વડીલો સહિત સહુ વાચક મિત્રો, વીતેલા શુક્રવારે મને એક પ્રાર્થનાસભામાં હાજરી આપવાનો સુંદર અવસર સાંપડ્યો. આજથી ૧૨ વર્ષ પૂર્વે - ૧૫ જૂન ૨૦૦૬ના રોજ અમદાવાદમાં શ્રી પંકજભાઇ ત્રિવેદીની હત્યા કરવામાં આવી હતી. બાવન વર્ષના પંકજભાઇ આમ જૂઓ તો અમદાવાદના વતની પણ કેટલાય વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા હતા. આ સુશિક્ષિત સજ્જન સુખીસંપન્ન પારિવારિક જીવન વીતાવતા હતા અને પૂ. પાંડુરંગ આઠવલે પ્રેરિત સ્વાધ્યાય પરિવારના રંગે રંગાયા હતા.
પૂ. પાંડુરંગ આઠવલેએ છએક દસકા પૂર્વે મુંબઇના માધવબાગમાં આ સ્વાધ્યાય પ્રવૃત્તિનું બીજ રોપ્યું હતું. તત્વજ્ઞાન અને પૌરાણિક પરંપરા આધારિત આ અધ્યાત્મ માર્ગનો પ્રચાર-પ્રસાર જોતજોતામાં ખૂબ સારી રીતે થયો. જનપ્રતિસાદ પણ સુંદર સાંપડ્યો. સમાજસેવા થકી સમાજના તમામ વર્ગના કલ્યાણના માર્ગનું નિર્માણ થયું. સંસ્થા બીજમાંથી વટવૃક્ષ બનીને વિસ્તરી. દેશ-દેશાવરના શહેરો-નગરોમાં તેની શાખાઓ ખૂબ ફૂલીફાલી.
પરંતુ વિધિની વિચિત્રતા જૂઓ - ઉત્તરાર્ધમાં સંપત્તિસંચય થયો. સમયાંતરે વ્યક્તિકેન્દ્રીત સત્તામાં તેનું પરિવર્તન થયું. અને જાણે એક પ્રકારનું વિષચક્ર આરંભાયું. પૂ. પાંડુરંગ શાસ્ત્રીજીએ તેમના ઉમદા ઉદ્દેશને સાકાર કરવા અનેકવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓ દ્વારા સમાજના તમામ વર્ગનો વિશ્વાસ હાંસલ કર્યો. જસ્ટિસ નાણાવટી અને તેમના જેવા ખમતીધર મહાનુભાવો ઉત્સાહ-ઉમંગ સાથે તેમની પ્રવૃત્તિમાં સામેલ થયા. સ્વાધ્યાય પ્રવૃત્તિ શહેરી વિસ્તારો પૂરતી જ મર્યાદિત ન રહેતાં સમાજના ઉપેક્ષિત વર્ગો, માછીમાર સમુદાય, આદિવાસી સમૂહો તેમજ અન્ય પ્રકારના વર્તુળો સુધી વિસ્તરી હતી. લગભગ ૭૦૦ કરોડ જેટલા રૂપિયાનું ભંડોળ એકત્ર થયું હતું. કમનસીબે સકારણ કેટલાક મોટેરાઓએ તેમની ચિંતા વ્યક્ત કરી. સંસ્થા વ્યક્તિ-કેન્દ્રીત બની રહી હોવાના મુદ્દે વિરોધ ઉઠ્યો. અસંતોષની એક આંધીએ વંટોળનું સ્વરૂપ ધારણ કર્યું. વાચક મિત્રો, નરસૈયો કહી જ ગયો છેને પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર... બસ સ્વાધ્યાય પરિવાર સાથે આવું જ થયું. એક ઉચ્ચ તથા ઉમદા વિચાર સાથે શરૂ થયેલી સંસ્થાને વિવાદનું ગ્રહણ લાગી ગયું.
સંસ્થામાં શરૂ થયેલી કથિત અયોગ્ય હલચલ સામે છાનાખૂણે તો વિરોધ ઉઠવા જ લાગ્યો હતો, ક્યાંક નાના પાયે કચવાટ વ્યક્ત થઇ રહ્યો હતો. પરંતુ પંકજભાઇ ત્રિવેદી - વિવેકપૂર્ણ રીતે પણ - સરાજાહેર અવાજ ઉઠાવી રહ્યા હતા. પરદા પાછળની વાતોનો પર્દાફાશ કરી રહ્યા હતા. તેમને (સંસ્થા સામે અવાજ ઉઠાવવાના માર્ગેથી) પાછા વળી જવા માટે, નમી જવા માટે, ખમી જવા માટે દબાણ શરૂ થયું. પરંતુ પંકજભાઇ ના તો તેમના માર્ગેથી ડગ્યા, ના તો તેઓ ઝૂક્યા. વિરોધીઓનો અવાજ દબાવી દેવા માટે એક વર્ગ દ્વારા જે પ્રકારે કાવાદાવા થઇ રહ્યા હતા તે જોઇને પંકજભાઇને પણ સમજાઇ ગયું હતું કે કેટલાક માર્ગભૂલેલા સ્વાધ્યાયીઓ તેમના પર હુમલાનું ષડયંત્ર રચી શકે છે. તેમના પર જીવલેણ ખતરો સર્જાઇ શકે છે. પરંતુ સિદ્ધાંતને વરેલા પંકજભાઇ અડગ રહ્યા. એક જૂથે ષડયંત્ર રચીને તેને યોજનાબદ્ધ પાર પાડ્યું. અમદાવાદની ઓળખ જેવા એલિસબ્રિજ જીમખાના નજીક ૧૫ જૂન ૨૦૦૬ના રોજ પંકજભાઇ પર હુમલો કરીને હત્યા કરાઇ. પોલીસે ચીવટપૂર્ણ તપાસ કરીને હુમલાખોરોને ઝડપી લીધા. ૧૨ વર્ષ જૂનો મામલો આજે પણ કોર્ટમાં છે, આજ દિવસ સુધી ચુકાદો આવ્યાનું જણાતું નથી.
સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે સંપૂર્ણ સમર્પિત ભાવ સાથે સંકળાયેલા કંઇકેટલાય ભાઇઓ-બહેનો ઉમદા ઇન્સાન એવા પંકજભાઇની હત્યાથી સ્તબ્ધ થઇ ગયા. સંગઠનથી વિમુખ થઇ ગયા. પંકજભાઇની સરાજાહેર કરપીણ હત્યા બાદ તેમના પરિવારજનોને ન્યાય અપાવવા પ્રચંડ ઝૂંબેશ શરૂ થઇ. દંતાલીવાળા પૂ. સ્વામીશ્રી સચ્ચિદાનંદજી અને લેખક-વિચારક શ્રી ગુણવંતભાઇ શાહ પ્રારંભથી જ આ ચળવળમાં મોખરે રહ્યા છે.
બાય ધ વે, આપણા સમાજના આ રત્નો માટે વિશેષ લખાણની જરૂર નથી, પરંતુ એટલું તો અવશ્ય કહેવું જ રહ્યું કે આ બન્ને મહાનુભાવો જેવું વિચારે છે તેવું બોલે છે અને જેવું બોલે છે તેવું જ જીવન જીવે છે. આચાર-વિચારમાં તમને ક્યાંય રતિભાર ફરક ન જોવા મળે. આપ સહુ સમાજમાં આસપાસ નજર કરજો, આવા માણસો જવલ્લે જ જોવા મળશે.
સ્વામી સચ્ચિદાનંદજીએ તો પંકજભાઇની નિર્મમ હત્યા બાદ આ ષડયંત્ર ઘડનાર પરિબળો સામે ટીકાની એવી આકરી ઝડી વરસાવેલી કે વિરોધીઓ રાતાપીળા થઇ ગયા હતા. સ્વામીજી પર દંતાલી આશ્રમમાં જ મધરાત્રે હુમલાનો પ્રયાસ થયો હતો. સ્વામીજીએ વળતો પ્રતિકાર કર્યો. જેમાં એક હુમલાખોર માર્યો ગયો હતો. અલબત્ત, આ હુમલો લૂંટના ઇરાદે થયાનું જાહેર થયું હતું, પરંતુ જાણકારો આમાં સ્વામીજીના વિરોધીઓનો હાથ જૂએ છે.
માત્ર પંકજભાઇ કે સ્વામી સચ્ચિદાનંદજી જ નહીં, સ્વાધ્યાય સંગઠનની નીતિરીતિ સામે અવાજ ઉઠાવનાર દરેકનું મોં બંધ કરી દેવા આવા જ હિચકારા પ્રયાસ થયા હતા. આ જ ગાળામાં કે અગાઉના દિવસોમાં લંડનનિવાસી વિનુભાઇ સચાણિયા પર જામનગરમાં હુમલો થયો હતો. વિનુભાઇ પરિવારજનો દ્વારા યોજાયેલા ધાર્મિક પ્રસંગે હાજરી આપવા ગયા હતા તે વેળા આ ઘટના બની હતી. તેમને એ હદે મરણોતલ માર મારવામાં આવ્યો હતો કે હાથ-પગમાં મલ્ટીપલ ફ્રેક્ચર થઇ ગયા હતા. જોકે હિંમતવાન વિનુભાઇ આજે પણ પોતાની રીતે જનજાગૃતિ માટે પ્રયત્નશીલ છે. તેઓ દર વર્ષે ૧૫ જૂને પોતાના નિવાસસ્થાને પંકજભાઇ ત્રિવેદની સ્મૃતિમાં પ્રાર્થનાસભા યોજે છે અને દર વખતે વડોદરાથી લેખક-વિચારક શ્રી ગુણવંતભાઇ શાહ ટેલિફોનના માધ્યમથી સહુ કોઇને પંકજભાઇની પૂણ્યસ્મૃતિ અંગે ઉદ્બોધન કરે છે. શક્ય હોય ત્યાં સુધી હું પણ આ પ્રાર્થનાસભામાં હાજરી આપું છું.
વાચક મિત્રો, આપ સહુને એક બીજી પણ વાત જાણવામાં રસ પડશે કે ૧૨ વર્ષ પૂર્વે આ ઘટના બની ત્યારે ગુજરાત સમાચારે સમાજ સમક્ષ સત્ય હકીકત રજૂ કરવાની પોતાની ફરજ સમજીને વિગતવાર અહેવાલો રજૂ કર્યા હતા. પંકજભાઇની નિર્મમ હત્યા થયાના પંદરેક દિવસ બાદ - પાંચમી જુલાઇના રોજ અમદાવાદના અંધજન મંડળમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની જાહેર સભા યોજાઇ હતી. જેમાં પંકજભાઇની હત્યાના બનાવ તેમજ સ્વાધ્યાય પ્રવૃત્તિમાં શરૂ થયેલી વ્યક્તિપૂજા સામે અવાજ ઉઠાવનાર લોકોને નિશાન બનાવાઇ રહ્યા હોવાના મુદ્દે આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી. આ સભામાં ઉપસ્થિત રહીને મને પણ મારા વિચારો રજૂ કરવાનો અને પંકજભાઇને યથામતિ - યથાશક્તિ અંજલિ અર્પવાનો અવસર સાંપડ્યો હતો. મેં સોઇ ઝાટકીને વાત અમદાવાદમાં કરી હતી, પણ તેની અસર છેક બ્રિટન સુધી પહોંચી હતી.
બ્રિટનમાં વસતાં કેટલાક સ્વાધ્યાયી ભાઇ-બહેનોએ મને ૨૫૦ જેટલા ઇ-મેઇલ અને પત્રો પાઠવીને કે ફોન કરીને ગાળાગાળી કરી હતી. કેટલાકે ગુજરાત સમાચાર-એશિયન વોઇસ ખરીદવાનું બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી તો કેટલાક ‘હિંમતવાનોએ’ તો વળી આપના પ્રિય અખબારોનું પ્રકાશન જ બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. આવી અઘટિત અને અશોભનીય પ્રવૃત્તિ છતાં ગુજરાત સમાચાર તેના વલણને વળગી રહ્યું હતું, વળગી રહ્યું છે, અને ભવિષ્યમાં પણ વળગી રહેશે. ધાર્મિક પ્રવૃત્તિમાં જ્યારે અધાર્મિક ઉદ્દેશ ભળે ત્યારે મારે - તમારે - આપણે સહુએ અવાજ ઉઠાવવો જ રહ્યો - અને આ માટે કોઇ પણ ભોગ આપવા તૈયાર રહેવું પડે. નર્મદે પણ ધર્મના ઓઠા તળે ચાલતી અનૈતિક નીતિરીતિ સામે બૂંગિયો પીટ્યો જ હતોને? સમાચાર પત્રની આ જ તો ફરજ છે - સત્યને ઉજાગર કરવું. સત્યને સાથ આપવો. ધાકધમકીને વશ થઇને મોં બંધ કરવું કે સમાચાર-અહેવાલ ન છાપવા એ તો શાહમૃગવૃત્તિ થઇ. પત્રકારત્વના સિદ્ધાંતોને
વરેલા અખબાર કે પત્રકારને પલાયનવૃત્તિ લગારેય ના શોભે.
ગયા શુક્રવારની પ્રાર્થનાસભામાં લેખક-વિચારક ગુણવંતભાઇએ તેમના વિચારો બહુ સુંદર રીતે રજૂ કર્યા. ગુજરાતી ભાષામાં તેમનું લખાણ, તેમનું વકતૃત્વ આપણી પેઢીનું સદભાગ્ય છે. પ્રખર વિચારક અને ઊંડા અભ્યાસી. સવિશેષ તો કોઇની પણ શેહશરમ કે ડર રાખ્યા વગર પોતાના મંતવ્યોને મક્કમતાપૂર્વક રજૂ કરવા એ તેમની આગવી લાક્ષણિક્તા છે. બિનસાંપ્રદાયિક્તાના નામે સાંપ્રદાયિકતાને બળવત્તર બનાવતા પરિબળોને ગુણવંતભાઇએ જેટલા ઝાટક્યા હશે એટલા ભાગ્યે જ કોઇ બીજાએ ઝાટક્યા હશે.
શ્રી ગુણવંતભાઇએ તેમના વક્તવ્યમાં જમ્મુ-કાશ્મીરના પુંચ વિસ્તારમાંથી ભારતીય સુરક્ષા દળના જવાન ઔરંગઝેબનું અપહરણ કરીને આતંકવાદીઓએ કરેલી હત્યાનો સંદર્ભ ટાંકીને સુંદર રજૂઆત કરી હતી. એક ઔરંગઝેબ ૧૫૦ વર્ષ પૂર્વે થઇ ગયો અને એક ઔરંગઝેબ તે આ ભારતમાતાનો સપૂત. ભારતની એકતા અને અખંડિતતા માટે સમર્પિત આ જવાનને આતંકવાદીઓએ ઠાર માર્યો. જવાન રજા લઇને ઈદ મનાવવા વતન જઇ રહ્યો હતો. શસ્ત્રધારી આતંકવાદીઓ આવ્યા, જવાન જે બસમાં મુસાફરી કરતો હતો તેમાં ચઢ્યા. જવાનને અલગ તારવીને નીચે ઉતાર્યો અને અજાણ્યા સ્થળે ઉઠાવી ગયા. કેટલાક પ્રશ્નો પૂછ્યા અને પછી તેની હત્યા કરી નાંખી. આતંકવાદીઓએ જવાન ઔરંગઝેબને જ નિશાન કેમ બનાવ્યો? તે ટાઇગર નામના એક કુખ્યાત આતંકવાદીને ઠાર મારનાર સુરક્ષા દળની ટીમમાં સામેલ હતો.
શ્રી ગુણવંતભાઇએ આગવી અદામાં આ મુદ્દે મનનીય વિચારો વ્યક્ત કર્યા હતા. તેમના શબ્દો, ભાવ, લાગણી કંઇક આવા હતાઃ
શહાદત કે કુરબાની એ તો આપણી (ભારતીયોની) પરંપરા છે. સમય આવ્યે અન્યના હિત માટે, સલામતી માટે, સ્વાભિમાન માટે શહીદ થનાર વ્યક્તિના પાળિયાથી માંડીને સ્મૃતિ સ્થાનકો આપણે ગામેગામ જોઇએ છીએ.
ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ હોય કે પછી માતૃભૂમિ કાજે અન્ય કોઇ ચળવળ... અદના આદમીએ ધર્મ, પ્રાંત કે જ્ઞાતિ-જાતિના સંકુચિત વાડામાં ફસાયા વગર પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. લોકો સિદ્ધાંતનું જતન-સંવર્ધન કરવાના ઉમદા ઉદ્દેશ માટે પરિશ્રમ ઉઠાવી રહ્યા છે. અને જરૂર પડ્યે મોત સાથે બાથ ભીડવી પડે તો પણ પોતાના માર્ગેથી વિચલિત થતા નથી. પંકજભાઇ અને ઔરંગઝેબ આવા મુઠ્ઠીઉંચેરા અદના આદમી હતા...
એક વિશ્વાસપાત્ર અહેવાલ પ્રમાણે દશેક વર્ષ અગાઉ વડોદરામાં આદરણીય ગુણવંતભાઈ શાહ ઉપર શારીરિક હુમલો કરવાનું ષડયંત્ર રચાયું હતું. આપણા સૌના સદ્ભાગ્યે કેટલાક સન્મિત્રોની સમયસૂચકતા અને સક્રિયતાથી આવા શેતાની તત્વોની મેલી મુરાદ બર આવી ન હતી.
વકતવ્યના પ્રારંભ પૂર્વે ઉપસ્થિત ભાઇ-બહેનોએ ભગવદ્ ગીતાના ૧૫મા અધ્યાયનું પઠન કર્યું હતું. તેમજ સુંદર ભજન-કીર્તન સાદર કર્યા હતા. શ્રી ગુણવંતભાઇ જેવા પ્રખર ચિંતક-વિચારકના વક્તવ્ય બાદ મારે તો શું કહેવાનું હોય?! પણ મારી સંક્ષિપ્ત રજૂઆત કંઇક આ પ્રમાણે હતીઃ
આજે આપણે સહુ અત્રે એક શુભ હેતુથી એકત્ર થઆ છીએ. આમાં આપણો અંગત સ્વાર્થ કેટલો? આપણી આજની ઉપસ્થિતિને કેટલું સાહસ ગણવું જોઇએ? આપણે સહુ પાયાનું કર્તવ્ય સમજીને ઉપસ્થિત થયા છીએ.
આપણે પંકજભાઇ ત્રિવેદીની શહાદત એળે ન જવા દેવી જોઇએ. આ મુદ્દે આપણે સંપૂર્ણતયા અહિંસક માર્ગે - લેશમાત્ર શાબ્દિક હિંસા વગર - સત્ય પ્રકાશમાં આવે તે માટે સતત ધ્યાન કેન્દ્રીત કરવું રહ્યું.
આ મુદ્દે સતત પ્રચાર-પ્રસાર થકી આમ આદમી સુધી આ બાબત પહોંચાડવી તે આપણી પવિત્ર ફરજ છે, આપણો ધર્મ છે. વ્યક્તિના વિકાસ અને તન-મનની શાંતિ તથા પ્રગતિ માટે શ્રદ્ધા આવશ્યક છે, પરંતુ આ શ્રદ્ધાને પુષ્ટિ મળે તે માટે શ્રદ્ધાપૂર્વકના પ્રયત્નો આવશ્યક છે. આપણો મુખ્ય ઉદ્દેશ કે હેતુ છે અન્યાય નિવારણ. સહુ કોઇ વૈચારિક ક્રાંતિના બીજારોપણમાં પરોવાય અને કુવિચારને જાકારો આપે તે જ આપણું એકમાત્ર લક્ષ્ય હોવું જોઇએ.
પંકજભાઇ ભલે આપણી વચ્ચે સદેહે ન હોય, પરંતુ તેઓ એક વિચારબિંદુ તરીકે, ક્રાંતિબીજ તરીકે આપણા હૃદયમાં આજેય ધબકી રહ્યા છે. તેઓ ભલે આપણી વચ્ચે સદેહે પરત ફરી શકે તેમ નથી પરંતુ આપણે એ ન ભૂલવું જોઇએ કે તેઓ પોતાના જીવનની આહુતિ આપીને આપણને માર્ગ ચીંધતા ગયા છે. આ વાત જો વિસરી ગયા તો પછી આપણો ઇશ્વર કે સદવિચારમાં વિશ્વાસ કેમનો ટકી શકશે? વિનુભાઇ, તેમનો પરિવાર અને તેમના મિત્રો જે પ્રકારે આ પૂણ્યતિથિ મનાવી રહ્યા છે તે પણ પરમાત્માની આરાધના છે. આને આપણા સહુના જીવનની સેવા જ ગણવી રહી.
•••
પરાક્રમી પ્રમોદભાઇઃ સાતમા આસમાને...
વાચક મિત્રો, આજે મારે આપ સહુને એક વડીલ મિત્ર કહો તો મિત્ર, પ્રેરણાદાયી વ્યક્તિત્વ કહો તો વ્યક્તિત્વ અને હમવયસ્ક ગણો તો હમવયસ્કનો થોડોક વિગતે પરિચય કરાવવો છે. આમ તો તેમના ‘પરાક્રમ’ સંબંધિત એક અહેવાલ આગામી દિવસોમાં આપણા અખબારોમાં પ્રકાશિત કરવાનું આયોજન છે જ, પરંતુ મારે તો તેમની સાથેના અંતરંગ સંબંધની વાત કરવી છે.
મધ્ય ગુજરાતમાં આવેલા જંબુસર નજીકના નોંધણાના વતની પ્રમોદભાઇ જશભાઇ પટેલનો જન્મ આફ્રિકામાં, પણ વર્ષોથી લંડનમાં વસે છે. આરોગ્ય સંબંધિત અનેકવિધ આપદા વચ્ચે પણ તેઓ એકદમ સ્વસ્થ રીતે જીવન જીવી રહ્યા હોવાની વાત સાંભળી હતી. પ્રમોદભાઇના જીવન પ્રત્યેના આ જ અભિગમે મને તેમની મુલાકાત માટે પ્રેર્યો.
વાચક મિત્રો, આપ સહુને યાદ હશે કે વીતેલા પખવાડિયે (અંક ૯ જૂન) આ જ કોલમમાં મેં એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે ઇલિંગ રોડ, વેમ્બલી પર આવેલા સનાતન મંદિરમાં યોજાયેલી રામકથામાં ઉપસ્થિત રહેવાનો મહામૂલો અવસર સાંપડ્યો હતો. બસ, તે જ પ્રસંગની વાત છે. હું આગલી હરોળમાં બેઠો હતો. કાન કથામાં હતા, પરંતુ આંખો તો આજુબાજુ ફરતી હોયને?! દૂરથી આ તરફ આવી રહેલા એક મહિલા પર મારી નજર પડી. મને આનંદ થઇ ગયો. હું તરત ઉભો થઇને તેમની પાસે જઇ પહોંચ્યો. મેં સાદર વંદન કર્યા ને તેમણે ખુશખુશાલ ચહેરે મારા ઓવારણા લીધાં. વ્યાસપીઠ પરથી કથાનું રસપાન ચાલી રહ્યું હતું એટલે વધુ વાતચીત યોગ્ય નહોતી. હું પરત ફરીને મારી જગ્યાએ બેઠો અને તેઓ તેમની બેઠક તરફ આગળ વધી ગયા. આ મહિલા એટલે મારા નિરુમાસી.
હું મારી જગ્યાએ જઇને બેઠો કે તરત જ મારી બાજુમાં બેઠેલા ભૂપેન્દ્રભાઈ કણસાગરાએ મને પૂછ્યુંઃ ‘આ બાને કેમ પગે લાગ્યા? તમારા શું થાય?’ મેં જણાવ્યું કે મારા માતૃપક્ષે ચોથી પેઢીએ મારી જાણ મુજબ, એકમાત્ર નિરુમાસી બ્રિટનમાં હયાત છે, જેમના નિયમિત સંપર્કમાં હું છું. તેઓ લંડનમાં જ વસે છે. નિરુમાસી મારા બા - કમળાબાના સગા મામાના દીકરી છે. આમ તો અમે સમવયસ્ક કહેવાઇએ, પણ ચોકસાઇથી આંકડો માંડો તો તેઓ સહેજ મોટા.
આ વાતચીત દરમિયાન જ મારા મગજમાં ખ્યાલ ઝબક્યો કે હું માતૃપક્ષ વિશે તો ઘણુંબધું જાણું છું, પરંતુ પિતાશ્રીના મોસાળ વિશે, તેમના પરિવાર વિશે પણ વિગતે જાણવું જોઇએ. આ ખાંખાખોળા દરમિયાન મને જાણ થઇ કે આફ્રિકાથી લંડન આવીને ઠરીઠામ થયેલા પ્રમોદભાઇ જશભાઇ પટેલ મૂળે નોંધણાના વતની છે. તેમના વિશે સાંભળ્યું તો હતું જ, મળવાની ઇચ્છા બળવત્તર બની. તેમના દીકરા દક્ષેશભાઇને ફોન કર્યો અને પ્રમોદભાઇને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. મિત્રો-સ્વજનોમાં ‘ડેક’ના હુલામણા નામે જાણીતા તેમના દીકરા દક્ષેશભાઇ વ્યવસાયે સીએ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) છે અને વ્યવસાય ક્ષેત્રે સન્માનીય સ્થાન ધરાવે છે. તેમનું હાર્દિક આમંત્રણ મળતાં જ સમય નક્કી કર્યો અને જઇ પહોંચ્યો એસેક્સના હેનોલ્ટમાં આવેલા તેમના નિવાસસ્થાને. પ્રમોદભાઇ અને તેમના પરિવાર સાથે બે કલાક વીતાવ્યા, પણ વાચક મિત્રો, સાચું કહું તો તીર્થાટને જઇને પરત ફર્યો હોઉં એટલો સંતોષ, આનંદ અનુભવ્યો.
મિત્રો, તમે મને એક, માત્ર એક જ નામ એવું કહી શકશો જેના જીવનમાં કોઇ પણ પ્રકારે, ઓછાવત્તા અંશે શારીરિક-માનસિક આધિ-વ્યાધિ-ઉપાધિ ન હોય? તમે ગમેતેટલું માથું ખંજવાળશો, એકેય નામ નહીં જ મળે. સાચી વાત તો એ છે કે દરેક વ્યક્તિને જીવનમાં ઓછાવત્તા અંશે શારીરિક-માનસિક પીડા હોવાની જ. ફરક બસ તેનો સામનો કઇ રીતે કરો છો તેમાં જ હોય છે. આપણે સહુ નાનીમોટી આપતિ વેળાએ અલગ અલગ પ્રતિસાદ આપીએ છીએ. પણ પ્રમોદભાઇની વાત અલગ છે. મેં આ લેખનું મથાળું ‘પરાક્રમી પ્રમોદભાઇઃ સાતમા આસમાને’ કંઇ અમસ્તું જ નથી આપ્યું. તેમની પડકારજનક જીવનશૈલી નરી આંખે નિહાળ્યા બાદ આ શબ્દો લખ્યા છે.
મારા જીવનમાં હું જવલ્લે જ આવી કોઇ વ્યક્તિને મળ્યો હોઇશ કે જે પ્રતિકૂળ સંજોગોમાં વચ્ચે પણ સંપૂર્ણપણે ઇશ્વર પરાયણ હોય, બિલ્કુલ સ્વાશ્રયી હોય અને પોતાની વર્તમાન સ્થિતિ માટે નસીબ કે અન્ય કોઇને દોષારોપણ ન કરતી હોય. પડકારજનક મુશ્કેલીઓ અનેક હોય, પણ એક અક્ષરેય ફરિયાદ કર્યા વગર બધું સહજભાવે સ્વીકારી લે અને પોતાની આગવી સૃષ્ટિમાં વિચરણ કર્યા કરે. મારા કરતાં પ્રમોદભાઇ ઉંમરમાં - થોડાક જ દિવસો - નાના, પણ તેમનું જીવન જોઇને ખરેખર હું નતમસ્તક થઇ ગયો.
જીવનને ખરા અર્થમાં, શબ્દશઃ જીવી જાણનારા આવા વ્યક્તિ વિશે આપ સહુને વિગતે જાણવાનું ગમે કે નહીં? આપ સહુનો જવાબ જાણું છું, અને એટલે જ તેમના જીવન વિશે આગામી અંકમાં માહિતીસભર અહેવાલ પ્રકાશિત કરવાનું નક્કી કર્યું છે. બસ, આજે તો વિદાય લઉં છું. (ક્રમશઃ)

