ભારત અને ચીન સંબંધોમાં રસ્સાખેંચ

સી. બી. પટેલ Tuesday 20th March 2018 12:37 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, પરાપૂર્વથી ભારત અને ચીનની સંસ્કૃતિઓ એકબીજાને પૂરક રહી હોવાના કંઇકેટલાય ઐતિહાસિક પુરાવાઓ છે. ખાસ તો બૌદ્ધ ધર્મના પ્રચાર-પ્રસાર તેમજ અન્ય સાંસ્કૃતિક પ્રકારે ચીનમાં ભારતનો પ્રભાવ એ હકીકત છે. ૭૦ વર્ષ અગાઉ ભારત અને ચીન વચ્ચેના સંબંધો લગભગ સર્વ પ્રકારે એકબીજાના હીતવર્ધક હોવાનું જોઇ શકાતું હતું. ૧૯૪૭માં ભારતને સ્વાતંત્ર્ય મળ્યું. ૧૯૪૮માં ચીનમાં સામ્યવાદી સરકારની રચના થઇ. અગાઉના સમયમાં અફઘાનિસ્તાન સરહદથી માંડીને મ્યાંમાર સુધીનો હિમાચ્છાદિત પર્વતગીરીનો ૧૮૦૦-૨૦૦૦ માઇલ જેટલો લાંબો અને ૨૦૦ માઈલ જેટલો પહોળો પટ્ટો બન્ને દેશો વચ્ચે મહદ અંશે અભેદ્ય હતો. પરિણામે બન્ને દેશો વચ્ચે સરહદ બાબતે તંગદિલી જોવા મળતી નહોતી. ચીન - ભારત, બન્ને દેશોને નકશામાં જોઇએ તો ચીનનો વિસ્તાર ભારત કરતાં લગભગ બમણો કે તેથી વધુ દેખાય છે.
તિબેટ અને શિન્ઝિયાંગના પ્રદેશો ૧૯૪૮ સુધી તળ ચીનની સરહદનો આંશિક હિસ્સો જ ગણાતા હતા. તિબેટની પોતાની એક આગવી ઓળખ, આગવું અસ્તિત્વ હતું. તે જ પ્રમાણે શિન્ઝિયાંગમાં ઇસ્લામ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓની વિશેષ વસ્તી જોવા મળતી હતી. તેને તળ ચીનના શાસન સાથે ખાસ કંઇ સાંઠગાંઠ હતી નહીં. ૧૯૫૯માં દલાઇ લામાએ ભારતમાં હિજરત કરી. કારણ? ચીનના લશ્કરો તિબેટ ઉપર છવાઇ જઇ રહ્યા હતા. અને પરંપરાપૂર્વકની તિબેટી ધર્મ તેમજ સંસ્કૃતિ ઉપર એની તરાપ વધી રહી હતી. ચીન તેનો પંજો પ્રસારી રહ્યું હતું. માઓ ત્સે તુંગ અને ચાઉ એન લાઇના એ સમયગાળામાં પંડિત જવાહરલાલ નેહરુ અને ભારતના અન્ય શાસકો હિન્દી-ચીની ભાઇ-ભાઇના ભ્રમમાં રચ્યાપચ્યા હતા. અને આજે બન્ને દેશો વચ્ચે તીવ્ર સ્પર્ધા અનેક ક્ષેત્રે જોઇ શકાય છે.
ચીન અને ભારત બે વિશાળ રાષ્ટ્રો છે. સંસ્કૃતિની આગવી પરંપરા છે, પણ રાજકીય વિચારસરણી અને શાસનપદ્ધતિમાં પાયાના તફાવત જોવા મળે છે. ભારતમાં લોકશાહી શાસન પ્રણાલી છે, ચીનમાં સરમુખત્યારશાહી છે. સવાસો કરોડ લોકોના ભારતમાં મોદી સરકાર હોય કે અગાઉની બીજી કોઇ સરકાર - શાસનવેળા દેશની આગવી ઓળખસમાન વિભિન્ન સાંસ્કૃતિક વિરાસત, ભાષા, સંસ્કૃતિ, ધર્મ તમામ પાસાંની ખેવના કરવી પડે છે. આમ લોકશાહીના પરિપ્રેક્ષ્યમાં જોઇએ તો, આ પ્રણાલીમાં વહીવટી તંત્રને અનેક પ્રકારની બાધાનો સામનો કરવો પડે છે. જ્યારે ચીનમાં ૧૯૪૮થી એક જ સત્તા સામ્યવાદી સરમુખત્યારશાહી પ્રવર્તે છે. આથી બૈજિંગમાં સત્તાધિશો દ્વારા આર્થિક કે અન્ય મોરચે જે કંઇ આયોજનો કરે, નિર્ણયો લે તેને રેડ આર્મીની તાકાતના જોરે સમસ્ત દેશમાં જડબેસલાક ઠોકી બેસાડવામાં આવે છે. સરકાર દ્વારા રજૂ થયેલા વિચાર કે આયોજનને વિનાવિરોધે લોકો પર થોપી બેસાડાય છે. આથી જ આર્થિક, ઔદ્યોગિક, કૃષિ વગેરે તમામ ક્ષેત્રે ચીનની હરણફાળના મુકાબલે ભારતની પ્રગતિ ધીમી જોઇ શકાય છે. માઓ ત્સે તુંગ તો કહેતા પણ ખરા કે શાસન તોપના નાળચે સામર્થ્ય ધરાવે છે.
ભારતમાં આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના મોટેરાઓએ પુખ્ત વયના દરેક નાગરિકને મતાધિકાર આપીને એક આવકાર્ય પગલું ભર્યું છે. જોકે આમ છતાં એ પણ હકીકત છે કે દેશના જ્ઞાતિ, ધર્મ, પ્રાદેશિક હિતો સહિતના વિવિધ કારણોસર ભારતમાં કોઇ પણ સરકારને વિકાસના સર્વાંગી આયોજનમાં અનેક અવરોધોનો સામનો કરવો પડે છે. બીજી બાજુ, ચીનને આવી કોઇ મર્યાદા નડતી નથી. એ દરેક ક્ષેત્રે છલાંગ મારીને આગળ વધી શકે છે. આપણે એક નાના દાખલા વડે આ વાતને સમજીએ.
ભારતના પાટનગર નવી દિલ્હી સહિતના અનેક નાના-મોટા શહેરોમાં લાખોની સંખ્યામાં વાહનોના કારણે પ્રદૂષણની સમસ્યા પ્રવર્તે છે. લોકો ભારે હેરાનગતિ ભોગવે છે. સરકારે આવા પ્રદૂષણને નાથવા કાયદા પણ ઘડ્યા છે, પરંતુ તેના અમલ આડે અનેક આપતિ આવે છે. ચીનમાં ત્રણ-ચાર વર્ષ પૂર્વે જોવા મળતું હતું તેમ દેશમાં વ્યાપક વીજ ઉત્પાદન કરવા માટે કરોડો ટન કોલસો બાળવામાં આવતો હતો. લોકોમાં શ્વાસની બીમારી વધી રહી હતી. પ્રદૂષણની સમસ્યા સરકારના ધ્યાનમાં આવી અને તરત જ તેણે પગલાં લેવાનું શરૂ કર્યું. સોલર એનર્જીનો ઉપયોગ થાય તો પ્રદૂષણની સમસ્યા હળવી થઇ શકે તેમ હોવાનું સમજાયું. ચીનના સત્તાધિશોએ નીતિનો અમલ કર્યો અને છેલ્લા ચાર વર્ષમાં તો ચીને સોલર એનર્જી ક્ષેત્રે ભારે સિદ્ધિ હાંસલ કરી છે.
સોલર સેલ ધરાવતી પેનલના ઉત્પાદનમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સૌર ઉર્જાનું ઉત્પાદન વધાર્યું. ભારતે પણ સૌર ઉર્જાને વિશેષ મહત્ત્વ આપવાનું શરૂ તો કર્યું છે, પરંતુ આ માટે જરૂરી સોલર સેલ ધરાવતી પેનલની તેણે ચીનથી આયાત કરવી પડે છે. ભારતમાં પૂરતી સંખ્યામાં વિજ્ઞાનીઓ છે, બુદ્ધિબળ છે, ટેક્નિકલ સ્કીલ છે, આમ છતાં તંત્રને એક વિચારનો અમલ કરવામાં અનેક અવરોધો ઓળંગવા પડે છે. યોજનાનો અમલ થતાં થતાં તો લાંબો સમય વીતી જાય છે. આવા સંજોગોમાં લોકશાહી શાસનપ્રણાલી, આવકારદાયક હોવા છતાં ઘણી વખત, વિકાસકાર્યોમાં અવરોધક બની રહે છે.

સસલા - કાચબાની દોડ

ત્રણ દસકા પૂર્વે હોંગ કોંગના ફાર ઇસ્ટર્ન ઇકોનોમિક રિવ્યુએ સસલા અને કાચબાની રેસ અંગે પાંચ ભાગની એક સીરિઝ પ્રકાશિત કરી હતી. જેના કેન્દ્રસ્થાને વિષય તો ભારત-ચીનનો તે સમયે પ્રવર્તતો સ્પર્ધાત્મક માહોલ. જોકે સાચા અર્થમાં જોઇએ તો રેસ હવે શરૂ થઇ છે. આમાં પણ સવિશેષ તો ત્રણ વર્ષ ૧૦ મહિનાથી, મોદી સરકારે શાસનધૂરા સંભાળી છે ત્યારથી.

પશ્ચિમનો ચીન માટેનો ભ્રમ ભાંગ્યો

આજે ચીન લશ્કરી મોરચે અમેરિકા અને તેના સાથીદારોની સામે શીંગડા ભરાવી રહ્યું છે. માત્ર સાઉથ ચાઇના સીના મુદ્દે જ નહીં, દૂર પૂર્વમાં અને હિન્દ મહાસાગરમાં પણ. અમેરિકી મૂડીવાદની પ્રારંભિક સમયે ઝંખના કહો, ઇચ્છા કહો કે યોજના કહો કંઇક એવી હતી કે અર્થતંત્રમાં સુધારો થાય અને ચાઇનીઝ પ્રજાનું જીવનધોરણ સુધરે. સાથે સાથે જ તે ચીનમાં લોકતંત્ર બળવત્તર બનાવવા માગતું હતું અને સમયના વહેવા સાથે પડોશી દેશો સાથેનું શાંતિમય સહઅસ્તિત્વ પણ વધુ સુદૃઢ બને.
અરે હેન્રી કિસિંજર પણ એવું માની બેઠા હતા કે ચીનની સામ્યવાદી સરમુખત્યારશાહી અલગ પ્રકારની છે. જોકે હવે તેમને પણ સમજાઇ ગયું છે કે ચીન વિશે કંઇ પૂર્વધારણા બાંધી શકાય તેવું નથી. ઐતિહાસિક રીતે જોઇએ તો ચીન - આંતરિક બાબત હોય કે બાહ્ય - હંમેશા બળિયાના બે ભાગની નીતિને અનુસરતું રહ્યું છે. ચીન આશ્ચર્યજનક રીતે ધારણા કરતાં ઘણું વહેલું આર્થિક મહાસત્તા તરીકે ઉભર્યું. જોકે એ વાતમાં પણ શંકાને કોઇ સ્થાન નથી કે તેણે મૂડીવાદના ઓઠા તળે સામ્યવાદી આર્થિક નીતિઓ લાદીને દેશ અને સરકાર હસ્તકના એકમો માટે વિપુલ ધનભંડાર એકત્ર કર્યો.
હવે તેણે આર્થિકથી લશ્કરી સ્રોતો થકી ભારતને ભરડો લેવાનું શરૂ કર્યું છે. બાવડાના જોરે અને તેમાં પણ ખાસ કરીને ‘રેડ આર્મી’ની તાકાતના જોરે દુનિયાભરમાં દાદાગીરી કરવામાં માનતા ચીનના નીતિનિર્ધારકો માટે ભારત ખરા અર્થમાં પડકારરૂપ બની રહ્યું છે તેમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. આજના ભારતને સીધો પડકાર આપી શકાય તેમ ન હોવાથી હવે તેણે આસપાસના દેશોને સાધવાનું શરૂ કર્યું છે. તેણે ભારતની આસપાસ આવેલા શ્રી લંકા, માલદિવ્સ, જીબુટી સહિતના અન્ય દેશોને લોનના નામે અબજો ડોલરની ખેરાત કરી છે.
પાકિસ્તાન તો જાણે તેનું પહેલાં ખોળાનું સંતાન છે. ચીને પાકિસ્તાનમાં ૬૦ બિલિયન ડોલરના જંગી ખર્ચે મહત્ત્વાકાંક્ષી વન બેલ્ટ વન રોડ યોજના હાથ ધરી છે. આ યોજના થકી ચીન અરબી સમુદ્રના પાકિસ્તાનના ગ્વાદર બંદરને (વાયા બલુચિસ્તાન) પોતાના પશ્ચિમી પ્રાંતમાં આવેલા શિન્ઝિયાંગને જોડવા માગે છે. એક તબક્કે તો પાકિસ્તાનની પ્રજા આ પ્રોજેક્ટથી ખૂબ જ ખુશ થઇ ગઇ હતી અને તેમના ‘સુખદુઃખના કાયમી સાથી’ તરફથી મળેલી આ ભેટથી ગદગદ થઇ ગઇ હતી. જોકે હવે તેને દાળમાં કાળું દેખાઇ રહ્યું છે.
આફ્રિકાના કેટલાય દેશો તેમજ એશિયા, તેમાંય ખાસ કરીને શ્રીલંકામાં એ મુદ્દો ચર્ચાના ચકડોળે ચઢ્યો છે કે ચીનની મબલખ આર્થિક સહાય મફતની ભેટ કે લોન નથી, પણ તેની સાથે આકરું વ્યાજ પણ જોડાયેલું છે. શ્રી લંકાનો હંબરટન ખાતેનો પોર્ટ પ્રોજેક્ટ અબજો ડોલરના દેવાના બોજ તળે દટાઇ ચૂક્યો છે અને વર્તમાન શાસકોને આ લોનને ઇક્વિટીમાં પરિવર્તિત કરવાની ફરજ પડી છે. આ માટે તેને
વિશાળ જમીન ચીનને ૯૯ વર્ષના ભાડાપટ્ટે આપવી પડી છે.
પાકિસ્તાની પ્રજામાં એ વાતે અવાજ ઉઠવા લાગ્યો છે કે અમેરિકા કે અન્ય પશ્ચિમી લોકશાહી દેશો તરફથી મળતી સહાય કરતાં ચીનની આર્થિક સહાય તો કંઇક અલગ શરતો સાથે જ મળી છે. ‘વન બેલ્ટ, વન રોડ’ પ્રોજેક્ટની સાથે સાથે પાકિસ્તાનમાં પાવર પ્લાન્ટ્સ તેમજ અન્ય માળખાગત સુવિધાના પ્રોજેક્ટ સાકાર થઇ રહ્યા છે. ચીન અને પાકિસ્તાન માટે હવે બલૂચિસ્તાન માથાના દુખાવારૂપ પ્રદેશ સાબિત થઇ રહ્યો છે. આ વિસ્તારમાં ઉઠેલો અસંતોષનો આક્રોશ અત્યાર સુધીમાં અનેક ચાઇનીઝ કામદારોનો ભોગ લઇ ચૂક્યો છે.

આ સંજોગોમાં ભારત શું કરી રહ્યું છે?

ભારત એક તરફ આકાર લઇ રહેલા સંજોગો પર ચાંપતી નજર રાખી રહ્યું છે, સરહદ પર સંરક્ષણ ક્ષેત્રે સત્વરે બંદોબસ્ત ગોઠવાઈ રહ્યો છે. તો બીજી તરફ અમેરિકા, જપાન, ઓસ્ટ્રેલિયા, વિયેટનામ તેમજ અન્ય લોકતાંત્રિક દેશો સાથેના હાલના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવી રહ્યું છે કે નવા સંબંધો વિકસાવી રહ્યું છે. (ચીન સામે બાથ ભીડવાના) આ વ્યૂહમાં સામેલ થવા ફ્રાન્સે પણ તૈયારી દર્શાવી છે. તાજેતરમાં ફ્રાન્સ પ્રમુખના ભારત પ્રવાસ દરમિયાન બન્ને દેશોએ એકબીજાના નૌકાદળો / નૌકા બંદરોનો સહયોગ કરવાના કરાર કર્યા છે. ભારત-ફ્રાન્સની
આ નિકટતા ચીન માટે ચિંતાજનક સાબિત થઇ શકે છે.
ચીનની સરહદ સાથે ૧૦ કરતાં વધુ દેશો જોડાયેલા છે, જેમાં રશિયા, મોંગોલિયા, નોર્થ કોરિયા, જપાન, વિયેતનામ, મ્યાંમાર, ભારત, પાકિસ્તાન તેમજ અન્ય દેશોનો સમાવેશ થાય છે. છેલ્લા ૭૦ વર્ષમાં એકમાત્ર પાકિસ્તાનને બાદ કરતાં દરેક પડોશી દેશ ચીન સાથે સશસ્ત્ર સંઘર્ષ એક વખત તો કરી ચૂક્યો છે. પ્રવર્તમાન વૈશ્વિક માહોલમાં નોર્થ કોરિયા ચીન માટે હાથવગા હથિયાર જેવું સાબિત થઇ રહ્યું છે. તેમ છતાં ચીન માટે તે માથાનો દુઃખાવો પણ બની શકે છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ ઉન વચ્ચેની સૂચિત બેઠક પર આખી દુનિયાની નજર હશે.

ચીન અને રશિયા

એલેક્ઝાન્ડર લ્યુકીન ચીન વિશે બહુ જાણીતા રશિયન વિદ્વાન છે. તાજેતરમાં તેમણે એક પુસ્તક પ્રકાશિત કર્યું છેઃ ‘ચાઇના એન્ડ રશિયાઃ ધ ન્યૂ રિએપ્રોચમેન્ટ’. આમાં કેન્દ્રસ્થાને છે ચીન અને રશિયાના સંબંધો. આ સંબંધો લાંબા ગાળાના બની રહેશે કે સગવડિયા લગ્ન જેવા? ઐતિહાસિક રીતે અને તાજેતરમાં પણ રશિયાના શાસકોમાં ચીનના ઇરાદાઓને શંકાની નજરે જોવામાં આવી રહ્યા છે. ચીને રશિયાની વિશાળ અને ફળદ્રુપ જમીન પર નજર માંડી છે. ચીનની ઇચ્છા તો અહીં પણ પહોંચવાની છે. પરંતુ શું રશિયા થોડાક દસકાઓ પૂર્વે અમૂર નદીના કિનારે થયેલો એ લોહિયાળ જંગ ભૂલી શકશે?

લોકતાંત્રિક ભારતઃ સરમુખત્યાર ચીન

કાચબો હજુ હમણાં સુધી ભલે તેની પરંપરાગત ધીમી ચાલે આગળ વધી રહ્યો હતો, પરંતુ હવે ભારત ચીન કરતાં વધુ ઝડપે આગળ વધી રહ્યો છે. અને આ દોર સાતત્યપૂર્ણ રીતે ચાલતો રહેવાની અને તેમાં હજુ વધુ સુધારો થવાની ઉજળી શક્યતા છે. ભારતીય અર્થતંત્ર તેમજ સામાજિક ક્ષેત્રે વિકાસ ધીમો હોવાનું એક કારણ લોકતંત્ર પણ છે. લોકતંત્રમાં વિરોધને સ્થાન છે, અને કેટલાક લોકો આનો અધિકારના નામે ગેરલાભ ઉઠાવી રહ્યા છે. છેલ્લા સાત દસકાની સામ્યવાદી સરમુખ્ત્યારશાહી દરમિયાન ચીને તો તેની પ્રગતિમાં અવરોધક કે વિખવાદોનું કારણ બની રહેલા કેટલાય સળગતા મુદ્દાઓને અભેરાઇએ ચઢાવી દીધા છે. પરંતુ ભારત માટે આવું શક્ય નથી. લોકતંત્ર તો સબકા સાથ, સબકા વિકાસ થકી જ ચાલી શકે.
ચીને ભલે વિકાસપંથે હરણફાળ ભરી રહ્યું હોય, પરંતુ આ પ્રકારની દમનકારી શાસનપ્રણાલી કાયમ માટે ટકી શકતી નથી. તો પછી શું ચીન-ભારત તણાવ યથાવત્ જ રહેશે? હા, આમાં તો હાલના સંજોગોમાં ખાસ કંઇ ફરક પડે તેમ જણાતું નથી. મારું મારા બાપનું ને તારામાંથી મારો ભાગની ચીનની માનસિક્તા ક્યારેય બદલાવાની નથી. જોકે આમ છતાં પણ ચીન અને ભારતના સંબંધો અમુક ક્ષેત્રે પણ યથાતથ્ આગળ વધતા જ રહેશે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ આ મુદ્દે બહુ સૂચક નિવેદન કર્યું છે.
તાજેતરમાં સંસદીય સત્ર દરમિયાન વાર્ષિક પત્રકાર પરિષદને સંબોધતા વાંગ યીએ જણાવ્યું કે, કેટલીક પરેશાનીઓ અને મુશ્કેલીઓ છતાં ભારત અને ચીનના દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો નોંધાયો છે. પરસ્પર વિશ્વાસ થકી જ ચીન-ભારત દોકલામ વિવાદને વાટાઘાટ થકી ઉકેલી શકાયો છે આમ કહીને ચીનના વિદેશ પ્રધાને ઉમેર્યું હતું કે ચાઇનીઝ ડ્રેગન અને ભારતીય હાથીએ લડવું ન જોઇએ, પણ સાથે મળીને નૃત્ય કરવું જોઇએ. મતભેદો છતાં દ્વિપક્ષીય સંબંધો અકબંધ છે એ વાતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે બન્ને દેશો માનસિક અને રાજકીય અવરોધક પરિબળોને એક બાજુ મૂકીને વિચારે તો આ સંબંધો વધુ સુદૃઢ અને ઉષ્માપૂર્ણ બની શકે તેમ છે. બન્ને દેશો વચ્ચે રાજદ્વારી વિશ્વાસ પ્રસ્થાપિત થઇ જાય તો મિત્રતા વચ્ચે હિમાલય પણ નડતરરૂપ બની શકે તેમ નથી, પરંતુ જો વિશ્વાસ જ નહીં હોય તો એક નાનકડો ટુકડો પણ અવરોધક બની શકે છે. તેમનું કહેવું છે કે, ચીન પોતાના અધિકારો અને હિતોનું જતન કરવાની સાથે સાથે જ ભારત સાથેના સંબંધોને મજબૂત કરવા પણ પ્રયત્નશીલ છે.
સરવાળે એમ કહી શકાય કે ભારત-ચીનના (તનાવપૂર્ણ) દ્વિપક્ષીય સંબંધમાં ડોકલામ વિવાદ બાબતે ભારતના મક્કમ વલણે નિર્ણાયક ભૂમિકા ભજવી છે. ચાઇનીઝ ડ્રેગન નબળો પડ્યો છે કેમ કે ભારતીય હાથીએ તેની સાથે આંખમાં આંખ પરોવીને ટક્કર ઝીલી છે. ચીન ભલે નરમ પડ્યું હોય, પરંતુ ભારતનો રસ્તો પણ આસાન તો નથી જ. તેની સામે અનેક પડકારો રહેલા છે. જોકે, આપણે સહુ જાણીએ છીએ તેમ, બોધકથાના અંતે તો આખરે કાચબાનો જ વિજય થાય છે. ખરુંને?! (ક્રમશઃ)


comments powered by Disqus