લંડનઃ PIO કાર્ડધારકોની ગ્રેટીસ (વિના મૂલ્યે) પર OCIમાં રૂપાંતરણની પ્રક્રિયા ગઈ ૩૧ ડિસેમ્બર, ૨૦૧૭ની છેલ્લી તારીખથી બંધ થઈ ગઈ છે. જે માન્ય PIO કાર્ડ ધારકોએ તેમના PIO કાર્ડનું OCI કાર્ડમાં રૂપાંતરણ કરાવ્યું નથી તેમને ભારતીય હાઈ કમિશન દ્વારા નવા OCI કાર્ડ ઈસ્યૂ કરવા માટે જે ફી (૧૯૪ પાઉન્ડ તથા VFS દ્વારા લેવાતો સર્વિસ ચાર્જ અને વેલ્યૂ એડેડે સર્વિસીસ ચાર્જ) લાગૂ પડે છે તે ચૂકવીને તેમના PIO કાર્ડને OCI કાર્ડમાં રૂપાંતર કરાવવાની સૂચના અપાઈ છે.
PIO કાર્ડ સ્કીમ બંધ કરી દેવાઈ છે. ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશને સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઓક્ટોબર,૨૦૧૮થી અમલી બને તે રીતે માત્ર મશીન રિડેબલ ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ જ સ્વીકારવામાં આવશે. PIO કાર્ડ્સ હસ્તલિખિત ડોક્યુમેન્ટ્સ હોવાથી તે ઓક્ટોબર, ૨૦૧૮થી અમાન્ય ટ્રાવેલ ડોક્યુમેન્ટસ બની જશે. આથી જે લોકો હસ્તલિખિત PIO કાર્ડ્સના આધારે સપ્ટેમ્બર, ૨૦૧૮ પછી ભારતના પ્રવાસે જશે તેમને ઈન્ડિયન ઈમિગ્રેશન કાઉન્ટર પર પ્રવેશનો ઈન્કાર કરાશે એટલે કે ભારતમાં પ્રવેશ અપાશે નહીં અને તેમને પાછા મોકલી દેવાશે. આથી PIO કાર્ડ ધારકોએ તેમના હાલના હસ્તલિખિત PIO કાર્ડની બદલીમાં મશીન રિડેબલ OCI કાર્ડસ મેળવી લેવા જરૂરી છે.
https://passport.gov.in/oci પર ઓનલાઈન OCI રજિસ્ટ્રેશન થઈ શકશે.

