બોલિવૂડના દબંગ સલમાન ખાનને મેઈન લીડમાં દર્શાવતી ફિલ્મ ‘રેસ-૩’નું દિગ્દર્શન રેમો ફર્નાન્ડિઝે સંભાળ્યું છે અને ફિલ્મની વાર્તા શિરાઝ અહમદે લખી છે. ફિલ્મના પોસ્ટર અને ટ્રેલર પરથી જ અંદાજ આવી ગયો હતો કે 'રેસ' અને 'રેસ - ૨' કરતાં રેમો 'રેસ ૩'ને ભવ્ય બનાવવા માગતો હતો.
વાર્તા રે વાર્તા
શમશેર (અનિલ કપૂર)થી ફિલ્મની શરૂઆત થાય છે. શમશેર ગેરકાનૂની રીતે આઈલેન્ડ અલશિફામાં હથિયાર સપ્લાય કરવાનું કામ કરે છે. શમશેરનું સપનું છે કે તે આ કામ ભારતમાં પણ શરૂ કરે, પરંતુ પોતાના ક્રિમિનિલ રેકોર્ડને કારણે તે આ કામ કરી શકતો નથી. રાણા (ફ્રેડી દારૂવાલા) શમશેરનો કટ્ટર વિરોધી છે અને અનેકવાર બંને વચ્ચે બિઝનેસ વોર થઈ હોય છે. સિકંદર (સલમાન ખાન) શમશેરનો સાવકો દીકરો હોય છે. ઉપરાંત શમેશરને બે બાળકો સંજના (ડેઈઝી શાહ) તથા સૂરજ (સાકિબ સલીમ) હોય છે. ત્રણેય શમશેર માટે કામ કરતા હોય છે. યશ (બોબી દેઓલ), સિકંદરનો બોડીગાર્ડ હોય છે. જેસિકા (જેક્વેલીન ફર્નાન્ડિઝ) સિકંદરની ગર્લફ્રેન્ડ હોય છે. આ ફિલ્મમાં પણ અગાઉની રેસ થિમ પ્રમાણે પારિવારિક વોર જોવા મળશે. જોકે અગાઉની ‘રેસ’ સિરીઝની ફિલ્મોની વાર્તા સાથે આ ફિલ્મની વાર્તાને કોઈ સંબંધ નથી અને ‘રેસ’ની પાછલી બે સિઝનમાંથી એક માત્ર અનિલ કપૂરને આ ફિલ્મમાં રિપિટ કરાયો છે.
જબરદસ્ત એક્શન સીન
અગાઉની ‘રેસ’ ફિલ્મોની જેમ જ આ ફિલ્મમાં દિલધડક એક્શન સીન છે. કલાકારોની વાત કરીએ તો અનિલ કપૂરની એક્ટિંગ સારી છે અને જેક્વેલીન અને ડેઝીએ જોરદાર સ્ટન્ટ સીન ભજવ્યા છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી સુંદર છે. બેંગકોક અને અબુધાબીના સુંદર લોકેશન અને લદાખ અને કાશ્મીરનાં દૃશ્યો જોવામાં સારા લાગે છે ફિલ્મનું સંગીત એક્શન ફિલ્મને છાજે તેવું છે. જે રીતનો આ ફિલ્મનો અંત આવ્યો છે તે જોતાં ‘રેસ-૪’ની સંભાવના પણ નકારી શકાય નહીં.

