લંડનઃ ગયા જુલાઈ અને સપ્ટેમ્બર ૨૦૧૭ ના ત્રણ મહિનાના ગાળામાં કર્મચારીઓને ગેરકાયદે નોકરીમાં રાખવા બદલ વેસ્ટ લંડનમાં આવેલી ઈમ્પિરિયલ કોલેજ એમ્પ્લોયર્સ સહિત ૨૧ કંપનીઓને હોમ ઓફિસ દ્વારા લગભગ ૪૬૫,૦૦૦ પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમાં સૌથી મોટા NHS ટ્રસ્ટ પૈકીના એક ઈમ્પિરિયલ કોલેજ હેલ્થકેર NHS ટ્રસ્ટ અને કેટલીક રેસ્ટોરાંનો સમાવેશ થાય છે. જોકે, આ દંડ હજુ સુધી ભરાયો નથી.
યુકેમાં જે લોકોને કામ કરવાનો અધિકાર નથી તેમને નોકરીમાં રખાય તો હોમ ઓફિસની ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ટીમ તેના માલિકોને કર્મચારી દીઠ ૨૦,૦૦૦ પાઉન્ડનો દંડ કરી શકે છે. આ યાદીમાં પહેલી કે બીજી વખત દંડ કરાયો હોય તેવી કંપનીઓ પણ સામેલ છે.
હેરોમાં આવેલી રેસ્ટોરાં મુંબઈ જંક્શનને સોથી વધુ ૧૦૦,૦૦૦ પાઉન્ડનો દંડ કરાયો હતો. અન્ય રેસ્ટોરાંમાં પેડિંગ્ટનની અલ-બલાદને ૬૦,૦૦૦ પાઉન્ડ, કિંગ્સબરીની ચીલી મસાલાને ૫૦,૦૦૦ પાઉન્ડ, ચેલ્સાની એઈટ ઓવર એઈટને ૨૦,૦૦૦ પાઉન્ડ, એક્ટનની ચેઝિંગ ડ્રેગનને ૧૫,૦૦૦ પાઉન્ડ, હાર્લ્સડનની બેઈટ અલ ઝેયટુનને ૧૫,૦૦૦ પાઉન્ડ, ફૂલહામની જાફા બેક હાઉસને ૧૦,૦૦૦ પાઉન્ડ, ઓરિએન્ટલ ગાર્ડનને ૧૫,૦૦૦ પાઉન્ડ અને પોર્સિની પીઝા ૧૫,૦૦૦ પાઉન્ડ તથા ટર્નહામ ગ્રીનની કાફે ટ્રિનિટીને ૧૫,૦૦૦ પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
અન્ય માલિકોમાં હેરોની CQC ગુડ રેટેડ હોમ હેલ્થ કેર પ્રોવાઈડર્સ, સાઉથ બ્રોડવેમાં આવેલ એલાઈટ સ્પેશિયાલિસ્ટ કેર લિમિટેડને ૨૦,૦૦૦ પાઉન્ડ અને પાન શોપ, ઈન્ટરનેટ કાફે, બ્યૂરો દ ચેન્જ અને મની ટ્રાન્સફર સર્વિસ હમઝાને ૧૫,૦૦૦ પાઉન્ડનો દંડ થયો હતો.

