બ્રિટિશ ભારતીય રાજય નાયકની સ્વતંત્ર કમિશનના ચેરમેન તરીકે નિમણુંક

Wednesday 21st March 2018 07:23 EDT
 
 

લંડનઃ લીબ ડેમ પાર્ટીના નેતા ડો. વિન્સ કેબલે કીપાથ એજ્યુકેશનના ચીફ એક્ઝિક્યુટિવ અને ઓપન યુનિવર્સિટીના ભૂતપૂર્વ ડિરેક્ટર રાજય નાયકની તાજેતરમાં શરૂ થયેલા લાઈફલોંગ લર્નિંગના ‘મોટા’ સ્વતંત્ર કમિશનના ચેરમેન તરીકે નિમણુંક કરી હતી. પુખ્ત લોકો યુકેમાં તેમના જીવન દરમિયાન શીખી શકે અને પુનઃતાલીમ મેળવી શકે તેના શ્રેષ્ઠ ઉપાયો શોધવા માટે આ કમિશનની રચના કરવામાં આવી હતી.

ડો. કેબલે જણાવ્યું હતું કે આર્થિક અને ટેક્નોલોજીમાં ઝડપથી થતા સુધારાની ભવિષ્યમાં જોબ માર્કેટ પર વાસ્તવિક અસર થશે. રાજય નાયક ઉચ્ચ અને તેનાથી આગળના શિક્ષણમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કૌશલ્ય લાવે છે.

આપણા કર્મચારીઓ મોટા ફેરફારોને પહોંચી વળે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ અને તેમની ટીમ રચનાત્મક અને મહત્ત્વાકાંક્ષી દરખાસ્તો લાવશે. અમે લોકોને ફરી તાલીમ મેળવવા અને તેમનું કૌશલ્ય વધારવાની તકો પૂરી પાડીશું.

તેમણે ઉમેર્યું હતું કે મેમ્બરશીપ અને સમયગાળા વિશે આગામી સપ્તાહોમાં જાહેરાત કરવામાં આવશે અને તે પછી વિધિસરની પ્રક્રિયા શરૂ કરાશે.

મૂળ ભારતીય નાયકે નેશનલ કેરિયર્સ કાઉન્સિલ, ડિજિટલ સ્કીલ્સ કમિશન, લર્નિંગ એન્ડ સ્કીલ્સ કાઉન્સિલ અને યુકે-આસિયાન બિઝનેસ કાઉન્સિલમાં સેવા આપી છે. કમિશનની રચના વિશે નાયકે જણાવ્યું હતું કે આધુનિક વિશ્વમાં આગળ વધવા માટે સૌની પાસે કૌશલ્ય હોય અને નવા ઉદ્યોગો માટે આજીવન તાલીમ મેળવી શકે તે આપણા દેશની સ્પર્ધાત્મકતા માટે ખૂબ મહત્ત્વનું છે.


comments powered by Disqus