BME તરીકે ઓળખ બદલ પ્રીતિ પટેલને રોષ

Wednesday 21st March 2018 07:59 EDT
 
 

લંડનઃ પૂર્વ કેબિનેટ મિનિસ્ટર પ્રીતિ પટેલે બીબીસી રેડિયો કેન્ટને આપેલી મુલાકાતમાં સહકર્મીઓ દ્વારા તેમને BME તરીકે ઓળખાવવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું, ‘ લોકો મને BME નું લેબલ લગાવે છે તે ગમતું નથી. મને એ શબ્દ ગમતો નથી. હું સૌ પ્રથમ બ્રિટિશ છું કારણ કે હું બ્રિટનમાં જન્મી હતી.’

તેમણે ઉમેર્યું હતું , ‘આ શબ્દને લીધે મને કોઈ મારા પર દયા ખાતું હોય કે મારું અપમાન કરતું હોય તેવું લાગે છે. આ શબ્દ મને સહેજ પણ મદદરૂપ નથી કારણ કે આપણે માણસો છીએ અને દરેકને પોતાની વ્યક્તિગત લાયકાતથી જ ઓળખાવાનું ગમતું હોય છે. હું કન્ઝર્વેટિવ પાર્ટી અને વેસ્ટમિન્સ્ટરના મારા તમામ સાથીઓને મને BME તરીકે ઓળખવાનું બંધ કરવા તાકીદ કરું છું. કેબિનેટમાં તેમજ સિવિલ સર્વન્ટ્સને પણ મેં તેમ કહ્યું હતું.’

વિથામના MP પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે તેઓ રાજકારણમાં જોડાવા અને તેમના માર્ગે ચાલવા વધુને વધુ ભારતીય મૂળના લોકોને પ્રોત્સાહિત કરવા માગે છે. પરંતુ, યુકેમાં લઘુમતિ સમાજના કોઈ સભ્ય વડા પ્રધાન બનશે કે કેમ તે બાબતે મૂળ ગુજરાતી પ્રીતિ પટેલ ચોક્કસ નથી.

કદાચ તેઓ વડા પ્રધાન બની શકે તેવા પ્રશ્રના જવાબમાં તેમણે સામે પ્રશ્ર કર્યો હતો કે કોણ જાણે ? અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ યુકેના પહેલા મૂળ ભારતીય મહિલા કેબિનેટ મિનિસ્ટર હતા. ભૂતપૂર્વ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી અને બ્રેક્ઝિટના સમર્થક પ્રીતિ પટેલે કોઈક તબક્કે કન્ઝર્વેટિવ નેતૃત્વના પ્રયાસની શક્યતા નકારી ન હતી.


comments powered by Disqus