અમદાવાદઃ એક વખત મહિલા પ્રોફેસર ધર્મિષ્ઠા ગોહિલની સામે બે વર્ષથી ફૂટપાથ પર રહેતી મહિલાએ કહ્યું કે પિરિયડના દિવસોમાં રોડ પર પડેલા ગાભાથી કામ ચલાવે છે અને તેનાથી તેને ગુપ્તાંગોમાં ચાંદા પડી જાય છે. આ વાતે ડો. ધર્મિષ્ઠા ગોહિલને આખી રાત ન સૂવા દીધાં. એ દિવસથી તેમણે આ મહિલાઓને સેનેટરી નેપકીન વહેંચવાનું શરૂ કર્યું.
પ્રોફેસર ડો. ધર્મિષ્ઠા ગોહિલ ફૂટપાથ પર રહેતી મહિલાઓને છેલ્લા બે વર્ષથી સેનેટરી નેપકીન મફત આપે છે. આ સેનેટરી નેપકીન તેઓ જાતે બનાવે છે. પ્રોફેસર ડો. ધર્મિષ્ઠા ગોહિલે જણાવ્યું હતું કે, ‘એક વખત જ્યારે હું કોલેજ જઈ રહી હતી. ત્યારે એક દૃશ્ય નજરે પડયું એક મહિલાએ પાણીનો કેરબો ભરીને રોડ ક્રોસ કરી રહી હતી. તેણે રોડની બાજુમાં પિરિયડના કપડાં ધોયાં. ત્યારે મને થયું કે આ ક્યારે સુકાશે. વળી જ્યારે એ મહિલા એના કામેથી પાછી આવશે ત્યાં સુધી કપડું કેવુંય રહેશે? તે પછી મેં જાતે જ નેપકીન બનાવીને રોડ પર રહેતી મહિલાઓને આપવાનું શરૂ કર્યું. મેં નક્કી કર્યું કે રોજ એક કલાક
સેનેટરી નેપકીન્સ બનાવવા જેથી અન્ય મહિલાઓને તે કામ લાગી શકે.
ધર્મિષ્ઠાબહેન કહે છે કે તેઓ એક કલાકમાં આશરે ૩૦થી વધારે સેનેટરી નેપકીન બનાવે છે. ધર્મિષ્ઠાબહેન કહે છે કે એક વખત વૃદ્ધાશ્રમની મુલાકાત પછી મને અહેસાસ થયો કે આશ્રમમાં વૃદ્ધ મહિલાઓને અંડર ગારમેન્ટ માટે ઘણી મુશ્કેલી વેઠવી પડે છે. તેથી વૃદ્ધાશ્રમમાં પ્રૌઢ મહિલાઓની સમસ્યાઓને સમજીને આંતરવસ્ત્રોનો ખર્ચ ઉઠાવવાનું મેં નક્કી કર્યું. તેમને માફક આવે તેવા અંડર ગારમેન્ટ માટે હું મારાથી બનતી આર્થિક મદદ કરું છું.

