પક્ષના એક કાર્યક્રમમાં શ્વેત પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાથી લેબર પાર્ટી ભેદભાવના નવા વિવાદમાં સપડાઈ હતી. લંડનમાં યોજાનારી યંગ લેબર્સ ઈક્વોલિટી કોન્ફરન્સમાં માત્ર મહિલા, વિકલાંગ, LGBT અથવા વંશીય લઘુમતીના લોકોને જ પ્રવેશની પરવાનગી હોવાનું જાણીને સાંસદો રોષે ભરાયા હતા. કાર્યક્રમમાં શ્વેત વિષમલિંગી (હિટરોસેક્સ્યુઅલ) લોકો પ્રવેશ માટે પાત્ર નથી. શ્વેત લોકો પાસેથી વધુ રકમ વસુલ કરવા બદલ અગાઉ લફબરોમાં યોજાયેલા આવો જ એક કાર્યક્રમ ટીકાને પાત્ર બન્યો હતો. જોકે, લેબર પાર્ટીના પ્રવક્તાએ આ કાર્યક્રમ ભેદભાવપૂર્ણ હોવાનો ઈનકાર કર્યો હતો અને ઉમેર્યું હતું કે તેમાં કશું નવું નથી.
• નોટવીડ છોડનો વિવાદ મહિલાને ભારે પડ્યો
કોર્નવોલના ફાલ્મથની ૭૪ વર્ષીય રોઝમેરી લાઈને તેના ગાર્ડનમાં વાવેલો જાપાનીઝ નોટવીડનો છોડ પડોશીના ગાર્ડન સુધી વિસ્તરતા તેમણે રોઝમેરી સામે કેસ કર્યો હતો. આ કેસમાં પડોશી એડમ અને એલીનોર સ્મિથ જીતી જતા રોઝમેરીને તેમને હજારો પાઉન્ડ કોસ્ટ તરીકે ચૂકવવાની નોબત આવી છે. ટ્રુરો કાઉન્ટી કોર્ટે રોઝમેરીને તે છોડ હટાવવાનો પણ આદેશ આપ્યો હતો. નોટવીડનો છોડ વાવવો ગેરકાયદેસર નથી પરંતુ, તેને વધુ વિસ્તરવા દેવો ગેરકાયદેસર છે તે મુદ્દે જજે ચુકાદો આપ્યો હતો. કાયદાકીય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે મકાનમાલિકોએ છોડને વિસ્તરતો અટકાવવો જોઈએ નહિંતર કેસનો સામનો કરવાની તૈયારી રાખવી જોઈએ. આ છોડનો વિકાશ એટલો બધ ઝડપી હોય છે કે તેને કાબુમાં ન રખાય તો ગણતરીના દિવસોમાં બે ચાર ઘર દુર સુધી જતો રહે છે. તેના મૂળીયા પણ મકાનને નુકશાન કરે છે.
• તરુણી સાથે દુષ્કર્મ બદલ ૧૧ વર્ષની જેલ
હલ ક્રાઉન કોર્ટના જજ માર્ક બરીએ તરુણી સાથે દુષ્કર્મ બદલ ૩૩ વર્ષીય સોમાલિયન એહમદ અબ્દુલને ૧૧ વર્ષની જેલ ફરમાવી હતી. તેણે તરુણીના ગળા પર લાકડાનો ધારદાર ટૂકડો મૂકીને કહ્યું હતું, ‘તું શ્વેત છે એટલે તારું કૌમાર્યભંગ ન થયું હોય તેવું બની શકે નહીં.’. અબ્દુલ તરુણીને ફોસલાવીને હલ ખાતેના તેના ઘરે લઈ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. ઘટના દરમિયાન તરુણીએ પોતાને જવા દેવા ખૂબ વિનંતી કરી હતી. પરંતુ, તે માન્યો ન હતો. અબ્દુલે બળાત્કાર ગુજાર્યાનો ઈનકાર કર્યો હતો. પરંતુ, જ્યૂરીએ તેને દોષિત જાહેર કર્યો હતો.
• ચેરિટીઝના ૧૨૦ કર્મચારીઓ પર જાતીય સતામણીનો આરોપ
બ્રિટનની અગ્રણી ચેરિટીઝના ૧૨૦થી વધુ કર્મચારીઓ પર માત્ર ગયા વર્ષે જ જાતીય સતામણીનો આરોપ મૂકાયો હતો. તેના લીધે પેડોફાઇલ્સ વિદેશી સહાય સંસ્થાઓને લક્ષ્ય બનાવતા હોવાનો ભય વધી ગયો હતો. નવા આંકડા બહાર આવતા આ સમસ્યાની ગંભીરતા અંગે પૂર્વ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે ‘હિંસક પેડોફાઇલ્સ’ને સહાય ક્ષેત્રનું શોષણ કરવાની છૂટ અપાઈ હોય તેવું લાગે છે. તેમના અનુગામી પેની મોરડન્ટે ઓક્સફામના કેટલાક કર્મચારીઓની ભયાનક વર્તણુંકને કારણે ઓક્સફામને ભંડોળ બંધ કરવાની ચેતવણી આપી હતી. તમામ ચેરિટીઝને સત્તાવાળાઓને સંપૂર્ણ સહકાર આપવા તાકીદ કરીને તેમણે ઉમેર્યું હતું કે જે સંસ્થા સહકાર નહીં આપે તેનું ફંડીંગ અટકાવી દેવાશે.
• વેસ્ટમિન્સ્ટર કાઉન્સિલ ‘ગિલ્ટ ટેક્સ’ ઉઘરાવશે
યુવાનો, એકલા રહેતા અથવા ઘરવિહોણા લોકોને મદદરૂપ થવા માટે બ્રિટનની સૌથી સમૃદ્ધ કાઉન્સિલો પૈકીની એક વેસ્ટમિન્સ્ટર સિટી કાઉન્સિલ ધનવાન મકાનમાલિકોને પત્ર પાઠવીને ગિલ્ટ ટેક્સ આપવા વિનંતી કરશે. કાઉન્સિલ દ્વારા જણાવાયું હતું કે ૧૫,૦૦૦ લોકોને પત્ર પાઠવીને કાઉન્સિલ ટેક્સ ઉપરાંત સ્વૈચ્છિક દાન આપવા અનુરોધ કરાશે.
• સાઉદી મહિલાઓએ અબયા રોબ પહેરવો જરૂરીનથી
ઉદારીકરણની ઝુંબેશના નવા પગલા તરીકે સાઉદી મહિલાઓએ જાહેરમાં પોતાનું શરીર ઢાંકવા માટે ખુલ્લા અબયા રોબ પહેરવાની જરૂર ન હોવાનું એક વરિષ્ઠ મૌલવીએ જણાવ્યું હતું. સમગ્ર વિશ્વમાં સાઉદી અરેબિયામાં મહિલાઓ માટે સૌથી કડક નિયમો છે. કાયદા મુજબ તેમણે આ વસ્ત્રો પહેરવા ફરજિયાત છે.
