હાથની ત્વચાની સંભાળ રાખવાની ઘરેલુ ટિપ્સ

Wednesday 21st February 2018 05:21 EST
 
 

પહેલાના વખતમાં કોઇ પણ પ્રકારના કોસ્મેટીક્સ ઉપલબ્ધ નહોતા, છતાંય સ્ત્રીઓનાં અને યુવતીઓનાં ચહેરા ચમકતાં રહેતાં હતાં. સામાન્ય રીતે ઘરનું દરેક કાર્ય જાતે જ કરતાં હોવા છતાં તેમના હાથની ત્વચા સુવાળી ચમકદાર રહેતી હતી. તેનું કારણ કે તેઓ જે કાર્યો કરતાં તેમાંથી જ તેમને પોષણ મળી રહેતું હતું. જેમકે શાક સમારવાથી શાકનો રસ હાથ પર લાગતો જેથી હથેળીઓ સારી રહેતી. કેટલીક સ્ત્રીઓ અમુક પ્રકારના તેલ હાથ પર લગાવતાં જેથી હાથની ત્વચાને તેલી તત્ત્વ મળી રહેતું હતું. આવા જ ઘરેલુ નુસખાઓ અહીં આપવામાં આવ્યા છે. જે તમે અજમાવી શકો છો. તમે કેટલાક હેન્ડ લોશન જાતે જ બનાવી શકો છો. તેની રીતે અહીં આપી છે.

વિવિધ પેસ્ટ

  • એક ચમચી બદામ ઓઈલ, એક ચમચી પેટ્રોલિયમ જેલી, એક ચમચી સોફ્ટ શોરટીનિંગ, ત્રણ ચમચી લિનોલિન, બે ચમચી ગિલસરીન, એક ચમચી લીંબુનો રસ આ બધાને ખૂબ જ સારી રીતે મિલાવીને તેને એક કાચની શીશીમાં ભરી લો. હાથ ધોઈને આ લોશન લગાવો. આનાથી હાથ મુલાયમ રહે છે.
  • એક ચમચી ટામેટાંનો રસ, એક ચમચી નારિયેળ તેલ અને એક ચમચી લીબુંનો રસ ભેળવીને તેનું મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણથી હાથની માલિશ કરો. ત્વચા રસ શોષી લે પછી હલકા ગરમ પાણીથી હાથ ધોઈ લો
  • ચણાનો લોટ લઈને તેમાં થોડુક દૂધ અને મલાઈ ભેળવીને તેનાથી હાથ પર માલિશ કરવાથી ત્વચા સૂકી થતી અટકે છે અને તેનાથી ત્વચા પણ ક્લિન થઈ જાય છે.
  • એક ચમચી ચંદન પાઉડર, એક ચમચી સુખડ પાઉડર, ત્રણ ચમચી ગ્લિસરિન મિક્સ કરીને પેસ્ટ બનાવો આ પેસ્ટને હાથ પર લગાવો પેસ્ટ સુકાય પછી હળવા ગરમ પાણીથી હાથ ધોઈ લો.
  • બે ચમચી શુદ્ધ દેસી ઘી લો. તેને ઓગાળીને તેની હાથ પર માલિશ કરો. એ પછી એક ચમચી ચણાના લોટ, એક ચમચી લીંબુ, એક ચમચી હળદરનું મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણ હાથ પર લગાવો. મિશ્રણ સુકાય એટલે હાથને હળવા ગરમ પાણીથી ધોઈ લો.
  • એક ચમચી મુલતાની માટી લો. તેમાં એક ચમચી ચંદન પાઉડર અને એક ચમચી સુખડ પાઉડર નાંખો. આ મિશ્રણમાં જરૂરિયાત પ્રમાણે ગુલાબજળ મેળવો અને પેસ્ટ બનાવો. હાથ પર લગાવો. પેસ્ટ સુકાય એટલે હળવા ગરમ પાણીથી હાથ ધોઈ લો.
  • એક ચમચી બાજરીનો લોટ લો. તેમાં એક ચમચી ગ્લિસિરિન, એક ચમચી હળદર અને પ્રમાણસર ગુલાબજળ ભેળવો. આ પેસ્ટનો હાથ પર લગાવો. પાંચ મિનિટ માલિશ કરો. એ પછી હળવા ગરમ પાણીથી હાથ ધોઈ લો.
  • કાચું દૂધ લગાવવાથી હાથ સાફ રહે છે. જો તમારી પાસે સમય ઓછો હોય તો કોટનમાં કાચું દૂધ લઈને તેને હાથ પર લગાવી દો. અને થોડીક વાર પછી ધોઈ લો.
  • એક ચમચી બદામનું તેલ લઈને તેનાથી તમારા હાથની માલિશ કરો જો પોલ્યુશન વાળા વાતાવરણમાં બહાર ન જવાનું હોય તો તેલ તેની ઉપર જ રહેવા દો. બહાર જવાનું થાય તો હળવા ગરમ પાણીથી હાથ ધોઈ લો.

કેટલીક નોંધ

  • બને ત્યાર સુધી સાબુનો ઉપયોગ ટાળો કેમકે તેનાથી ત્વચા વધુ પડતી રુક્ષ થઈ જાય છે.
  • હાથની ત્વચા બહુ સુકાયેલી લાગે ત્યારે ક્લિન્સિંગ મિલ્કનો ઉપયોગ કરીને પછી કોટનથી હાથ લૂછીને પછી હાથ ગરમ પાણીથી ધોઈ લો.
  • ખાવામાં લીલાં શાકભાજીનો અને ફ્રૂટ્સનો વધુ ઉપયોગ કરો.  

    comments powered by Disqus