લંડનઃ ભારતની ૧૩ બેન્કોના રૂપિયા ૯,૦૦૦ કરોડનું ફુલેકું ફેરવી બ્રિટનમાં આશ્રય લઈ રહેલા વિજય માલ્યાને વૈભવી જીવનશૈલી જાળવી રાખવામાં કોઈ મુશ્કેલી પડી રહી નથી. ભારતમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહેલા વિજય માલ્યા વધુ વૈભવી જીવન જીવી શકે તે માટે બ્રિટનની હાઈકોર્ટના જસ્ટિસ રોબિન નોલ્સે ગઈ ૩૦ જાન્યુઆરીએ માલ્યાનું ગુજારાભથ્થું ૧૮,૩૨૫.૩૧ પાઉન્ડ કરી આપ્યું હતું.
માલ્યાને અગાઉ નિર્વાહ માટે ૫,૦૦૦ પાઉન્ડ મળતા હતા તે ત્રણ ગણાથી પણ વધીને હવે દર સપ્તાહે ૧૮,૩૨૫ પાઉન્ડ એટલે કે અંદાજે રૂપિયા ૧૬ લાખ થયા છે. ગયા વર્ષે સમગ્ર વિશ્વમાં આવેલી વિજય માલ્યાની ૧.૫ અબજ અમેરિકન ડોલરની સંપત્તિ જપ્ત કરવાના આદેશ બાદ અદાલતે સાપ્તાહિક ૫,૦૦૦ પાઉન્ડનું ભથ્થું નક્કી કર્યું હતું. માલ્યાના વકીલોએ તેમાં વધારો કરવા બ્રિટનની હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
ગયા વર્ષે કર્ણાટકની ડેટ રિકવરી ટ્રિબ્યૂનલે આપેલા ચુકાદાને પગલે બ્રિટનની અદાલતે વિજય માલ્યાને અંદાજિત ૫,૦૦૦ પાઉન્ડ પ્રતિ સપ્તાહનું ગુજારાભથ્થું બાંધી આપ્યું હતું.
ભારતને માલ્યાના પ્રત્યાર્પણના કેસમાં ૧૬મી માર્ચે બ્રિટનની અદાલત સુનાવણી હાથ ધરશે.
