બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંતસ્વામી હાલ સાળંગપુર ખાતે વિચરણ કરી રહ્યા છે. અગાઉ તેમણે છ દિવસ સુધી ભૂજ ખાતે વિચરણ કર્યું હતું. ભૂજમાં યોજાયેલી ‘સહેજે મળ્યા સહજાનંદ’ પારાયણમાં પૂ. મહંત સ્વામીએ હરિભક્તોને જણાવ્યું હતું કે આપણને સત્સંગ અને ગુણાતીત સંતની પ્રાપ્તિ સહજ રીતે કાંઈ પણ ચૂકવ્યા વિના થઈ છે તેથી તેનું જતન કરવામાં અને મહિમા સમજવામાં પાછા પડીએ છીએ. તેમણે લોકનો વિચાર કર્યા વિના સત્સંગને મુખ્ય રાખવા સૌને શીખ આપી હતી. પૂ. મહંત સ્વામીએ જણાવ્યું હતું કે ભૂકંપ વખતે કચ્છે પૂ. પ્રમુખ સ્વામીની કરુણાગંગાનો અનુભવ કર્યો છે. પારાયણ બાદ યુવાનોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.શુક્રવાર તા.૧૫ જૂન સુધી ભુજમાં વિચરણ બાદ તેઓ શનિવાર તા.૧૬ જૂને સારંગપૂર મંદિરે પહોંચ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સંતો અને હરિભક્તોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પૂ. મહંત સ્વામીએ પૂ. પ્રમુખ સ્વામીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે ખીજડાના વૃક્ષની પ્રદક્ષિણા પણ કરી હતી. તેઓ રવિવાર તા.૨૪ જૂન સુધી સારંગપુરમાં વિચરણ કરશે.

