લંડનઃ આગામી મે માસમાં પ્રિન્સ હેરી અને મેગન મર્કેલના યોજાનારા લગ્ન માટેનું સ્થળ નક્કી થઈ ગયું છે. તેમના લગ્ન કરાવનાર આર્ચબિશપ પણ નક્કી છે. લગ્નને ત્રણ મહિના બાકી છે ત્યારે મર્કેલે તેની હેન નાઈટ (માત્ર મહિલાઓ માટેનો કાર્યક્રમ) નું પણ આયોજન કર્યું હોવાના અહેવાલ છે. આ યુગલે તાજેતરમાં સ્કોટલેન્ડની સત્તાવાર મુલાકાત લીધી હતી. તેઓ એડિનબરા કેસલની બહાર ફર્યા હતા અને એક શેટલેન્ડ પોનીને પણ મળ્યા હતા. આ પોની શાહી પરિવાર સાથે વિચિત્ર હરકતો કરવા માટે જાણીતું છે.
તેઓ કેસલની બહાર નીકળ્યા ત્યારે તેમની ઝલક નીહાળવા ઘણાં લોકો એકત્ર થયા હતા. ૨૭ વર્ષીય ફ્રાન્સીસ્કા શોર્ટની સાથે શહેરની મુલાકાતે આવેલા લંડનના ૩૦ વર્ષીય ટોમ માર્ટિને જણાવ્યું હતું કે સ્ટેગ અને હેન નાઈટ માટે કેવું આયોજન છે તેમ પૂછતાં મેગન મર્કેલે જણાવ્યું હતું કે ખૂબ મઝા આવે તેવું છે.
માર્ટિને ઉમેર્યું હતું કે મેગન તો તેમને કોઈ ઓળખતું ન હોય તેવી રીતે ‘હાય, હું મેગન છું’ એમ કહીને ઓળખ આપતી હતી. મેગને ખૂબ ઠંડીમાં પણ તેમની પ્રતિક્ષા કરવા માટે લોકોનો આભાર માન્યો હતો.
કેસલમાં પ્રવેશતા પહેલા તેમને રોયલ રેજિમેન્ટ ઓફ સ્કોટલેન્ડના મેસ્કોટ શેટલેન્ડ પોની ‘ક્રુચન ૪’ પાસે લઈ જવાયા હતા. છેલ્લે તે ક્વીન એલિઝાબેથ દ્વિતીયને મળ્યું હતું અને તેમના હાથમાં રહેલો પુષ્પગુચ્છ ખાવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ વખતે તેણે માત્ર પ્રિન્સ હેરીની આંગળીઓ કરડી ખાવાનો પ્રયાસ કર્યો હતો.

