લંડનઃ યુકેમાં જુદા જુદા પ્રકારના વિઝામાં થઈ રહેલા ધબડકાને લીધે અને ખાસ કરીને તો તાજેતરમાં જે દેશો માટે ટીયર – ૪ (સ્ટુડન્ટ વિઝા)ના નિયમો હળવા બનાવાયા તેમાં ભારતને ઈરાદાપૂર્વક બહાર રખાતા ડાયસ્પોરામાં આશ્ચર્ય સાથે ભારે રોષની લાગણી વ્યાપી હતી. આ ફેરફાર આગામી ૬ જુલાઈથી અમલી બનશે. તેમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને યુકેમાં અભ્યાસ કરવાનું સરળ બનાવાયું છે. ૨૫ દેશની આ યાદીમાં અમેરિકા અને કેનેડા જેવા દેશો તો છે જ અને સર્બિયા, ચીન તથા બહેરિન સહિત કેટલાક નવા દેશોનો સમાવેશ કરાયો હતો. જ્યારે ભારતને તો બાકાત જ રખાયું છે. ખાસ કરીને જ્યારે બ્રેક્ઝિટ નજીક છે ત્યારે નવી ટીયર – ૪ યાદીમાંથી ભારતને બહાર રાખવાના નિર્ણયની યુકે-ભારતના સંબંધ પર ચોક્કસપણે અસર થશે. લંડનમાં ૧૮થી ૨૨ જૂન દરમિયાન પહેલા યુકે-ઈન્ડિયા વીકની લંડનમાં ઉજવણી થઈ રહી છે તેવા સમયે આ નિર્ણય લેવાયો છે.
આ નિર્ણય ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રિલ ૨૦૧૮માં મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) પર હસ્તાક્ષર કર્યા નહીં તેના કારણે લેવાયો હોવાનું મનાય છે. ભારતના ગૃહ પ્રધાન કિરણ રિજીજુએ ગયા જાન્યુઆરીમાં લંડનની મુલાકાત લીધી ત્યારે યુકેના તેમના સમકક્ષ બેરોનેસ વિલિયમ્સ સાથે ચર્ચા કરી હતી. આ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) એટલે કે સમજૂતી યુકેમાં ગેરકાયદે વસતા ભારતીય ઈમિગ્રન્ટ્સને દેશનિકાલ કરીને ભારત પાછા મોકલવા અંગેની છે. આ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સમાંથી ઘણાં લેબર પાર્ટીના શાસન વખતે સ્ટુડન્ટ વિઝા પર યુકે આવ્યા હતા. વડા પ્રધાન મોદીએ આ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા નહીં.
૨૦૧૬માં ભારતની મુલાકાત દરમિયાન વડા પ્રધાન થેરેસા મેએ જણાવ્યું હતું કે યુકેમાં રહેવાનો જે ભારતીયોને અધિકાર નથી તેમની ભારત પાછા ફરવાની પ્રક્રિયામાં વેગ આવશે તો જ તે ભારત સાથે સારા વિઝા ડિલ વિશે વિચારશે. પરંતુ. વડા પ્રધાન મોદીના આગમન પહેલા તેની સંખ્યાનો મુદ્દો ઉકેલી શકાયો ન હતો અને તકલીફોમાં વધારો થયો હતો.
ભારતીય વિદ્યાર્થીઓને હજુ યુકેમાં આવકાર છે અને ચીન અને અમેરિકા ઉપરાંત ભારતના વિદ્યાર્થીઓને વધુ વિઝા ઈસ્યૂ કરાશે તેમ હોમ ઓફિસના પ્રવક્તાએ કહ્યું હોવાનું મનાય છે.
પરંતુ, આ નવી જાહેરાત સાથે છેલ્લા પાંચ મહિનામાં ૨,૩૦૦ મેડિકલ પ્રોફેશનલ્સ સાથે ૨૦૦૦ આઈટી પ્રોફેશનલ્સને વિઝાનો ઈન્કાર કરાયો હતો તે પ્રશ્ર નિરુત્તર રહે છે. હોમ ઓફિસે હાઈલી સ્કીલ્ડ માઈગ્રન્ટ્સને ઈન્ડેફિનીટ લીવ ટુ રિમેઈન મંજૂર કરવાનો ઈન્કાર કર્યો હોવાથી તેમનું ભવિષ્ય હજુ અનિશ્ચિત છે.
૩૮ ડિગ્રી વિશે હાઈલી સ્કીલ્ડ માઈગ્રન્ટ્સે કરેલી પિટિશન પર અત્યાર સુધી ૯૭,૨૫૧ લોકોનું સમર્થન મળ્યું છે. તેમાં કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા બે સંતાનોના પિતા ઓવૈસ રાજાની વાત કરવામાં આવી છે. તેમના એકાઉન્ટન્ટે ટેક્સ રિટર્નમાં ભૂલ કરી હતી. રાજાના એકાઉન્ટન્ટને છેતરપિંડી માટે ગુનેગાર ઠેરવાયો છે. પરંતુ, ઓવૈસ તેમની પત્નીની મેડિકલ કેરની રકમ ચૂકવી શકે તેમ નથી અને પરિવારને દેશનિકાલનો સામનો કરવો પડી રહ્યો છે.
બ્રિટનના હોમ સેક્રેટરી સાજિદ જાવિદે નોન-ઈયુ ઈમિગ્રન્ટ્સ માટે નવા ટેક વિઝા અમલી બનાવ્યા છે. નવા વિઝાને લીધે યુકે આવવા ઈચ્છતા આંત્રપ્રિનિયોર્સ માટે અરજીની પ્રક્રિયા ‘ઝડપી અને સરળ’ બનશે. સ્ટાર્ટ અપ વિઝા માટે અરજદારે યુનિવર્સિટી અથવા માન્ય બિઝનેસ સ્પોન્સર પાસેથી મંજૂરી મેળવવી પડશે.
ગઈ ૧૪ જૂને પીઅર્સ દ્વારા હોમ ઓફિસની નિષ્ફળતા, ગેરકાયદે ઈમિગ્રેશનના પરિણામો અને હાઈલી સ્કીલ્ડ માઈગ્રન્ટ્સની સ્થિતિ વિશે ચર્ચા હાથ ધરાઈ હતી. લોર્ડ ભીખુ પારેખે સ્કીલ્ડ માઈગ્રન્ટ્સની વાત કરતા યુકેમાં કેવી રીતે અને કોણે દ્વેષભાવનું વાતાવરણ સર્જ્યું તેની ચર્ચા કરી હતી. તેમણે ગેરકાયદે ઈમિગ્રેશનના વ્યાપક પરિણામો અને જે લોકોને HMRCને એક કે બે પાઉન્ડ ચૂકવવાના બાકી હોય તેમને ‘ખોટી રીતે’ દેશનિકાલ કરવામાં આવે છે અથવા દેશનિકાલની ધમકી અપાય છે તેની વાત કરી હતી.
યુકે કાઉન્સિલ ફોર ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ એફેર્સ (UKCISA)ના પ્રમુખ લોર્ડ કરણ બિલિમોરિયાએ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે નીતિમાં કરાયેલો ફેરફાર ભારનનું ‘અપમાન’ અને બ્રિટનની ’આર્થિક નિરક્ષરતા તથા ઈમિગ્રેશન પ્રત્યે વેરભાવયુક્ત વલણ’નું ઉદાહરણ છે. તેમણે ઉમેર્યું હતું કે ટાયર – ૪માંથી ભારતને બાકાત રાખવાથી ભારતને સંપૂર્ણપણે ખોટો સંદેશ જશે.
લોર્ડ સૂરીએ હૃદયદ્વાવક ઘટનાઓ અને વિન્ડરશ જનરેશન વિશે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે પૂર્વ હોમ સેક્રેટરી અને હાલના વડા પ્રધાનના સમયમાં દ્વેષભાવયુક્ત વાતાવરણ ઉભું થયું. તેને લીધે આ દેશમાં જીવવાનું મુશ્કેલ બનાવે તેવા કડક પગલા જાહેર જીવનના વિવિધ ક્ષેત્રોમાં લેવાયા.
કાયદેસર અને ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સનું રસપ્રદ નિરીક્ષણ કરતા બેરોનેસ ફ્લેધરે જણાવ્યું હતું કે આપણે ત્યાં ઘણાં ગેરકાયદે ઈમિગ્રન્ટસ્ છે. ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને અટકાવવા અથવા તેમને શોધવાની ઈચ્છા હોય તો કાયદેસરના અને સ્થાયી થયેલા ઈમિગ્રન્ટ્સ કેવો પ્રતિભાવ આપશે ?
દરેક બાબતમાં લાંબો સમય જાય છે. ઈંગ્લિશ લોકો વિઝા મેળવવાનો પ્રયત્ન કરતા હોય તો તેમને પણ તેમનો પાસપોર્ટ ક્યારે પાછો આવશે તેની ખબર નથી હોતી. આ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. હોમ ઓફિસ દરેક ફરજ બજાવી શકે નહીં. ઈમિગ્રેશનનું પોતાનું ડિપાર્ટમેન્ટ હોવું જોઈએ અને અને તેમાં ફરજ બજાવતા લોકો આ દેશના માઈગ્રેશનના ઈતિહાસથી પરિચિત હોય, લોકો કેમ આવે છે, તેઓ ક્યાંથી આવ્યા અને શું પરિસ્થિતિ છે તે જાણતા હોવા જોઈએ.
લોર્ડ પારેખે જણાવ્યું હતું કે જે લોકોને HMRCને એક કે બે પાઉન્ડ ચૂકવવાના બાકી હોય તેમને ‘ખોટી રીતે’ દેશનિકાલ કરવામાં આવે છે અથવા દેશનિકાલની ધમકી અપાય છે. આવું વલણ શા માટે ? આપણા સાથી માણસો અને હવે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સનું લેબલ લાગેલા લોકો પ્રત્યે આવું વલણ ક્યાંથી ઉદભવે છે ?
ગેરકાયદે ઈમિગ્રેશનના પરિણામો વિશે લોર્ડ પારેખે જણાવ્યું હતું કે પહેલા કેટલાક ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને શોધી કાઢીને તેમને સજા કરાય છે. બીજું દેશની સંવેદનશીલતા મરી પરવારી છે એટલે સુધી કે કોઈ વ્યક્તિ પર ‘ગેરકાયદેસર’ની છાપ લાગી જાય તો તેની સામે ગમે તે થઈ શકે.
ગેરકાયદે ઈમિગ્રેશન પ્રત્યે વાસ્તવિક અભિગમ કેવો હોવો જોઈએ તેના વિશે લોર્ડ પારેખે જણાવ્યું હતું કે પહેલા તો આપણે સમજી લેવાનું કે તે તો રહેવાનું જ છે. વિશ્વના ઘણાં ભાગોમાંથી લોકો અહીં આવવા સંઘર્ષ કરવાના જ છે. બીજું એ કે આપણે તેમના દેશોમાં હતા એટલે તેઓ અહીં આવે છે. આપણે તેમના સમાજોને કેવા છિન્ન ભિન્ન કરી નાખ્યા ? અત્યારે આપણે તેમની પાસેથી જે અપેક્ષા રાખીએ છીએ તેવા ધોરણનું જીવન આપણે જીવ્યા ?
વિદેશ નીતિઓને લીધે ઉભી થયેલી પરિસ્થિતિ વિશે લોર્ડ પારેખે જણાવ્યું હતું કે તેઓ ગેરકાયદે આવ્યા કારણ કે તેમને કાયદેસર રીતે આવવું હતું. પરંતુ, આપણે કાનૂની દરવાજા બંધ કરી દીધા હતા. કાનૂની ઈમિગ્રેશન સ્થગિત કરી દેવાયું તેને લીધે ગેરકાનૂની ઈમિગ્રેશન થાય છે. તેથી આપણે પણ આપણી તરફ અને આપણી નીતિઓ તરફ થોડીક ઉદારતા અને માનવતાથી જોવું જોઈએ અને આ બધું ચાલી રહ્યું છે તેના માટે આપણે જવાબદાર છીએ કે કેમ તે આપણી જાતને પૂછવું જોઈએ.

