લંડનઃ નોર્થવેસ્ટ લંડનના બ્રેન્ટની આલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલમાં આર્ટ ટીચર તરીકે ફરજ બજાવતા ૩૯ વર્ષીય એન્ડ્રીયા ઝફિરાકોઉએ એક મિલિયન ડોલરના ટીચીંગ પ્રાઈઝ માટે અંતિમ દસ સ્પર્ધકોમાં સ્થાન મેળવ્યું હતું. બ્રેન્ટ વિસ્તારમાં ૩૩ ટકા કરતા વધુ બાળકો ગરીબીમાં જીવે છે. આ વિસ્તાર હત્યાના દરમાં બ્રિટનમાં સૌથી વધુ બીજા સ્થાને છે. સ્કૂલમાં આવતા વિવિધ સમાજના અને ભાષાના વિદ્યાર્થીઓ સાથે વાતચીત સરળતાથી કરી શકાય તે માટે તેઓ ૩૫ અલગ ભાષામાં હેલ્લો કહેતા શીખ્યા હતા.
આ બરોમાં વિવિધ પ્રકારની ૧૪૯ ભાષા બોલાતી હોવાનું ૨૦૧૧માં કરાયેલી સ્કૂલોની ગણતરીમાં જણાયું હતું. એન્ડ્રીયાની વાર્કી ફાઉન્ડેશન ગ્લોબલ ટીચર પ્રાઈઝ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ પ્રાઈઝ માટે ૧૭૩ દેશના ૩૦,૦૦૦ શિક્ષકોએ અરજી કરી હતી. એન્ડ્રીયા અંતિમ દસમાં પહોંચનારા એકમાત્ર બ્રિટિશ ટીચર છે.
આલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલની ટીમના સભ્યે જણાવ્યું હતું કે એન્ડ્રીયાએ વિદ્યાર્થીઓના ઘરની મુલાકાત લીધી હતી. તેઓ તેમની સાથે સ્કૂલ બસમાં પણ જાય છે. બાળકો આવે ત્યારે સ્કૂલના ગેટ પર પોલીસ ઓફિસર્સની સાથે ઉભા રહીને તે બાળકોને તેમના ઘેર જે ભાષા બોલતા હોય તેમાં આવકારે છે. સ્કૂલને ઈન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન તરફથી પ્લેટિનમ ક્વોલિટી એવોર્ડ મળ્યો તેમાં પણ તેમનુ યોગદાન હતું.

