લંડનઃ બ્રિટિશ સરકારે NHSના કર્મચારીઓને આકર્ષક અને લોભામણી ઓફર આપી છે. સરકારે કર્મચારીઓ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો કે તેઓ તેમને મળતી વાર્ષિક જાહેર રજાઓમાંથી એક રજાના દિવસે ફરજ બજાવે તો તેના બદલામાં તેમના પગારમાં ત્રણ વર્ષમાં ૬.૫ ટકાનો વધારો કરવામાં આવશે. જોકે, સરકારની આ ઓફરનો કર્મચારીઓએ કોઈ પ્રતિભાવ આપ્યો નથી.
આ ઓફરનો લાભ GP અને ડેન્ટિસ્ટને મળી શકશે નહીં કારણ કે તેમનો પગાર અન્ય સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. NHS માં નવ સ્તરીય પગાર સિસ્ટમ છે. છેક નીચેના સ્તરના કેટલાક કર્મચારીઓનો પગાર ખૂબ ઓછો છે. તેમના પગારમાં વધારો કરવા માટે સરકારે આ યોજના ઘડી છે.
બ્રિટનમાં કર્મચારીઓના ૧૪ સંગઠનો છે અને તે આ બાબતે સરકાર સાથે વાટાઘાટો કરી રહ્યા છે. સંગઠનો સંમત થશે તે પછી જ આ ઓફર લાગૂ થશે.

