પંજાબી પોપ ગાયક દલેર મહેંદીને પટિયાલાની અદાલતે ૨૦૦૩ના માનવ તસ્કરીના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. જોકે, એ પછી દલેર મહેંદીએ જામીન મેળવી લીધા હતા. ૨૦૦૩માં દલેર અને તેના મોટા ભાઈ શમશેર વિરુદ્ધ પટિયાલાના એક ગામમાં રહેતાં બખ્શીશ સિંહે ફરિયાદ કરી હતી કે આ બંનેએ તેની સાથે છેતરપિંડી કરી હતી. બંનેએ તેની પાસે રૂ. ૪.૫૦ લાખ લીધાં હતાં અને ખાતરી આપી હતી કે તેઓ તેને દલેરના ગ્રુપમાં સામેલ કરીને વિદેશ લઈ જશે.

