ખૂબ જ આરોગ્યપ્રદ છે રાગી

સદાબહાર સ્વાસ્થ્ય

Saturday 17th March 2018 05:32 EDT
 
 

આપણે સહુ આજકાલ રાગી માલ્ટ, સ્પ્રાઉટેડ રાગી લોટ અને રાગી લોટ વિશે અવારનવાર સાંભળીએ છીએ. પણ આ બધું બને છે શામાંથી? રાગીના બીજમાંથી... રાગી માલ્ટ નાના બાળકથી માંડી પુખ્ત વ્યક્તિઓ માટે જબરદસ્ત ફાયદાકારક છે. રાગીનો લોટ આહારનિષ્ણાતોના સૌથી પ્રિય પદાર્થોમાંનો એક છે. ઓછી કિંમતે તેમાંથી જબરદસ્ત લાભ મળે છે.

ગુજરાતી પરિવારો ઘઉં અને ઘઉંની વાનગીઓના ખૂબ શોખીન છીએ અને કેમ ન હોઈએ? આપણા પૂર્વજોએ આપણને ઘઉંના લોટનો ઉપયોગ કરીને વિવિધ વાનગીઓ તૈયાર કરવાનું શીખવ્યું છે. પરંતુ હવે બજારમાં સંખ્યાબંધ અન્ય લોટ અને તેથી રાગીના બીજ અથવા રાગીનો લોટ સરળતાથી ઉપલબ્ધ છે.

રાગી બીજ શું છે? રાગીના બીજને ફિગર મિલેટ, આફ્રિકન મિલેટ અથવા નાચણી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આફ્રિકા અને એશિયાના વિસ્તારોમાં વ્યાપક રીતે ઉગાડવામાં આવે છે. રાગીના બીજમાંથી આપણે રાગીનો લોટ બનાવી શકીએ છીએ. હવે આપણને કેટલાય સુપરમાર્કેટ અને અનાજ દળવાની ઘંટીએથી રાગીનો લોટ મળે છે. પરંતુ હજી પણ આપણે તેને રોજિંદા ભોજનમાં ઉપયોગમાં લેતા નથી.

રાગીના અનેક લાભ

(૧) કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્રોતઃ આપણે બધા આપણા માટે જરૂરી કેલ્શિયમ દૂધમાંથી મેળવવા માટે ટેવાયેલા છીએ, પરંતુ દૂધ વધુ પ્રમાણમાં પીવાથી સેચ્યુરેટેડ ફેટ પણ મળે છે. જ્યારે કિંમતમાં સસ્તી રાગી બહુ જ ઓછી ચરબી અને ભરપૂર કેલ્શિયમ ધરાવે છે તેથી રાગી કેલ્શિયમનો શ્રેષ્ઠ નો-ડેરી સોર્સ ગણાય છે. જે બાળકોને દૂધ પીવાની અથવા તો લેક્ટોઝની તકલીફની સમસ્યા છે, તેમની માતા રાગીના લોટમાંથી બાળકો માટે કોઈ પણ વસ્તુ તૈયાર કરી શકે છે. અને તેમના બાળકને ખવડાવી શકે છે.

(૨) ડાયાબિટીસ નિયંત્રણમાં ઉપયોગીઃ ફાઈબરના ઊંચા પ્રમાણને કારણે તેમાંથી ઊર્જા ધીમે ધીમે રિલીઝ થાય છે અને સલામત રેન્જમાં બ્લડસુગરનું લેવલ જાળવી રાખે છે.

(૩) સ્કીન માટે અતિ ઉત્તમઃ રાગી યુવાન અને યુથફુલ સ્કીનની જાળવણી માટેનં અજાયબ કામ કરે છે. તેમાં રહેલા મુખ્ય એમિનો એસિડ રિંકલ્સ અને ફ્લેબી ઓછી કરે છે.

(૪) વિટામિન ડી ધરાવે છેઃ રાગી એ થોડાક એવા કુદરતી અનાજ પૈકીનું એક છે જે વિટામિન ડી ધરાવે છે. જે આમ તો મોટા ભાગે સૂર્યપ્રકાશ અથવા ઇંડામાંથી જ મળે છે. આથી, શાકાહારી વ્યક્તિ માટે રાગી વિટામીન-ડીનો સારો સ્રોત બની શકે છે.

(૫) ડાયેટરી ફાઇબરનું ઊંચું પ્રમાણઃ લાંબા સમયથી સુધી પેટને ભરેલું રાખે છે અને નકામી ભૂખ લાગતી અટકાવે છે. વખત જતાં તેનાથી ભૂખ ઓછી લાગે છે. અને તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

(૬) ગ્લુટન ફ્રી છેઃ રાગીનો લોટ ગ્લુટન ફ્રી છે (ગ્લુટન એ પ્રોટીનનું નામ છે જે ઘઉમાં મળી આવે છે.) આથી તે ગ્લુટનવાળા ધાન્યના લોટ જેમ કે ઘઉં અને ઘઉંની વાનગીઓ કરતાં બહુ જ ફાયદાકારક છે.

રાગીને તમે મુખ્યત્વે ત્રણ પ્રકારે ઉપયોગમાં લઇ શકો છો...

રાગીનો લોટઃ રાગીનો લોટ દાણા દળીને (ગ્રાઇન્ડ કરીને) મેળવાય છે. એને પોલીશ કરવા કે પ્રક્રિયા કરવા માટે બહુ ઝીણા હોવાથી એને સાફ કરીને જ વપરાય છે.

રાગીના ફણગાવેલા બીજઃ કઠોળ, મેથી, રાગી બીજ, ઘઉં વગેરેને ફણગાવવાથી વિટામીન-બી અને પ્રોટીનનું લેવલ વધે છે અને ડાયજેસ્ટ કરવા માટે સરળ બને છે. તેથી રાગીને ફણગાવી, તેને ચોળીને ભૂકો કરવો અને રોટી અથવા ભાખરી અથવા શીરાના સ્વરૂપમાં ખાઈ શકાય.

રાગી માલ્ટઃ રાગી માલ્ટ રાગી લોટમાંથી બને છે. આ રાગી માલ્ટ ખેલાડીઓ, નવું ચાલતા શીખતું બાળક અથવા જેઓ તેમનો સ્ટેમિના વધારવા માગે છે તેમને માટે ખૂબ સારું છે. જરૂરત અનુસાર ગોળ, રાગીનો લોટ, નટ્સ આ બધું મળીને રાગી માલ્ટનો પાવડર બને છે. જે હાઈ-કેલ્શિયમ ધરાવે છે. ઊર્જા અને પ્રોટીન અને આયર્નનો સારો સ્રોત છે.

રાગી માલ્ટ તમે ઘરે પણ બનાવી શકો છો...

સામગ્રીઃ રાગીનો લોટ ૪ ટેબલસ્પૂન, દોઢ ટેબલસ્પૂન ઓર્ગેનિક ગોળ, ૧૦ નંગ બદામ, ૫ નંગ કાજુ

રીતઃ રાગ લોટને શેકી લો અને તેને ઠંડા થવા દો. પછી બધા પદાર્થો ગ્રાઇન્ડરમાં ગ્રાઇડ કરી લો. આ રીતે રાગી માલ્ટ તૈયાર તશે. ઠંડી જગ્યાએ તેને સ્ટોર કરો. જ્યારે જરૂર હોય ત્યારે ઉપયોગ કરો.

હવે આમાંથી રાગી માલ્ટ ડ્રિંક કેમ બનાવવું તે જાણીએ...

એક નાના વાસણમાં એક કપ દૂધ ગરમ કરો. રાગી માલ્ટ ૧ ટેબલસ્પૂન ઉમેરો અને ઘટ્ટ થાય ત્યાં સુધી દૂધ હલાવો. આ પછી બાકીનું દૂધ (જો તમે ઇચ્છો તો) ઉમેરો અને તમારા બાળકને આપો. તમે તેને ચોકલેટ ડ્રિન્કનો ટેસ્ટ આપવા માટે તેમાં ચોકલેટના થોડાક ટુકડાઓ ઉમેરી શકો છો.

રાગીમાંથી બનેલી ચીજવસ્તુઓ આરોગ્યની રીતે ઘણી ફાયદાકારક હોવા છતાં, આપણા ગુજરાતીઓના ખોરાકમાં રાગીની ગેરહાજરી જણાઈ આવે છે અને આપણે આપણા ભોજનમાં એને સામેલ કરતા નથી. દક્ષિણ ભારતીય રેસ્ટોરાં સિવાય, ઘણા તો આ અનાજનો ઉપયોગ કરવા જ તૈયાર નથી હોતા. આ કદાચ તેના બ્લેન્ડ સ્વાદ અને દેખાવને કારણે હશે. જો એવું જ હોય તો પછી તમે રાગીના લોટ સાથે કોઈ પણ અન્ય લોટ ઉમેરી શકો છો અને તમારી મનપસંદ ડીશ તૈયાર કરી શકો છો.


    comments powered by Disqus