લંડનઃ બ્રિટને સરળતાપૂર્વક સ્ટુડન્ટ વિઝા મેળવી શકનાર દેશોની યાદીમાંથી ભારતને બાકાત રાખીને મોટી ભૂલ કરી હોવાનો અને આ નિર્ણયને લીધે ભારતીય વિદ્યાર્થીઓ બ્રિટનથી વધુ દૂર થઇ જશે તેવો મત બ્રિટનની અગ્રણી થીંક ટેંક સોશિયલ માર્કેટ ફાઉન્ડેશને રજૂ કર્યો હતો. આ નિર્ણય બ્રિટનને નુકસાનકારક હોવાનું પણ ફાઉન્ડેશને જણાવ્યું હતું.
ફાઉન્ડેશનના ડિરેકટર જેમ્સ કિર્કપે જણાવ્યું હતું, ‘સપ્ટેમ્બર, ૨૦૧૦માં પુરા થયેલા વર્ષમાં બ્રિટને ૬૦૩૨૨ ભારતીયોને વિઝા આપ્યા હતા. સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીમાં આ સંખ્યા ઘટીને ૧૪૦૮૧ થઈ હતી. આ સમયગાળા દરમિયાન, અમેરિકન અને કેનેડિયન યુનિવર્સિટીઓમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે વધારો નોંધાયો હતો.’ ‘ભારતીય વિદ્યાર્થીઓની બાદબાકીથી વધુ વિદ્યાર્થીઓ બ્રિટિશ યુનિવર્સિટીઓથી દૂર ભાગશે એવી ચેતવણી પણ તેમણે ઉચ્ચારી હતી.
ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિ.ઓ સહિત યુકેની ૨૪ અગ્રણી યુનિ.ઓનું પ્રતિનિધિત્વ કરનાર રસેલ ગ્રુપે પણ ભારતીય વિદ્યાર્થીઓ માટે સરળ વિઝા પ્રક્રિયાને ‘વાજબી’ ગણાવી હતી. રસેલ ગ્રુપના પોલીસી એનાલિસ્ટ હોલ્લી ચાંડેલિયરે જણાવ્યું હતું, ‘અમારે ત્યાં આશરે ૬૦૦૦ ભારતીય વિદ્યાર્થી અભ્યાસ કરે છે. તેઓ આપણી યુનિવર્સિટીને તેમજ આપણા દેશને ખૂબ જ મહત્ત્વનું યોગદાન આપે છે અને અમે યુકે સાથે વધુ આદાન-પ્રદાન થાય તેવું ઇચ્છીએ છીએ. તેથી જ વિદેશથી આવતા દરેક વિદ્યાર્થી માટે અમે સીધી અને સરળ વિઝા પ્રક્રિયા ઇચ્છીએ છીએ.’

