કાન સાફ કરવા વપરાતું રૂ, હેરપિન, પેન્સિલ, ટૂથપિક નુકસાનકારક

Wednesday 21st March 2018 07:36 EDT
 
 

સામાન્ય રીતે કાન સાફ કરવા લોકો રૂ, હેરપિન, પેન્સિલ, ટૂથપિક, લોલીપોપ સ્ટિક કે ચાવીનો ઉપયોગ કરતા જોવા મળે છે. જોકે આ બધી ચીજો કાનને ચોખ્ખો કરવાને બદલે નુકસાન કરી શકે છે. આ ચીજોનો ઉપયોગ કરનારાઓમાંથી બે તૃતિયાંશ લોકોને નાની-મોટી ઇજા કાનમાં થતી હોય છે. સારવાર માટે આવેલા લોકોમાંથી લગભગ અડધા લોકોના કાનમાં રૂ હોય છે, એવું સંશોધકોને જણાયું છે.
યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના સંશોધનમાં જણાયું છે કે મોટા ભાગના દર્દીઓને તો એ જ સમજાતું નથી કે તેઓ કાન સાફ કરવા જે ચીજનો ઉપયોગ કરે છે એ ચીજો કાનમાં ઇજા પહોંચાડે છે. ઉપરાંત કાનના મેલ (તબીબી ભાષામાં વેક્સ)ને વધુ અંદર ધકેલે છે. ઘણી વખત આવી ચીજવસ્તુથી કાનના પડદાને સારવાર ન થઇ શકે તેટલું નુકસાન પણ થઇ જતું હોય છે.
બ્રિટનના નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સલન્સ (‘નાઇસ’)એ પણ તાજેતરમાં ચેતવણી બહાર પાડી હતી કે કાનમાં રૂ નાખવું એ જોખમી છે.

તો પછી કરવું શું?

• કાનમાં ભેગો થતો મેલ થોડા વખત બાદ જાતે જ નીકળી જતો હોય છે. જો તે આપમેળે ન નીકળે તો કાનમાં ઓલિવ કે બદામ તેલના બેથી ત્રણ ટીપાં દિવસમાં બે વખત થોડાક દિવસો નાખો. બે અઠવાડિયામાં મેલનો ગઠ્ઠો નીકળી જશે. • કાનમાં ભેગા થતા મેલ અંગે દવાવાળા તમને મદદ કરી શકે. તેમને તમારી મુશ્કેલી કહો, તેના પરથી તેઓ તમને સૂચન કરશે. તે કેમિકલ ડ્રોપ સૂચવશે, જે મેલને નરમ કરી બહાર કાઢી નાંખશે. પડદામાં કાણું હોય તો ડ્રોપનો ઉપયોગ ન કરો. • કેટલાક જીપી કાનમાંથી મેલ કાઢી આપે છે. તેઓ કાનમાં પાણીની પિચકારી મારીને મેલ બહાર કાઢી શકે છે.


comments powered by Disqus