આજથી વીસેક વર્ષ પહેલાં અમદાવાદના ભુદરપુરા વિસ્તારમાં ઝુંપડપટ્ટીને નાકે પોતાની વેલ્ડીંગની દુકાનને ઓટલે ઊભા રહેલા કમલભાઈએ એક છોકરાને પૂછ્યું, ‘ચ્યાં જઈ આયો?’ ને પેલા છોકરાએ રાજી રાજી થતાં કહ્યું, ‘શાળાએ જ્યો તો, પરીક્ષા આલીને આયો.’ કમલભાઈએ પેલા છોકરાના હાથમાં રહેલું પ્રશ્નપત્ર પકડ્યું... ને એમાંથી એક સવાલ પેલા છોકરાને પૂછ્યો... છોકરો મૂંઝાયો કારણ કે જવાબ આવડતો નહોતો. કમલભાઈએ કહ્યું, ‘અરે છોકરા, મારે ભણવું હતું પણ ભણી ના શક્યો ને તું ભણ્યો - પાછો પરીક્ષા આપી આવ્યો ને તને આ જવાબ ના આવડે?’
બસ એ દિવસને એ ઘડી કમલભાઈએ નક્કી કરી લીધું કે આ વિસ્તારની સરકારી શાળાના બધા વિદ્યાર્થીઓને હું ભણાવીશ. એમને માટે જરૂરી એવું પ્રાથમિક શિક્ષણ આપીશ, ને આ છોકરાઓને અપ ટુ ડેટ બનાવીશ.
પ્રશ્ન એ આવ્યો કે શિક્ષણ ક્યાં આપવું? જગ્યા-મકાન-સુવિધા કેટકેટલું જોઈએ. એક સંકલ્પ પૂરો કરવા માટે!!! પરંતુ હારે એનું નામ કમલભાઈ પરમાર નહીં, એમણે જાહેર રસ્તાની ફૂટપાથ પર બે-પાંચ છોકરાઓને ભણાવવાનું કામ શરૂ કરી દીધું. આ વિસ્તારમાં રહેતા શ્રમજીવીઓ માંડ માંડ બે ટંકના રોટલા જેટલું રળતા હોય ત્યાં એમના બાળકોને ભણાવવાની જવાબદારી અને એમાં ધ્યાન આપવા માટેનો સમય બંને ક્યાંથી લાવે? કમલભાઈએ કૂમળા મનના તમામ બાળકોમાં શિક્ષણ અને સંસ્કારનું સિંચન શરૂ કર્યું. પોતે જ ભણ્યા ન હતા એટલે ભણાવવાનું કામ સરળતાથી પાર પાડવા બાજુમાં આવેલી સી. એન. વિદ્યાલયમાંથી બી.એડ.ના વિદ્યાર્થીઓને બોલાવ્યા. એમના ગાંઠના પૈસા પણ ચૂકવ્યા. સમય જતાં લોકોને ખબર પડતી ગઈ, બાળકોની સંખ્યા વધવા માંડી, શિક્ષકો પણ જોડાતા થયા. ફૂટપાથ પરનું આ જ્ઞાનમંદિરનું કાર્ય એટલું મહેંક્યું કે એની સુવાસ શિક્ષણ બોર્ડ સુધી પહોંચી. પરિણામ શહેરની જાણીતી શાળાઓના આચાર્યો અહીં ચાલતા શિક્ષણ કાર્યની મુલાકાત લઈ ગયા. આ કાર્યને બિરદાવતા ગયા.
કમલભાઈને થયું કે વિદ્યાર્થીઓ સાંજે જે સમયે ભણે છે તે સમય તો વાળુ-પાણીનો છે, એટલે તેઓએ બાળકોને શિક્ષણની સાથે સાથે સાંજના સમયનું ભોજન પણ આપ્યું. આ કાર્યમાં શહેરના અનેક લોકો જોડાયા અને સંવેદનાથી શરૂ થયેલા કાર્યની સુવાસ વધુ લોકો સુધી પહોંચી.
અહીં કોઈ સિલેબસ મુજબ નથી ભણાવવામાં આવતું, સરકારી શાળાના બાળકોને જે કાંઈ આવડતું નથી-અઘરું લાગે છે તેનું શિક્ષણ અપાય છે. ભાર વિનાના ભણતરને પામેલા કેટલાયે વિદ્યાર્થી ડબલ ગ્રેજ્યુએટ, માસ્ટર ડિગ્રી, એન્જિનિયર ને એમ.બી.એ. સુધીનું ભણ્યા છે. પોતાનો અનુભવ છે એટલે હવે તેઓ પણ આ કાર્યમાં જે કાંઈ થઈ શકે તે પ્રકારે મદદ કરતા થયા છે.
અહીંના વિદ્યાર્થીઓ પૈકીના ભાનુબહેન કહે છે, ‘હું અહીં લેસન તો પામી જ, પરંતુ તે ઉપરાંત મને જીવન જીવવાની કળા પણ શીખવા મળી.’ બીજી એક સ્ટુડન્ટ માલતી કહે છે, ‘કમલકાકા પાસે ભણતરના સાચા મૂલ્યો છે.’ ભાવિની ચાવડા નામની વિદ્યાર્થિનીને ધોરણ-૧૦માં ૮૨ ટકા, ધોરણ-૧૨માં ૮૪ ટકા અને બી.કોમ.માં ૭૨ ટકા માર્ક્સ આવ્યા તેનું શ્રેય તે જાહેર માર્ગની ફૂટપાથ પર ચાલતા કમલકાકાના જ્ઞાનમંદિરને આપે છે.
પોતે ભણી ના શક્યા એનાથી નિરાશ થવાના બદલે ગરીબ બાળકો અભ્યાસથી વંચિત ન રહે તે માટે એક વિચારને અમલમાં મૂકીને બાળકોને શિક્ષણ અને ભોજન. એમ બંને આપવાની કામગીરીમાં નિમિત્ત બનનાર કમલભાઈ પરમાર ખરેખર ધન્યવાદના અધિકારી છે.
•••
જાગૃત જનટ્રસ્ટ દ્વારા કમલભાઈ પરમારનું એવોર્ડ આપીને સન્માન કરાયું ત્યારે તેમના વિશેની જાણકારી એડવોકેટ અશોક દામાણી થકી મળી ને તેમના કાર્યને સલામ થઈ ગઈ.
આજના સમયની સૌથી મોટી માંગ અને જવાબદારી જો કોઈ હોય તો તે શિક્ષણ અને તે માટેની પાયાની-પ્રાથમિક સુવિધાઓ છે. સાચું મૂલ્ય આધારિત શિક્ષણ અપાવવાના બદલે શિક્ષણ એક વ્યાપારનું ક્ષેત્ર બની ચુક્યું છે ત્યારે ગરીબ ઘરના બાળકો માટે શ્રેષ્ઠ શિક્ષણ આપવાનું કાર્ય આવા લોકો દ્વારા થાય તે અભિનંદનને પાત્ર છે. આમ કોઈ એકાદ જણ ગાંઠનું ગોપીચંદન ઘસીને આરંભ કરે અને શિક્ષણના આ સેવાયજ્ઞમાં સમાજના જુદા જુદા વર્ગના લોકો પણ જોડાય ત્યારે એ યજ્ઞમાંથી પ્રગટતી જ્ઞાનની જ્યોતિના અજવાળાં કેટલાય વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં ફેલાય છે.
