અમેરિકન ટીવી શો ‘ક્વોંટિકો’ની ત્રણ સિઝન્સ અને પોતાની હોલિવૂડની સૌ પ્રથમ ફિલ્મ ‘બેવોચ’માં અભિનય બાદ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પાછી ‘ભારત’ તરફ નજર કરી છે. સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’થી તે પાછી બોલિવૂડ ફિલ્મોમાં દેખાશે. વિદેશમાં સખત મહેનત કરીને સ્વદેશ પાછી ફરેલી પ્રિયંકા પોતાના દરેક પ્રોજેક્ટની પસંદગી સમજી વિચારીને કરી રહી છે. બોલિવૂડમાં ચર્ચા છે કે પ્રિયંકાએ અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ‘ભારત’ માટે રૂ. ૧૨ કરોડની ફી માગી છે. જો પ્રિયંકાને આટલી ફી આપવામાં આવી હોય તો પ્રિયંકા સૌથી વધુ ફી લેનાર અભિનેત્રીઓની યાદીમાં દીપિકા સાથે બરાબરી સાથે ટોપ પર આવી જશે. દીપિકાને ફિલ્મ ‘પદ્માવત’ માટે રૂ. ૧૨ કરોડ મળ્યા હતા. આ ઉપરાંત પ્રિયંકા ઋત્વિક રોશન અભિનિત ‘ક્રિશ’ની ચોથી સિઝનનમાં પણ નજરે પડી શકે છે. ખબર છે કે ‘ક્રિશ’ના નિર્માતાઓએ હિરોઇનની ભૂમિકા માટે પ્રિયંકાનો સંપર્ક કર્યો હતો. પ્રિયંકાને ફિલ્મની વાર્તા પસંદ પણ પડી હતી, પરંતુ તે ઇચ્છતી હતી કે તેના પાત્ર-ભૂમિકાને ઋત્વિકના પાત્ર જેટલું સશક્ત અને પ્રભાવી બનાવવામાં આવે.

