હજારો કેદીઓને જેલમાંથી વહેલા મુક્ત કરાશે

Tuesday 20th February 2018 06:06 EST
 
 

લંડનઃ કેદીઓથી ભરચક અને ડ્રગ્સના અડ્ડા બનેલી જેલોનું ભારણ ઘટાડવા માટે સરકારના અભિયાનમાં વધુ હજારો કેદીઓને સજાની મુદત કરતા વહેલા છોડી મૂકાશે. અગાઉ હોમ ડિટેન્શન કરફ્યુ (HDC) યોજનાથી હિંસા, ચોરી, લૂંટ અને જાહેર વ્યવસ્થાના ભંગનો ગુનો આચરનારા હજારો લાયક ગુનેગારો વંચિત રહી ગયા હતા તેને ધ્યાને લઈને મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસે આ યોજનામાં વધુ કેદીઓનો છૂટકારો થાય તેવી કાર્યવાહી કરી છે. ૨૦૧૬માં ૯,૦૪૧ કેદી આ યોજના હેઠળ છૂટ્યા હતા. જ્યારે ૩૫,૦૦૦થી વધુ કેદીને તેનો લાભ મળ્યો ન હતો. જેલોમાં કેદીઓની સંખ્યા ૧૯૯૩માં ૪૪,૨૪૬ હતી તે વધીને ૮૬,૭૦૦ થઈ છે.

કેદીઓનો વધુ પ્રમાણમાં ભરાવો થતાં જેલોમાં હિંસા અને ડ્રગ્સની સમસ્યા ખૂબ વધી ગઈ છે. ૧૯૯૯માં અમલી બનેલી આ યોજના માટે ત્રણ મહિનાથી ચાર વર્ષ સુધીની કેદની સજાના કેદી લાયક ગણાય છે. તેમની સજા પ્રમાણે તેમને બે અઠવાડિયા અને ૧૨૦ દિવસ વચ્ચે મુક્ત કરાય છે. તેમણે સાંજે ૭થી સવારે ૭ ઘરે જ રહેવાનું હોય છે.


comments powered by Disqus