લંડનમાં બીજા કાર્યક્રમમાં એમેઝિંગ લીટલ સ્ટાર્સના કલાકારોએ ધૂમ મચાવી

- ધીરેન કટવા Wednesday 20th June 2018 07:19 EDT
 
 

પ્રતિભાશાળી યુવા કલાકારોના ગ્રૂપ ધ એમેઝિંગ લીટલ સ્ટાર્સ દ્વારા પંદર દિવસ અગાઉ લંડનમાં બીજો કોન્સર્ટ યોજાયો હતો. બે ભાગના આ કોન્સર્ટને માણવા માટે હોલ દર્શકોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. આ ગ્રૂપની વિશેષતા એ છે કે તેના કલાકારો કોઈપણ લોકપ્રિય હિંદી કે ગુજરાતી ગીત તેનું લખાણ જોયા વિના ગાય છે. તેમનો આત્મવિશ્વાસ, ધગશ, ઉર્જા અને ઉત્સાહ ખૂબ પ્રશંસનીય છે. આ ગ્રૂપ લો પ્રોફાઈલ રહેવામાં અને પર્ફોર્મન્સ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવાનું પસંદ કરે છે.

ગ્રૂપના ગાયકોએ ચાર કલાકના કાર્યક્રમમાં બોલિવુડના ગીતો, ગઝલો, કવ્વાલી, પંજાબી ગીતો, ભજનો, ગુજરાતી લોકગીતોથી સૌને રસતરબોળ કરી દીધા હતા. લોકોની માગ પર તેમણે જાણીતું સ્વાહિલી ગીત ‘હકુમા મતાતા’ પણ ગાયું હતું.

હાસ્ય કલાકાર ભાનુભાઈ પંડ્યાએ તેમના લોકપ્રિય ગુજરાતી જોક્સ સંભળાવીને સૌને પેટ પકડીને હસાવી દીધા હતા.

એમેઝિંગ લીટલ સ્ટાર્સ ૧૯૮૬માં ‘ગુરુજી’ ચંદ્રવદન એન્જિનિયર દ્વારા સ્થપાયેલી ખાસ હિંદુસ્તાની સંગીતની સ્કૂલ ‘સંગીત વિદ્યા પ્રોગ્રેસન’(SVP)નો ભાગ છે. ઉસ્તાદ કાદિર દુર્વેશ અને ઉસ્તાદ નઈમુદીન ખાન સાહિબ તેના શિક્ષકો છે.

સ્કૂલમાં હાલ ૨૬ વિદ્યાર્થી છે, જેમાં સૌથી નાનો વિદ્યાર્થી માત્ર સાત વર્ષનો છે. તેનો હેતુ સંગીતના માધ્યમથી હિંદુ સંસ્કૃતિના મૂલ્યોને ફેલાવવાનો છે. ગ્રૂપે યુકે અને યુરોપ ઉપરાંત આંતરરાષ્ટ્રીય પ્રવાસ પણ કર્યો છે. ભારતીય ટીવી ચેનલો અને રેડિયો પર તેમણે કાર્યક્રમો આપ્યા છે.

SVPની વધુ માહિતી માટે વેબસાઈટ www.sangeetvidyaprogression.com જુઓ.


comments powered by Disqus