ક્વીન એલિઝાબેથ દ્વિતીય પછી કોમનવેલ્થના વડાનું પદ કોણ સંભાળશે ?

Tuesday 20th February 2018 03:49 EST
 
 

લંડનઃ ૨૦૧૫માં માલ્ટામાં યોજાયેલી કોમનવેલ્થની બેઠક પછી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન માલ્કમ ટર્નબુલને પ્રશ્ર પૂછવામાં આવ્યો હતો કે તેમના મતે કોમનવેલ્થના વડા તરીકે ક્વીન એલિઝાબેથ દ્વિતીયના અનુગામી કોણ બનશે. ટર્નબુલે ખાનગીમાં સ્વીકાર્યું હતું કે પ્રિન્સ ઓફ વેલ્સ જ બનવા જોઈએ. તેમના સિવાય બીજું કોણ છે ? આમ તો ક્વીન પછી પ્રિન્સ કોમનવેલ્થના વડા તરીકેની સ્પર્ધામાં છે. જોકે, તેમને જ આ હોદ્દો મળશે તેની કોઈ સ્પષ્ટ ખાતરી નથી.

કોમનવેલ્થ સમક્ષની કેટલીક મોટી સમસ્યાઓની ચર્ચા માટે તાજેતરમાં જ સિનિયર ગ્રૂપની બેઠક મળી હતી. ભૂતપૂર્વ એનર્જી સેક્રેટરી ગિલ્ડફર્ડના લોર્ડ હોવેલ સહિતના અગ્રણીઓએ દિવસભર સંચાલનને લગતા મુદ્દા પર ચર્ચા કરી હતી. જોકે, મોટો પ્રશ્ર તો ક્વીનના અનુગામી કોણ બનશે તે હતો. ગ્રૂપ આ બેઠકનો અહેવાલ એપ્રિલમાં લંડન ખાતે મળનારી કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગ (CHOGM)ની બેઠકમાં રજૂ કરે તેવી શક્યતા છે. એપ્રિલમાં ૯૨ વર્ષના થનારા ક્વીન એલિઝાબેથ દ્વિતીયની આ છેલ્લી બેઠક હશે. ૧૯૫૨માં ક્વીને આ પદ સંભાળ્યું ત્યારથી કોણ આ પદ સંભાળશે તેનો નિર્ણય લેવા માટે કોઈ નિયમો નથી. ત્યારથી ક્વીન કોમનવેલ્થના પર્યાય બની ગયા છે. કોમનવેલ્થના ૫૩ સભ્ય દેશમાંથી ૧૫ના ક્વીન વડા છે.

કોમનવેલ્થ રચાયેલું ઉચ્ચ સ્તરીય ગ્રૂપ ક્વીનના નિધન પછી આ હોદ્દો સંભાળવા માટે કોણ શ્રેષ્ઠ લાયક છે તેની ચકાસણી કરશે. હાલના તબક્કે આ પદ માટે પ્રિન્સ ચાર્લ્સ મજબૂત દાવેદાર છે પરંતુ, ક્વીન સાથેના તેમના સંબંધોને જોતા તેની કોઈ ખાતરી નથી. એપ્રિલમાં મળનારી શિખર બેઠકની સમાંતરે કોમનવેલ્થના વડાઓ અધિકારીઓની ગેરહાજરીમાં મળશે ત્યારે આ મુદ્દે ચર્ચા કરે તેવી શક્યતા છે.

આ હોદ્દો વારસાગત નથી અને સ્વયંભૂ પ્રિન્સ ચાર્લ્સની પસંદગીને કેટલાક લોકો અસ્વીકાર્ય ગણે છે. અત્યાક સુધી પ્રિન્સે કોમનવેલ્થમાં ખૂબ ઓછો રસ દાખવ્યો છે તેમ મનાય છે. ૨૦૧૩માં શ્રીલંકામાં મળેલી શિખર બેઠકમાં તેઓ ક્વીનની પડખે રહ્યા હતા તે તેમની શ્રેષ્ઠ કામગીરી મનાય છે. કોમનવેલ્થના આંતરિક સૂત્ર મુજબ અન્ય કોઈ સ્પષ્ટ વિકલ્પ નહીં મળે તો આ પદ પ્રિન્સને જ મળશે.


comments powered by Disqus