લંડનઃ યુકેની હાઇકોર્ટે લિકર બેરોન અને કિંગફિશરના ભાગેડુ માલિક વિજય માલ્યાને કાનૂની ખર્ચ પેટે ૨,૦૦,૦૦૦ પાઉન્ડ ભારતીય બેન્કોને ચૂકવવા આદેશ આપ્યો હતો. ભારતની ૧૩ બેન્કોએ વિજય માલ્યાને આપેલી લોનની રકમની વસૂલાત માટે બ્રિટનની કોર્ટમાં કેસ કર્યો છે. આ કાનૂની જંગ લડવા માટે ભારતીય બેન્કોએ ભારે ખર્ચ કરવો પડયો છે. તે પેટે કોર્ટે ૨ લાખ પાઉન્ડ ચૂકવવા કોર્ટે માલ્યાને ફરમાન કર્યું હતું.
ગયા મહિને જજ એન્ડ્ર્યુ હેન્શોએ માલ્યાની આખા વિશ્વમાં આવેલી મિલકતોને મુક્ત કરવાનો ઈનકાર કર્યો હતો અને ભારતીય કોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યો હતો. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનાં વડપણ હેઠળ ભારતની ૧૩ બેન્કના કન્સોર્શિયમને માલ્યા પાસેથી ૧.૧૪૫ અબજ પાઉન્ડ એટલે કે આશરે રૂ. ૯૦૦૦ કરોડથી વધુ રકમ વસૂલવા અધિકાર હોવાનું બ્રિટિશ કોર્ટે પણ સ્વીકાર્યું હતું. માલ્યાને આખા વિશ્વમાં તેમની સંપત્તિ ફ્રીઝ કરવાના આદેશનો રજિસ્ટ્રેશન ખર્ચ ચૂકવવા તેમજ કર્ણાટકની ડેટ રિકવરી ટ્રિબ્યુનલનાં ચૂકાદાનો ખર્ચ ચૂકવવા પણ કોર્ટે આદેશ આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યા ૧૭ જેટલી ભારતીય બેંકોનું રૂ. ૯૦૦૦ કરોડનું ફુલેકું ફેરવી રાતોરાત બ્રિટન નાસી ગયા હતા. હવે તે બ્રિટનમાં રાજ્યાશ્રયની માગ કરી રહ્યા છે.
કાનૂની ખર્ચની આકારણી અલગ જજ નક્કી કરશે
કાનૂની ખર્ચની કોર્ટ દ્વારા આકારણી એ આખી અલગ પ્રક્રિયા છે જેનો અંત યુકેનાં સ્પેશ્યાલિસ્ટ કોસ્ટ જજની સુનાવણી સાથે આવશે પણ તે દરમિયાન માલ્યાએ કાનૂની ખર્ચની જવાબદારી પેટે ભારતીય બેન્કોને ૨૦૦, ૦૦૦ પાઉન્ડની રકમ ચૂકવવા કોર્ટે આદેશ આપ્યો હતો. ભારતની ૧૩ બેન્કો, એસબીઆઈ, બેન્ક ઓફ બરોડા, કોર્પોરેશન બેન્ક, પંજાબ એન્ડ સિંધ બેન્ક, ફેડરલ બેન્ક, આઈડીબીઆઈ બેન્ક, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક, જમ્મુ એન્ડ કાશ્મીર બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ મૈસુર, યુકો બેન્ક અને યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા તેમજ જે એમ ફાયનાન્શિયલ દ્વારા માલ્યાની એરલાઈન્સ કીંગફીશરને રૂ. ૯૦૦૦ કરોડની લોન આપવામાં આવી હતી. આ રકમ પરત ચૂકવ્યા વિના માલ્યા ભારત છોડીને બ્રિટનમાં રહ્યો હતો.
૩૧ જુલાઈએ માલ્યાનાં પ્રત્યાર્પણ કેસની સુનાવણી
ચૂકાદા સામે અપીલ કરવાની વિજય માલ્યાની અરજી કોર્ટે ફગાવી દીધી હતી. જજે અપીલ માટેની અરજી કોર્ટ ઓફ અપીલ સમક્ષ કરવા સૂચના આપી હતી. ભારત સરકાર દ્વારા માલ્યાનાં પ્રત્યાર્પણ માટે બ્રિટનમાં કેસ કરવામાં આવ્યો છે. આ કેસની અંતિમ સુનાવણી વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં આવતા મહિને થવાની છે. પહેલા આ સુનાવણી ૧૧ જુલાઈએ યોજાવાની હતી પણ હવે તે ૩૧ જુલાઈએ હાથ ધરાશે. માલ્યા આ કેસમાં હાલ જામીન પર છે.

