વધુ પ્રમાણમાં પ્રોસેસ્ડ ફૂડ લેવાથી કેન્સરની શક્યતા ૨૫ ટકા વધતી હોવાનું તારણ

Monday 19th February 2018 10:58 EST
 
 

લંડનઃ કોર્નફ્લેક્સ, પીઝા અને ચોકલેટ બાર સહિત ફેક્ટરીમાં બનેલો ખોરાક દરરોજ ખાવાથી કેન્સર થવાની શક્યતા ૨૫ ટકા વધી જતી હોવાનું અભ્યાસમાં જણાયું હતું. તે ખોરાકમાં રહેલા સુગર અને ચરબીની નુક્સાનકારક અસર ઉપરાંત કેન્સર થવાનો ભય રહે છે. અભ્યાસમાં જણાયું હતું કે બ્રિટનમાં જે ફૂડ ખરીદવામાં આવે છે તેમાંથી ૫૦ ટકા ફેક્ટરીમાં બનેલો હોય છે.

આપણે ગુજરાતીઅો - ભારતીયો તાજું ભોજન બનાવવા માટે ટેવાયેલાં છીએ, પરંતુ જમાનાની સાથે હવે આપણે ત્યાં પણ ટીનપેક આહારનું ચલણ વધી રહ્યું છે. આ આહાર લાંબો સમય સુધી ટકી શકે એ માટે તેના ઉપર ખાસ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. આ ખોરાક કેમિકલથી પ્રોસેસ થતો હોવાથી લાંબા સમય સુધી બગડતો નથી, પરંતુ તેની પ્રક્રિયામાં જે રસાયણોનો ઉપયોગ કરાય છે તે માનવીનાં આરોગ્ય માટે જોખમી હોવાનું નવા અભ્યાસમાં જણાયું હતું.

પેરિસની સોર્બોન અને યુનિવર્સિટી ઓફ સાઓ પાઉલો દ્વારા આ તમામ આહાર અને તેમાંના કેમીકલ તથા માનવીના સ્વાસ્થ્ય વચ્ચેની કડી શોધવા માટે આ અભ્યાસ કરાયો હતો. સંશોધકોએ દાવો કર્યો હતો કે આ પ્રકારનો અભ્યાસ પહેલી વખત થયો હતો. આ અભ્યાસમાં પુખ્ત વયના ૧૦૪,૯૮૦ ફ્રેંચ લોકોને આવરી લેવાયા હતા. તેમણે ભોજનમાં લીધેલી ૩,૩૦૦ જેટલી વિવિધ ખાદ્ય વસ્તુઓની અને ૨૪ કલાકમાં તેમણે પ્રોસેસ્ડ ફૂડનો કેટલો ઉપયોગ કર્યો હતો તેની વિગતો નોંધવામાં આવી હતી. ૩૨ ટકા લોકોએ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનો ઉપયોગ કર્યો હતો. તેમાંથી ૨૩ ટકાને એટલે કે ૨,૨૨૮ લોકોને આઠ વર્ષમાં કોઈક પ્રકારનું કેન્સર વિકસ્યું હતું. જ્યારે પોતાના આહારમાં માત્ર ૮ ટકા જ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ લેનારા લોકોને કેન્સરનું જોખમ ઓછું જણાયું હતું.

અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનો ઉપયોગ કરતી મહિલાઓમાં ૩૮ ટકાને મેનોપોઝ બાદ બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ વધુ રહે છે. મેનોપોઝ પહેલાં પણ આ કેન્સર થવાનું જોખમ ૨૭ ટકા વધે છે. અન્નનળીનાં કેન્સરનું જોખમ ૨૩ ટકા વધે છે.


comments powered by Disqus