માત્ર ૨૦ મિનિટ યોગ કે વોકિંગ મગજને સક્રિય રાખે છે

Wednesday 20th June 2018 06:27 EDT
 
 

વૃદ્ધાવસ્થામાં માત્ર ૨૦ મિનિટ કરતાં પણ ઓછા સમયની હળવી કસરત કરવાથી મગજ સક્રિય રહે છે તેવું એક નવી શોધનું તારણ છે. યોગ કે વોકિંગ કરવાથી પણ મગજના તંતુઓ સચેત બનતાં હોવાનું શોધમાં જણાયું છે.
મિયામી યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલાં સંંશોધન અનુસાર, દિવસમાં હળવા પ્રકારની કસરત લોકોને માનસિક કામો વધારે સારી અને અસરકારક રીતે પાર પાડવામાં સહાય કરે છે. લગભગ ૨૦ મિનિટની શારીરિક ગતિવિધિ કરવાથી લોકોને સમયની ગોઠવણી કરવામાં, ધ્યાન આપવામાં તથા ધ્યેયો સિદ્ધ કરવામાં સહાય કરે છે. વયસ્કો એક અઠવાડિયામાં ૧૫૦ મિનિટ કસરત કરે તો સ્વાસ્થ્યમાં તંદુરસ્તીનો ઉમેરો થાય છે.
યોગ થકી મજબૂત સ્મરણશક્તિ
વૃદ્ધાવસ્થામાં નિયમિત યોગથી મગજની સંરચના બદલાય છે, જેના કારણે મગજ વધારે સક્રિય રહે છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ મગજની સંરચના અને કાર્યક્ષમતા બદલાતી હોય છે અને તેને કારણે સ્મરણશક્તિ નબળી પડે છે. જોકે યોગ કરવાથી સ્મરણશક્તિને મજબૂત બનાવી શકાય છે.
સંશોધકોએ બુઝુર્ગ મહિલાઓનાં મગજની તસવીર લીધી તો તેમને જણાયું કે મગજના કોર્ટેક્સમાં કોર્ટિકલની પહોળાઈ ઘણી વધારે હતી. મગજનો ભાગ ધ્યાન અને સ્મૃતિ જેવાં સંજ્ઞાનાત્મક કાર્યો સાથે જોડાયેલો છે.
હળવી કસરત વિચારશક્તિ ખીલવે
જે લોકોએ હળવી કસરતમાં ભાગ લીધો હતો તેમનું કહેવું હતું કે વોકિંગ, સાઇક્લિંગ, ડાન્સિંગ વગેરેથી તન-મનને કસરત થાય છે, જેની મગજ પર સંરક્ષણાત્મક અસર પડતી હોય છે. સંશોધકોએ એવું પણ સૂચન કર્યું છે કે વિચારશક્તિને ખીલવવાનો લાભ લેવા માટે લાંબા ગાળાની કસરતો અનિવાર્ય છે.
વૃદ્ધાવસ્થામાં લપસી પડવાની બીક કે તેનાથી થતી ઈજા ખૂબ ચિંતાજનક બાબત બની રહેતી હોય છે, પરંતુ યોગ કરવાથી લપસી પડવાથી થતી ઈજાને ટાળી શકાય છે.


comments powered by Disqus