લંડનઃ પોલીસ અને શંકાસ્પદ ડ્રગ ડિલર્સ વચ્ચે મડાગાંઠ ચાલતી જ રહેતી હોય છે. પરંતુ, તેમાં લામર ચેમ્બર્સનો અનોખો કિસ્સો નોંધવા લાયક છે. ચેમ્બર્સે ૪૭ દિવસ સુધી શૌચક્રિયા ન કરીને તેના પર કેસ થતો અટકાવી દીધો હતો. ૨૪ વર્ષીય ચેમ્બર્સ પાસે આગળ સપ્લાય કરવા માટે ડ્રગ્સ હોવાની આશંકાને લીધે ગત ૧૭ જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓને લાગતું હતું કે એસેક્સના હાર્લોથી ભાગી છૂટતી વખતે તે ડ્રગ્સ ગળી ગયો હશે. પોલીસે તેને ઝડપી લીધો તે પછી તેમને ચેમ્બર્સ જે ડ્રગ્સ ગળી ગયો હશે તે શૌચ વાટે બહાર નીકળે તેની રાહ જોવાની હતી. તેથી ચેમ્બર્સ ‘પૂ-વોચ’નું ફોકસ બની ગયો હતો કારણ કે તેના આંતરડાની કોઈ ક્રિયા થતી ન હતી અને તેના વિશે પોલીસ તેના ટ્વીટર એકાઉન્ટ પર લોકોને અપડેટ કરતી હતી.
લગભગ ૪૭ દિવસ સુધી તેણે શોચક્રિયા કરી નહી. પ્રોસિક્યુશનના વકીલોને આ બાબત જાહેર હિતની ન હોવાનું લાગતા તેની સામેનો કેસ પડતો મૂકવામાં આવ્યો હતો.
યુનિવર્સિટી કોલેજ લંડન હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના પ્રોફેસર એન્ટન ઈમાનુએલે જણાવ્યું હતું કે તેનો વિજય થયો છે. પરંતુ, તેણે તેની કિંમત ચૂકવવી પડશે, કારણ કે લાંબા સમય સુધી શૌચ રોકી રાખનારને બાકીની આખી જીંદગી લેક્સેટીવ્સ લેવા પડે છે.
જોકે, તેની સામેનો કેસ પડતો મૂકાયો હતો. પરંતુ, તેના કરતા પણ વધુ ગંભીર આરોપ ‘એ’ ક્લાસ ડ્રગ્સની હેરાફેરીમાં તેની તરત જ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં જામીન મંજૂર કરાયા હતા અને તેને ‘શૌચક્રિયાની સારવાર’ માટે એસેક્સ હોસ્પિટલ લઈ જવાયો હતો.
