હાઉસ ઓફ કોમન્સમાં વર્લ્ડ હંગર ડે મનાવાયો

Thursday 21st June 2018 07:26 EDT
 
 

લંડનઃ તાજેતરમાં સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એકસલન્સ દ્વારા હાઉસ ઓફ કોમન્સમાં વર્લ્ડ હંગર ડે મનાવાયો હતો. તેના યજમાન સંડરલેન્ડ વેસ્ટના સાંસદ શ્રીમતી શેરોન હોજસન અને સહયજમાન સાંસદ અને ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ ઓન હંગરના વાઈસ ચેર એમ્મા લેવેલ-બક હતા. આ કાર્યક્રમનું આયોજન અક્ષય પાત્ર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે હંગર પ્રોજેક્ટ, ફેલિક્સ પ્રોજેક્ટ, ફિડિંગ બ્રિટન, સસ્ટેઈન એન્ડ ચાઈલ્ડ પોવર્ટી એક્શન ગ્રૂપના સહયોગથી કરાયું હતું. 

હંગર પ્રોજેક્ટના કન્ટ્રી ડિરેક્ટર સોફી નૂનમ, ફેલિક્સ પ્રોજેક્ટના સીઈઓ હિલેરી ક્રોફ્ટ, ફિડિંગ બ્રિટનના નેશનલ ડિરેક્ટર રોઝી ઓગ્લેસ્બી, અક્ષય પાત્ર ફાઉન્ડેશનના સીઈઓ-યુરોપ ભવાની સિંઘ, ચીલ્ડ્રન્સ ફૂડ કેમ્પેન એટ સસ્ટેનના કેમ્પેન મેનેજર બાર્બરા ક્રોથર, ચાઈલ્ડ પોવર્ટી એક્શન ગ્રૂપના લુઈસા મેકગીહને બ્રિટનમાં હંગર સંબંધિત મહત્વની માહિતી ચાઈલ્ડ હંગરની હકીકતો અને આંકડા અને આ સમસ્યાને પહોંચી વળવા હાથ ધરેલી કામગીરીની વિગત આપી હતી.

અક્ષય પાત્ર ફાઉન્ડેશનના કનિકા ગુપ્તા મોહનના સંચાલન હેઠળ આગળની કામગીરી, સ્કૂલ મિલ્સની ગુણવત્તા અને ચાઈલ્ડ હંગરને નાબૂદ કરવા માટે યુકેએ શું કરવું જોઈએ તે જાણવા પેનલ ડિસ્કશન યોજાયું હતું. સાંસદ શેરોન હોજસને જણાવ્યું હતું, ‘યુકેમાં અથવા તો વિશ્વમાં કોઈ વ્યક્તિ ભૂખી ન રહે તે કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય તેના માટે ઘણાં નિષ્ણાતો ચર્ચામાં એકસાથે જોડાયા તે મોટી વાત છે. મને આશા છે કે આપણે સાથે કામગીરી ચાલુ રાખી શકીશું અને સરકારને સાથે રાખીને તે લક્ષ્ય સુધી પહોંચી શકીશું.’

સંસ્કૃતિ સેન્ટરના સ્થાપક રાગસુધા વિંજમુરીએ મહાભારતની અક્ષય પાત્રની કથા નૃત્યના માધ્યમથી રજૂ કરી હતી.


comments powered by Disqus