ટોઈલેટમાં કેમેરો મૂકનાર ભારતીય શિક્ષક રાહુલ ઓડેદરાને ચાર વર્ષની જેલ

Saturday 17th February 2018 05:57 EST
 
 

લંડનઃ સાઉથવેસ્ટ લંડનની એક સ્કૂલમાં સાયન્સ ભણાવતા ભારતીય મૂળના ૪૬ વર્ષીય શિક્ષક રાહુલ ઓડેદરાને ત્રણ સ્કૂલના ટોઈલેટ્સમાં કેમેરા મૂકીને મહિલાઓ અને છોકરીઓની ફિલ્મ બનાવવાનું દુષ્કૃત્ય આચરવા બદલ દોષિત ઠેરવીને ગ્લોસ્ટર ક્રાઉન કોર્ટના જજ ઈયાન લોરી QC એ તેને ચાર વર્ષથી વધુ સમયની જેલની સજા ફટકારી હતી.

રાહુલ ઓડેદરાએ વર્ષ ૨૦૦૯થી ૨૦૧૭ દરમિયાન ૨૩ જેટલા ગુના કર્યા હતા. જેમાં ત્રણ અશ્લીલ તસવીરો રાખવાના અને ૨૦ અન્ય લોકોને સહશયન કરતા જોઇને જાતીય આવેગ અનુભવવાના હતા. પોલીસે રાહુલ પાસેથી ટોઈલેટ્સમાં ગયેલી મહિલાઓ અને છોકરીઓના બનાવવામાં આવેલા ૨૦૦ વીડિયો કબજે કર્યા હતા. 

વકીલ અંજલી ગોહેલે કોર્ટને જણાવ્યુ હતું કે રાહુલ ઓડેદરા 'લંચના સમય દરમિયાન સ્કૂલના ટોયલેટમાં જઇને લેડીઝ ટોઈલેટ્સના ખૂણા અને ટોઈલેટ રોલના હોલ્ડર્સમાં નાનકડા કેમેરા ગોઠવી ટોઈલેટમાં જતી મહિલાઓ અને છોકરીઓની ફિલ્મ બનાવતો હતો. તે એક વિદ્યાર્થિનીના સ્કર્ટનો વીડિયો ઉતારવાનો પ્રયાસ કરતો હોવાનું જણાતા ઓડેદરાના ગુના પ્રકાશમાં આવ્યા હતા. ગોહિલે ઉમેર્યુ હતું કે મોટાભાગના વીડિયો મહિલાઓના જ્યારે થોડાક વીડિયો છોકરીઓના હતા. તેમણે ઉમેર્યું હતું કે કોઇ વ્યક્તિ ટોયલેટ એટલા માટે નથી જતી કે ત્રીજી વ્યક્તિ એને જુએ અને એની ફિલ્મ ઉતારે. જજ લોરિસે પણ સ્વીકાર્યું હતું કે ઓડેદરાનું કૃત્ય વિશ્વાસભંગ અને નિયમનો ભંગ હતો. જજ લોરિસે ઓડેદરાને કહ્યું હતું, ‘તમે લાંબા સમયથી અન્યોને અશ્લીલ સ્થિતિમાં જોતા હતા તેનું આ પરિણામ છે. તમે હવે જેલમાં જશો. તમારે લોકોની આબરૂ અને મોભાને માન આપવું જોઈએ.’


comments powered by Disqus