લંડનઃ લેબર પાર્ટીના ભારતીય મૂળના વીરેન્દ્ર શર્મા MPએ જલિયાંવાલા બાગ હત્યાકાંડને બ્રિટનની શાળાઓના ઈતિહાસ વિષયના અભ્યાસક્રમમાં સમાવવાની માગણી કરી હતી. આ અંગે તેમણે વડા પ્રધાન થેરેસા મેને પત્ર પણ લખ્યો છે. શર્મા બ્રિટનની સ્કૂલોના અભ્યાસક્રમમમાં આ ઐતિહાસિક ઘટનાને સામેલ કરાવવા અભિયાન ચલાવી રહ્યા છે.તેમણે હાઉસ ઓફ કોમન્સમાં વડા પ્રધાનને સવાલ કરતાં આ મુદ્દો ઊઠાવ્યો હતો. તે અંગે થેરેસા મેએ તેમને લેખિત જવાબની ખાતરી આપી હતી.
શર્માએ જણાવ્યું કે વડા પ્રધાન થેરેસા મેએ અમૃતસરના જલિયાંવાલા બાગ હત્યાકાંડને અભ્યાસક્રમમાં સામેલ કરાવવાની તેમની યોજના અંગે પૂછયું હતું અને સાથે જ ખાતરી આપી હતી કે તેઓ આ બાબતે ઘટતું કરશે.
૭૦ વર્ષીય શર્મા આ અગાઉ ૧૯૧૯માં સર્જાયેલા આ ક્રૂર હત્યાકાંડ માટે બ્રિટન માફી માગે તેવી માગણી સરકાર સમક્ષ કરી હતી. તેમણે કહ્યું હતું કે આવતા મહિને આ હત્યાકાંડને ૯૯ વર્ષ પૂરા થશે. તે સંજોગોમાં આ ઘટના સ્કૂલોમાં ઇતિહાસના વિષયમાં સામેલ થવી જોઈએ.

