અભિષેક પાઠક, કુમાર પાઠક, ભૂષણ કુમાર અને ક્રિશ્ન કુમાર ચાર પ્રોડ્યુસર નિર્મિત ફિલ્મ ‘રેડ’ એંશીના દાયકાની રિઅલ સ્ટોરી પર આધારિત ફિલ્મ છે. ફિલ્મનું ડિરેક્શન અને સ્ક્રીનપ્લે રાજકુમાર ગુપ્તાના છે. રિતેશ શાહનું નામ સહસ્ક્રીનપ્લે લેખક તરીકે પણ છે અને સ્ટોરી પણ એની છે.
વાર્તા રે વાર્તા
એંશીના વખતના એક પ્રામાણિક આઈટી અધિકારી એક દબંગ સાંસદને ઘરે રેડ પાડવાની હિંમત કરે છે અને સાંસદનું તથા તેના પરિવારનું કાળું ધન સરકારમાં જમા કરાવવા માટે મરણિયા પ્રયાસ કરે છે. યુનિફોર્મ વગરના આ પ્રામાણિક ઓફિસર સામે અનીતિ કરતા સાંસદની શામ દામ દંડ ભેદની નીતિ બાથ ભીડે છે. અજય દેવગણ પ્રામાણિક ઓફિસર અમય પટનાયક છે. તેની ઇમાનદારીના કારણે જ તેની દર બે મહિને એમ કુલ મળીને ૪૯ બદલીઓ થઈ ગઈ હોય છે. તેની બદલી હવે લખનઉમાં થઈ હોય છે. તે લખનઉની બાજુમાં આવેલા સીતપુરમાં સાંસદ રામેશ્વર ઉર્ફે રાજાજી ઉર્ફે તાઉજી (સૌરભ શુક્લા)ને ઘરે બાતમીના આધારે રેડ પાડે છે. ખરેખર તેને બાતમી આપનાર ઘરની જાણભેદુ વ્યક્તિ જ હોય છે. ફિલ્મમાં એક તબક્કે માતેલા સાંઢ જેવા તાઉજીને અભય છુટ્ટો દોર આપે છે. તાઉજી સ્થાનિક લાગવગથી લઈને વડા પ્રધાન સુધી પહોંચે છે, પણ રેડ રોકી શકાતી નથી ચાલુ જ રહે છે.
શાનદાર એક્ટિંગ
અજય દેવગણની ટીમમાં મુખ્ય હતા. એમાંથી લલ્લન સુધીર (અમીત સિયાલ), સતીષ મિશ્રા (અમિત બિમરોત) અને મુક્તા (ગાયત્રી અય્યર) સહિત બધ્ધાયની એક્ટિંગ જોરદાર છે. ફિલ્મમાં તાઉજીનો પરિવાર ઉત્તર પ્રદેશમાં માથાભારે ગણાય છે. ફિલ્મમાં નેવું વર્ષનાં તાઉજીના અમ્માજી (પુષ્પા જોશી)થી માંડીને તાઉજીનાં ઘરનાં બચ્ચાં બચ્ચાંની એક્ટિંગ સારી છે. યુપીના લહેજામાં બોલાયેલો તાઉજીના પરિવારના સભ્યોનો એકેએક ડાયલોગ જાનદાર છે.
ધમાકેદાર બેકગ્રાઉન્ડ સ્કોર
આ ફિલ્મમાં અમિત ત્રિવેદીએ આપેલો બેકગ્રાઉન્ડ સ્કોર જોશીલો છે. ગીતોમાં ‘બ્લેક બ્લેક’, ‘નીત ખેર મંગા’ અને ‘સાનુ ઈક પલ ચેન ના આવે’ પણ કર્ણપ્રિય છે.

