્વયે) ડિસેબિલિટી ધરાવનારા છે. આ વર્ષે સર્વોચ્ચ એવોર્ડ હાંસલ કરનારી મહિલાઓનું પ્રતિનિધિત્વ વધીને ૪૧ ટકા થયું છે, જે આ જ વર્ષનાં ન્યૂ યર્સ ઓનર્સ લિસ્ટના ૩૯ ટકાના પ્રમાણથી વધ્યું છે. જોકે, ૨૦૧૫ની યાદીની સરખામણી કરીએ તો, આ વધારો નોંધપાત્ર છે. આ વર્ષે સન્માનિતોમાં ૧૧ ડેમ્સ અને ૨૧ નાઈટ્સ છે, જેમાં એશિયન કોઈ નથી અને ગત ત્રણ વર્ષમાં CBE તથા તેનાથી ઉચ્ચ સન્માન પ્રાપ્ત મહિલાઓની સંખ્યામાં ૧૦ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. મહિલાને સૌપ્રથમ મતાધિકાર મળ્યાના ૧૦૦ વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે આ પરિવર્તન મુખ્યત્વે જાહેર જીવનમાં મહિલાઓની વધેલી ભૂમિકાનું પ્રતિબિંબ દર્શાવે છે.

સન્માનિતોની યાદી

ઓર્ડર ઓફ કમાન્ડર્સ ઓફ બ્રિટિશ એમ્પાયર (CBE)

• પ્રોફેસર જસવિન્દરસિંહ બામરાહઃ ગ્રેટર માન્ચેસ્ટર મેન્ટલ હેલ્થ NHS ટ્રસ્ટમાં કન્સલ્ટન્ટ સાઈકિયાટ્રીસ્ટ અને યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરમાં માનદ રીડર. માનસિક આરોગ્ય, ડાઈવર્સિટી અને NHS ને આપેલી સેવાઓ બદલ.

• પ્રોફેસર બશીર મોહમ્મદ અલી અલ-હાશિમીઃ યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટનમાં કોમ્પ્યુટર એન્જિનીઅરીંગના પ્રોફેસર. કોમ્પ્યુટર એન્જિનીઅરીંગ અને ઈન્ડસ્ટ્રીઝના ક્ષેત્રની સેવા બદલ.

ઓર્ડર ઓફ ઓફિસર્સ ઓફ બ્રિટિશ એમ્પાયર (OBE)

• મનોજકુમાર બડાલેઃ બ્રિટિશ એશિયન ટ્રસ્ટના અધ્યક્ષ. ઈકોનોમી અને ચેરિટીના ક્ષેત્રની સેવા.

• સોનિયા કુમારી બ્રૂક્સઃ HM યંગ ઓફેન્ડર્સ ઈન્સ્ટિટ્યુશન, ફેલ્ધામના ડેપ્યુટી ગવર્નર. HM પ્રઝન સર્વિસ અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના ક્ષેત્રની સેવા.

• પરગણસિંહ ચીમાઃ ધ સ્કોટિશ ગ્રોસર્સ ફેડરેશનના ચીફ એક્ઝિક્યુટિવ. બિઝનેસ, સામુદાયિક સુમેળ અને ચેરિટીના ક્ષેત્રમાં સેવા.

• પ્રદીપ ખોડીદાસ ધામેચાઃ ધામેચા ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ. એક્સપોર્ટ્સ, આર્થિક વૃદ્ધિ અને પરોપકારિતાના ક્ષેત્રની સેવા.

• નિતેશ ગોર DL: અવંતિ સ્કૂલ્સ ટ્રસ્ટના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ. શિક્ષણ ક્ષેત્રની સેવા.

• શહાના ખાનઃ વેસ્ટ મિડલેન્ડ્સમાં હેલ્થકેર અને સોશિયલ હાઉસિંગ ક્ષેત્રમાં સ્વૈચ્છિક સેવા.

• પ્રીતપાલસિંહ લાન્ડાઃ DSL Group (નોટિંગહામ) લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર. નોટિંગહામમાં બિઝનેસ તેમજ કોમ્યુનિટી ચેરિટીના ક્ષેત્રની સેવા.

• અમનદીપસિંહ માડરાઃ પંજાબી અને શીખ વારસા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં સેવા.

• ધ્રુવ પ્રશાંત પટેલઃ બ્રિટિશ હિન્દુ કોમ્યુનિટી અને સામાજિક સુમેળના ક્ષેત્રમાં સ્વૈચ્છિક સેવા.

• કુમાર સુરેશચંદ્ર રાવલઃ ફેઈથ ઈન લીડરશિપના સ્થાપક. નેતૃત્વ, શિક્ષણ અને ઈન્ટર-ફેઈથ સુમેળના ક્ષેત્રની સેવા.

• ડો. સઈદ તનઝીમ હૈદર રઝાઃ ધ રોયલ બોર્નમાઉથ એન્ડ ક્રાઈસ્ટચર્ચ હોસ્પિટલ્સ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટમાં કન્સલ્ટન્ટ ફીઝિશિયન. આરોગ્ય અને તબીબી શિક્ષણના ક્ષેત્રમાં સેવા.

• ડો. અશોક રોયઃ હેલ્થ એજ્યુકેશન ઈંગ્લેન્ડમાં લર્નિંગ ડિસેબિલિટીઝના ક્ષેત્રમાં ક્લિનિકલ અગ્રણી. લોકસમુદાય અને લર્નિંગ ડિસેબિલિટીઝથી પીડાતા લોકોની સેવા.

• ડો. અમરજિત કૌર સામરાઃ રીસર્ચ મેડિકલ ડાયરેક્ટોરેટના ડિરેક્ટર. સંરક્ષણક્ષેત્રે તબીબી સંશોધનમાં અનન્ય સેવા.

ઓર્ડર ઓફ મેમ્બર્સ ઓફ બ્રિટિશ એમ્પાયર (MBE)

• રોમા અગ્રવાલઃ ‘AECOM’ના એસોસિયેટ ડાયરેક્ટર. એન્જિનીઅરીંગ ક્ષેત્રની સેવા.

• એજાઝ ખોવાજ ક્વોરામ અહેમદઃ ‘AKQA’ના સ્થાપક. મીડિયા ક્ષેત્રની સેવા.

• અકીલા અહમદઃ ‘શી સ્પીક્સ, વી હીઅર’ સંસ્થાના સ્થાપક. મુસ્લિમ મહિલાઓની સેવા.

• સરફરાઝ અલીઃ ‘પાકિસ્તાન એસોસિયેશન લિવરપૂલ’ના પ્રમુખ. લિવરપૂલમાં સામાજિક સુમેળ અને એકતાની સેવાઓ.

• મોહમ્મદ ફારુક અલીમહોમદઃ લેસ્ટા પેકેજિંગ plcના ચેરમેન. બિઝનેસ, કોમ્યુનિટી અને સખાવતના ક્ષેત્રમાં સેવા.

• ફૈઝલ આત્ચાઃ ગ્લોસ્ટરશાયર ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસમાં ફાયર ફાઈટર અને સામુદાયિક સ્વયંસેવક. જાહેર ક્ષેત્રમાં સેવા.

• સતવીર પૌલ બુંગરઃ મર્જર્સ એન્ડ એક્વિઝીશન્સના મેનેજિંગ ડિરેક્ટર અને BDO LLP ના ફેસેલિટીઝ મેનેજમેન્ટ સેક્ટરના વડા. કોર્પોરેટ ફાઈનાન્સ ક્ષેત્રની સેવા.

• ફકરુલ આલમ ચૌધરીઃ ઓલ્ધામમાં કોમ્યુનિટીની સેવા.

• મિરવાઈઝ દાઉદઃ કાબુલમાં વરિષ્ઠ બ્રિટિશ રીપ્રેઝન્ટેટિવના સાંસ્કૃતિક સલાહકાર.સંરક્ષણ ક્ષેત્રની સેવા.

• મિલી રણજિત દોશીઃ સરે એન્ડ સસેક્સ હેલ્થકેર NHS ટ્રસ્ટમાં ડેન્ટલ કન્સલ્ટન્ટ. NHS ડેન્ટિસ્ટ્રીના ક્ષેત્રે સેવા.

• હેમલતા ગાંધીઃ રાઈઝિંગહર્સ્ટ પોસ્ટ ઓફિસ એન્ડ જનરલ સ્ટોરમાં પોસ્ટ મિસ્ટ્રેસ. ઓક્સફર્ડશાયરમાં પોસ્ટ ઓફિસ અને કોમ્યુનિટીની સેવા.

• ડો. સાધુરામ ગુપ્તાઃ ઓપ્થેલ્મોલોજી તેમજ વિદેશમાં Ukand ખાતે ચેરિટીના ક્ષેત્રે સેવા.

• મહેબૂબ હૂસૈનઃ વેસ્ટ યોર્કશાયર પોલીસ તેમજ ચેરિટી ક્ષેત્રમાં સેવા.

• મોહમ્મદ ઈકબાલઃ માન્ચેસ્ટરમાં ચેરિટી અને સામુદાયિક સંબંધોના ક્ષેત્રે સેવા.

• મોહમ્મદ ઈશાકઃ ધ પંજાબ કિચન લિમિટેડના ડિરેક્ટર. ટાયને અને વીઅરમાં અર્થતંત્ર અને ઈનોવેશનના ક્ષેત્રની સેવા.

• રેહાના મોહમ્મદઃ વર્કર્સ એજ્યુકેશનલ એસોસિયેશનમાં લર્નિંગ મેનેજર. રોચડેલ અને ઓલ્ધામમાં સીમાંત મહિલાઓના શિક્ષણના ક્ષેત્રે સેવા.

• ગાર્ગી પટેલઃ હોમ ઓફિસના ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટ વિભાગમાં ઈમિગ્રેશન ઓફિસર. કોમ્યુનિટી સાથે સંવાદ અને ઈમિગ્રેશન ક્ષેત્રની સેવા.

• ડો. પરમેશ્વરા વેણુગોપાલ પ્રસાદઃ હોલીવેલમાં પેન્ટોન સર્જરીમાં જનરલ પ્રેક્ટિશનર. હોલીવેલમાં કોમ્યુનિટીની સેવા.

• મોહમ્મદ મુશ્તાક રાજઃ હોમ ઓફિસમાં સીનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર. જાતિ અને સમાનતા, ડાઈવર્સિટી અને સમાવેશના ક્ષેત્રની સેવા.

• ડો. રવિન્દ્ર વિશાંકા રત્નસૂર્યાઃ લોર્ડ્સવર્થ મેડિકલ ગ્રૂપના જનરલ પ્રેક્ટિશનર અને અવર હેલ્થ પાર્ટનરશિપના અધ્યક્ષ. વેસ્ટ મિડલેન્ડ્સમાં જનરલ પ્રેક્ટિસના ક્ષેત્રમાં સેવા.

• મહેશ સીવૂધારીઃ યુનિવર્સિટી ઓફ વેસ્ટ લંડનમાં એડલ્ટ નર્સિંગના સીનિયર લેક્ચરર. ઓપ્થેલ્મોલોજી નર્સ ટ્રેનિંગ અને સિકલ સેલ જાગૃતિના ક્ષેત્રમાં સેવા.

• ડો. ફરઝાઝ શરીફઃ NHS Medway કલિનિકલ કમિશનિંગ ગ્રૂપની ગવર્નિંગ બોડીમાં ચૂંટાયેલા સભ્ય. માનસિક આરોગ્ય ક્ષેત્રની સેવા.

• ડો. ઓપિન્દરજિત કૌર તખરઃ યુનિવર્સિટી ઓફ વુલ્વરહેમ્પ્ટનમાં સેન્ટર ઓફ શીખ એન્ડ પંજાબી સ્ટડીઝના ડિરેક્ટર. વુલ્વરહેમ્પ્ટનમાં ઉચ્ચ શિક્ષણ અને કોમ્યુનિટીની સેવા.

• અલ્પના ટેલરઃ કોરીઓગ્રાફર. સાઉથ એશિયન ડાન્સના ક્ષેત્રમાં સેવા.

• જગદેવસિંહ વિરડીઃ સ્ટેસ્ટિક્સ અને શીખ સમુદાયની સેવા.

બ્રિટિશ એમ્પાયર મેડલ (BEM)

• પવનદીપ અહલુવાલિયાઃ મહેંદી સુશોભનકાર્યની કળાકાર, સૌંદર્યપ્રસાધન ઉદ્યોગની સેવા બદલ.

• સુરેન્દ્ર લિંગિઆહઃ માઈનોરિટી એથનિક ગ્રૂપ ફોર ઓલ કિંગ્સ્ટન હોસ્પિટલ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના અધ્યક્ષ, BAME પેશન્ટ્સની સેવા

• ડો. નિષ્મા માણેકઃ જીપી ટ્રેઈની અને નેક્સ્ટ જનરેશન જીપીના સ્થાપક, જનરલ પ્રેક્ટિશનર લીડરશિપ ડેવલપમેન્ટ ક્ષેત્રની સેવા.

• વિજય મહેતાઃ જાહેર ક્ષેત્રમાં હેરિટેજ કાર્યની સેવાઓ.

• અબ્દુલ અઝીઝ સરદારઃ લંડનના ટાવર હેમલેટ્સમાં કોમ્યુનિટીની સેવાઓ.

• ડો. હસમુખ વાડીલાલ શાહઃ કાર્ડિફમાં હિન્દુ સમાજની સેવા.

ડિપ્લોમેટિક સર્વિસીસ એન્ડ ઓવરસીઝ લિસ્ટ ઓર્ડ ઓફ બ્રિટિશ એમ્પાયર (GBE)

• રેબેકા એન સાગરઃ બ્રિટિશ વિદેશ સેવાને આપેલી સેવા બદલ


comments powered by Disqus