નવી દિલ્હીઃ ભારતમાં પબ્લિક સેક્ટરની બીજા નંબરની સૌથી મોટી બેન્ક પંજાબ નેશનલ બેન્કના મહાકૌભાંડે દેશના બેન્કીંગ સેક્ટરને હચમચાવી નાંખ્યું છે. પાલનપુરના વતની અને હીરાજડીત જ્વેલરીમાં ‘નીરવ મોદી’ બ્રાન્ડથી મોખરાનું સ્થાન ધરાવતા નીરવ મોદીએ બેન્ક અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સાંઠગાંઠ કરીને ૧.૭૭ બિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ ૧૧,૩૩૦ કરોડ રૂપિયાની આ ગેરરીતિ આચર્યાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. જોકે આ કેસની તપાસમાં સંકળાયેલા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનું માનવું છે કે આમાં અન્ય બેન્કોએ અપાયેલી લોન અને ગેરન્ટી ઉમેરતાં કૌભાંડનો કુલ આંકડો ૧૭,૬૦૦ કરોડ રૂપિયાથી પણ વધી જશે.
પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) મેનેજમેન્ટે જાન્યુઆરીના અંતમાં રૂ. ૨૮૦ કરોડની ગેરરીતિ સંદર્ભે નીરવ મોદી અને તેની માલિકીની ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ પ્રા. લિ. સહિતની જુદી જુદી કંપનીઓ સામે સીબીઆઇમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ દરમિયાન નીરવ મોદી તેમજ તેના મામા અને ગીતાંજલિ જેમ્સના માલિક મેહુલ ચોકસીને સંડોવતું આ મસમોટું કૌભાંડ ખૂલ્યું હતું.
નીરવ મોદી ખુદના નામની જ બ્રાન્ડ થકી ડાયમંડ જ્વેલરી ઉદ્યોગમાં દબદબો ધરાવે છે તો મેહુલ ચોકસીની માલિકીની કંપની ગીતાંજલિ જેમ્સ, જીલી ઇંડિયા અને નક્ષત્ર બ્રાન્ડથી ડાયમંડ જ્વેલરી ઉદ્યોગમાં જાણીતી છે. પંજાબ નેશનલ બેન્કના મેનેજમેન્ટથી માંડીને મોદી સરકારના કાનૂન પ્રધાન રવિશંકર પ્રસાદે દાવો તો કર્યો છે કે દોષિતો ગમેતેવા વગદાર હશે તેમની સામે પગલાં લેવાશે અને ઓળવી જવાયેલા નાણાં પર પરત મેળવાશે, પરંતુ અત્યારે તો આ કૌભાંડે દેશમાં ખળભળાટ મચાવી દીધો છે.
ઇન્ટરપોલની મદદ
આ કૌભાંડ જેમના ઇશારે આચરાયું હોવાનું મનાય છે તે નીરવ મોદી અને મેહુલ ચોકસી બન્ને પરિવારજનો સાથે દેશ છોડી ગયા હોવાનું મનાય છે. સીબીઆઇએ કૌભાંડના ચાર મુખ્ય આરોપીઓ નીરવ મોદી, તેની પત્ની અમી, ભાઈ નિશાલ મોદી અને તેમના મામા મેહુલ ચોક્સીને ઝડપી લેવા માટે ઇન્ટરપોલની મદદ માગી છે. આ પછી ચારે આરોપીઓ સામે ઇન્ટરપોલ દ્વારા ડિફ્યૂઝન નોટિસ બહાર પાડવામાં આવી છે. ડિફ્યૂઝન નોટિસનો ઉપયોગ ઇન્ટરપોલના સભ્ય દેશોમાં વ્યક્તિઓને શોધવા માટે થાય છે. ઉલ્લેખનીય છે કે નીરવની પત્ની અમી અમેરિકાનું નાગરિકત્વ ધરાવે છે જ્યારે નાનો ભાઇ નિશાલ બેલ્જીયમનો પાસપોર્ટ ધરાવે છે.
મોદી દંપતી ન્યૂ યોર્કની હોટેલમાં?
પંજાબ નેશનલ બેંક સાથે કરોડોની છેતરપિંડી કરીને ભારત છોડી ગયેલા સેલિબ્રિટી ડાયમન્ડ મરચન્ટ અને જ્વેલર નીરવ મોદી ન્યૂ યોર્કના મેનહટન સ્થિત એક એપાર્ટમેન્ટમાં દેખાયા હોવાના અહેવાલ છે. સીબીઆઈ અને નીરવ મોદીના કેટલાક અંગત સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ નીરવ મોદી ન્યૂ યોર્ક સિટીના મેનહટનમાં આવેલી જે.ડબલ્યુ. મેરિયોટ એસેક્સ હાઉસ હોટેલના લક્ઝુરિયસ સ્યૂટમાં રહે છે. આ હોટેલ મેડિસન એવન્યૂમાં આવેલા તેમના લ્યૂક્સ જ્વેલરી રિટેઇલ સ્ટોર નજીક આવેલી છે. એક ન્યૂઝ ચેનલે નીરવ મોદીનો સંપર્ક કરવા ન્યૂ યોર્ક સ્થિત આ હોટેલની મુલાકાત લીધી હોવાના અહેવાલો પણ પ્રકાશિત કર્યા હતા. ચેનલે દાવો કર્યો હતો કે, નીરવ મોદી એસેક્સ હાઉસના ૩૬મા માળે રહેતા હોવાની અમારી પાસે માહિતી હતી. અમે હોટેલ સ્ટાફનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે, નીરવ મોદી અને અમી મોદી અત્યારે હોટેલ રૂમમાં હાજર નથી. આ ઉપરાંત તેમના એપાર્ટમેન્ટનો સંપર્ક કરતા માલુમ પડયું હતું કે, ઘરમાં ફક્ત તેમના સંતાનો હાજર છે.
પાસપોર્ટ સસ્પેન્ડ
ભારત સરકારે નીરવ મોદી અને ગીતાંજલિ ગ્રૂપના માલિક મેહુલ ચોક્સીનાં પાસપોર્ટ એક મહિના માટે સસ્પેન્ડ કરી નાખ્યા છે. તો પંજાબ નેશનલ બેન્કે તેના ૧૮ કર્મચારીઓને સસ્પેન્ડ કરી નાંખ્યા છે. પીએનબીએ નોંધાવેલી ફરિયાદના આધારે સીબીઆઇએ ગીતાંજલિ ગ્રૂપ સામે નોંધેલી નવી એફઆઇઆરમાં જણાવ્યું છે કે કંપનીએ પીએનબી સાથે ૪,૮૮૬.૭૨ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ એફઆઇઆરમાં ગીતાંજલિ જેમ્સ, જીલી ઇન્ડિયા અને નક્ષત્ર બ્રાન્ડ લિમિટેડના નામ પણ આરોપી તરીકે સામેલ કર્યા છે. સીબીઆઇએ આરોપ મૂક્યો છે કે પીએનબીના અધિકારીઓ ગોકુલનાથ શેટ્ટી અને મનોજ કરાતે નીરવ મોદી, મેહુલ ચોક્સી અને અન્યો સાથે મળી બેન્કને છેતરવાનું કાવતરું ઘડયું હતું.
કઇ રીતે કૌભાંડ આચર્યું?
પંજાબ નેશનલ બેન્કે ૨૯ જાન્યુઆરીએ સીબીઆઇ સમક્ષ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. અબજોપતિ ડાયમંડ કિંગ નીરવ મોદીએ ૨૦૧૭માં પીએનબી બેન્કમાંથી તેમની ત્રણ કંપનીઓ માટે બેન્કના બે અધિકારીને સાધી બેન્ક સિસ્ટમમાં એન્ટ્રી કર્યા વિના ૨૮૦ કરોડ રૂપિયાની બાયર્સ ક્રેડિટ પાંચ લેટર્સ ઓફ અંડરસ્ટેન્ડિગ (એલઓયુ) દ્વારા ઊભી કરવાની - ભારતીય બેન્કોની ઓવરસીઝ શાખાઓમાં - ‘સ્વિફ્ટ’ સૂચનાઓ ટ્રાન્સમિટ કરી હતી. બેન્કની ફરિયાદ અનુસાર આ પાંચ એલઓયુ અલ્હાબાદ બેન્કની હોંગકોંગ શાખાની અને ત્રણ એલઓયુ એક્સિસ બેન્કની હોંગકોંગ શાખાની તરફેણમાં ઇશ્યૂ કરાયા હતા. આ ત્રણે કંપનીઓમાં નીરવ મોદી, તેની પત્ની, ભાઇ અને મામા ભાગીદારો છે. આમ બે અધિકારીઓએ છેતરપિંડી આચરીને આઠ લેટર્સ ઓફ અંડરટેકિંગ ઇશ્યૂ કર્યા હતા અને મોદીની કંપનીઓ માટે બેન્ક સિસ્ટમમાં એન્ટ્રી કર્યા વિના ૨૮૦ કરોડ રૂપિયાની બાયર્સ ક્રેડિટ ઊભી કરવાની ભારતીય બેન્કોની ઓવરસીઝ શાખાઓમાં સ્વીફ્ટ સૂચનાઓ ટ્રાન્સમિટ કરી હતી.
દરોડા, જપ્તી, ધરપકડનો દોર
સીબીઆઇ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની તપાસ ટીમોએ નીરવ મોદી અને મેહુલ ચોકસીની માલિકીની કંપનીની સુરત, મુંબઇ, દિલ્હી સ્થિત ઓફિસો અને રહેણાંકો પર શ્રેણીબદ્ધ દરોડા પાડીને સંપત્તિ ટાંચમાં લેવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં હીરા-ઝવેરાત સહિત ટાંચમાં લેવાયેલી સંપત્તિનો આંકડો ૫૬૭૪ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે.
સીબીઆઇએ આ કેસમાં પીએનબીના હાલ નિવૃત્ત એવા તત્કાલીન ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટી, સિંગલ વિન્ડો ઓપરેટર મનોજ કરાત અને નીરવ મોદીની કંપનીના ઉચ્ચ અધિકારી હેમંત ભટ્ટની ધરપકડ કરી છે. શેટ્ટી અને કરાતે છેતરપિંડી કરીને નીરવ મોદીની કંપનીઓને લેટર ઓફ અંડરસ્ટેન્ડીંગ (એલઓયુ) જારી કર્યા હતા અને પછી મોદીની ત્રણ મુખ્ય કંપનીઓ માટે બાયર્સ ક્રેડિટ વધારવાના ઉદ્દેશથી આ લેટર બેન્કીંગ સિસ્ટમમાં એન્ટ્રી કર્યા વગર જ ભારતીય બેન્કોની વિદેશી શાખાઓને મોકલી આપ્યા હતા.
તોતિંગ કૌભાંડની આશંકા
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પોતાની તપાસ દરમિયાન જણાવ્યું હતું કે નીરવ મોદી અને મેહુલ ચોકસીની માલિકીની કંપનીઓને ૩૨ જેટલી ભારતીય બેન્કોએ ૧૩,૦૬૬ કરોડ રૂપિયા આપ્યા હતા. આઇટી વિભાગના જણાવ્યા પ્રમાણે, સ્ટેલર ડાયમંડ, સોલાર એક્સપોર્ટ, ડાયમંડ આર યુએસ અને ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની નીરવ મોદીની વિવિધ કંપનીઓએ રૂ. ૭૮૧૭.૯૦ કરોડ બેન્કો પાસેથી લોનપેટે લીધા હતા.
બીજી તરફ, મેહુલ ચોકસીની ગીતાંજલિ જેમ્સ અને તેની પેટા કંપનીઓએ ૭૫૦૦ કરોડ રૂપિયાનું ધિરાણ લીધું હોવાનું સામે આવ્યું છે કે. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે પીએનબી દ્વારા બેન્કોને અપાયેલી રકમ અને ગેરન્ટીના ભાગરૂપે અન્ય બેન્કોને અંદાજે ૩ બિલિયન ડોલર એટલે કે ૧૭,૬૦૦ કરોડ રૂપિયાનો ફટકો પડી શકે તેમ છે.
પીએનબી કૌભાંડની ઝાળ અન્ય બેન્કને
કૌભાંડની ઝાળ અન્ય બેન્કોને પણ દઝાડી શકે છે. જાહેર ક્ષેત્રની બે બેન્કો યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા અને અલ્હાબાદ બેન્ક ઉપરાંત ખાનગી ક્ષેત્રની એક્સિસ બેન્ક પીએનબી દ્વારા ઇશ્યૂ થયેલા લેટર ઓફ અંડરટેકિંગના આધારે ધિરાણ આપી ચૂકી છે. સ્થાનિક નિયામકોએ દાખલ કરેલી ફરિયાદને પગલે બેન્કની વિદેશી શાખાઓમાં તપાસ હાથ ધરાઇ છે. હોંગ કોંગ, દુબઈ અને ન્યૂ યોર્ક જેવાં મહાનગરોમાં દુકાનો ધરાવતી ઝવેરાત કંપની વર્ષ ૨૦૧૦થી લેટર ઓફ અંડરટેકિંગ આધારિત ધિરાણની સુવિધા ધરાવતી હતી.
બેન્કો પાસે સ્ટેટસ રિપોર્ટ મંગાયો
નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મામલો નિયંત્રણમાં છે અને તેમાં યોગ્ય કાર્યવાહી ચાલી રહી છે. નાણાં સેવા વિભાગના જોઇન્ટ સેક્રેટરી લોકરંજને જણાવ્યું હતું કે નાણાં મંત્રાલયે તમામ બેન્કો પાસેથી આ મામલા સાથે અથવા તો તાજેતરમાં બહાર આવેલા આ પ્રકારના મામલા પર રિપોર્ટ માગ્યો છે. પીએનબી મેનેજમેન્ટે ૨૯મી જાન્યુઆરીના રોજ આર્થિક કૌભાંડ અંગે સીબીઆઈમાં ફરિયાદ કરી હતી. સીબીઆઇએ પ્રાથમિક તપાસના આધારે નીરવ મોદી, તેની પત્ની અમી મોદી, ભાઈ નિશાલ મોદી અને મામા મેહુલ ચોક્સી સામે બેન્ક સાથે છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો.
માર્કેટ કેપના ૩૩ ટકા જેટલું કૌભાંડ
પંજાબ નેશનલ બેંક (પીએનબી)ની મુંબઈ શાખાના ૧.૭૭ બિલિયન ડોલર એટલે કે રૂ. ૧૧,૩૬૦ કરોડના ગેરકાયદે વ્યવહારો, છેતરપિંડીના પગલે કંપનીના માર્કેટ કેપમાં કડાકો બોલી ગયો છે. કૌભાંડના સમાચાર બહાર આવતાં જ શેરના ભાવમાં કડાકો બોલી ગયો છે અને બેંકના માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂ. ૩૮૩૩ કરોડનો તોતિંગ ઘટાડો નોંધાયો છે. પીએનબીનું આ રૂ. ૧૧,૩૬૦ કરોડનું કૌભાંડ બેંકના નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ના રૂ. ૧૩૨૫ કરોડના ચોખ્ખા નફાના ૮.૫ ગણું અને બેંકના માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. ૩૬,૦૦૦ કરોડના ૩૩ ટકા જેટલું રહ્યું છે. આ કૌભાંડના છાંટા અન્ય બેંકો પર પણ ઊડવાના એંધાણ છે.

