લંડનઃ સ્તનપાનનો વિશ્વમાં સૌથી ઓછો દર ધરાવતા બ્રિટનમાં સ્તનપાન પ્રવૃત્તિને સમર્થન આપવા સરકાર પૂરતું ભંડોળ આપતી ન હોવાનું દેશના ૬૮ ટકા પેરન્ટ્સે એક અભ્યાસમાં જણાવ્યું હતું. નવા પેરન્ટ્સ બનેલા ૯૩ ટકાનું માનવું છે કે માતા જાહેરમાં કોઈપણ સ્થળે સંતાનને સ્તનપાન કરાવી શકે તે માટે તેમને પ્રોત્સાહિત કરવી જોઈએ. ૮૫ ટકા લોકોનું માનવું છે કે આ બાબતે હજુ શરમ અનુભવાય છે. નવા પેરન્ટસ અથવા પેરન્ટ્સ બનનારા ૧,૩૪૪ લોકોમાંથી ૩૬ ટકાએ જણાવ્યું હતું કે NHSની બ્રેસ્ટફિડીંગ કાઉન્સેલિંગ સેવાઓ પૂરતી ઉપલબ્ધ નથી.
લંડનના Ex Cel ખાતે બેબી શો દ્વારા કરાયેલા સર્વે મુજબ યુકેના નવા પેરન્ટ્સમાંથી ૮૯ ટકા તેમના ભાવિ સંતાનોને સ્તનપાન કરાવવા માગે છે. ઘણી નવી મમ્મીઓ માટે સ્તનપાન કરાવવું મુશ્કેલ હોય છે. તેમાંથી માત્ર ૩૭ ટકાએ સ્તનપાન કરાવવું સરળ હોવાનું જણાવ્યું હતું.
અભ્યાસમાં જણાયું હતું કે જે સંભાળ લેવાય છે તેમાં સુધારાની નહીં પરંતુ, તે સુવિધા વધુ પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે જરૂરી છે. નવી બનેલી માતાઓમાંથી ૭૪ ટકાએ જણાવ્યું હતું કે મીડવાઈવ્સ તરફથી ખૂબ સરસ મદદ મળે છે. ૭૨ ટકાએ NHSના લેક્ટેશન અને બ્રેસ્ટફિડિંગ ક્લિનિકને શ્રેષ્ઠ ગણાવ્યા હતા. જ્યારે ૬૯ ટકાએ હેલ્થ વિઝિટરને સારા ગણાવ્યા હતા. ૫૭ ટકાએ જણાવ્યું હતું કે ખર્ચ ઘડાટવાના ભાગ રૂપે સરકાર દેશભરના બ્રેસ્ટફિડિંગ ક્લિનિક બંધ કરી રહી છે તે જાણીને ખૂબ ચિંતા થઈ છે. હકીકતમાં ૫૦ ટકાએ જણાવ્યું હતું કે સરકારે NHS બ્રેસ્ટફિડિંગ ક્લિનિક માટે વધુ ભંડોળ આપવું જોઈએ. જ્યારે ૪૯ ટકાએ હેલ્થ વિઝિટર્સને અને ૪૪ ટકાએ મીડવાઈવ્સને તાલીમ આપવા વધુ નાણાં ફાળવવા જણાવ્યું હતું.
બેબી શોના લેક્ટેશન કન્સલ્ટન્ટ અને બ્રેસ્ટ ફિડિંગ એક્સપર્ટ વાનેસા ક્રિસ્ટીએ જણાવ્યું હતું કે દેશમાં નવા પરિવારોને ઉચ્ચ કક્ષાની અને સહેલાઈથી ઉપલબ્ધ થાય તેવી સ્તનપાનની સુવિધા પૂરી પાડવા માટે જરૂરી સહાય છેલ્લાં થોડા મહિના અને વર્ષોમાં બંધ થઈ છે.
બેબી શોના વિંગ યાન લીએ જણાવ્યું હતું કે તેમણે જે મહિલાઓનો સર્વે કર્યો તેમાં મોટાભાગની મહિલાઓ માન્યતાથી ઉલટું તેમના સંતાનોને સ્તનપાન કરાવવા ઈચ્છતી હતી.
