ભારતમાં વૃંદાવનમાં રહેતી વંચિત છોકરીઓની મદદ માટે ફૂડ ફોર લાઈફ વૃંદાવન (FFLV) યુકે દ્વારા તા. ૨૯ જૂનને શુક્રવારે હિથરો એરપોર્ટ નજીક સ્ટોકલી પાર્ક પેવેલિયન ખાતે ખાસ કાર્યક્રમ ‘શી મસ્ટ કાઉન્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બોલિવુડ સ્ટાર અને FFLVના બ્રાન્ડ એમ્બેસેડર વિવેક ઓબેરોય હાજર રહેશે અને ચાવીરૂપ વક્તવ્ય આપશે. તેઓ વીઆઈપી મહેમાનો અને મહાનુભાવો સાથે જોડાશે.
વિવેક ઓબેરોયે શિક્ષણ દ્વારા આશા અને સશક્તિકરણના સંદેશને ફેલાવવામાં અથાગ પરીશ્રમ કર્યો છે. બાળકોના જીવનધોરણમાં સુધારો થાય તે સુનિશ્ચિત કરવા માટે ચેરિટીઝ સાથે છેક નીચેના સ્તરે કામ કરવા બદલ તેમને બોલિવુડના ટોચના સમાજસેવક તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
FFLVના સ્થાપક રૂપા રઘુનાથ દાસ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને ચેરિટીએ કરેલી પ્રગતિ અને મેળવેલી સિદ્ધિઓની વિગતોનો ચિતાર રજૂ કરશે. કાર્યક્રમનો હેતુ આગામી શૈક્ષણિક વર્ષ માટે વધુ ૩૦૦ છોકરીઓને ચેરિટીઝ સ્કૂલમાં સ્પોન્સર કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાનો છે. તેઓ શિક્ષિત બનીને તેમનું પોતાનું અને પરિવારજનોનું જીવન સુખમય બનાવી શકશે.
૨૫ કરતાં વધુ વર્ષથી ફૂડ ફોર લાઈફ વૃંદાવન ભારતના સૌથી ગરીબ પ્રદેશો પૈકી એકમાં કાર્યરત છે અને હવે સમાજમાં છોકરીઓને શિક્ષિત બનાવવા અને તેમનું સશક્તિકરણ થઈ શકે તે માટે સંસલ્થા પાસે ત્રણ સ્કૂલ અને ઘણાં પ્રોજેક્ટ છે.
તેના કાર્યમાં ગરીબોને મફત ભોજન વિતરણ, પર્યાવરણના જતન માટેની પહેલ, વ્યાવસાયિક કૌશલ્ય તાલીમનો સમાવેશ થાય છે. ૨૦૧૬માં સંસ્થાની છોકરીઓની પ્રથમ બેચ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ થઈ હતી. તે ઉપરાંત, સંસ્થાએ બળજબરીપૂર્વકના બાળ લગ્નથી ઘણી છોકરીઓને બચાવી લીધી હતી.
આપની મદદથી અમે #SheMustCount કાર્યને આગળ ધપાવી શકીશું.
સ્ટોકલી પાર્ક પેવેલિયન અને રેડ ક્યૂબ ઈવેન્ટ્સના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાશે. આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા બોલિવુડ અને ભાંગડા સ્ટાર શીન DCS તેમજ ફ્લ્યુટ ધેટ ગ્રૂવ ક્વાર્ટેટ ઉપસ્થિત દર્શકોને મનોરંજન પૂરું પાડશે.
આ કાર્યક્રમની ટિકિટ બુક કરવા માટે FFLV યુકે ઓફિસનો 020 7127 4864 પર અથવા [email protected] ઈમેલ પર સંપર્ક સાધવા અને FFLV વિશે વધુ માહિતી મેળવવા વેબસાઈટ www.fflv.orgની મુલાકાત લેવા વિનંતી.
