લંડનઃ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે બ્રિટિશ-ભારતીય મહિલાઓએ હાઉસ ઓફ લોર્ડ્ઝમાં ઐતિહાસિક ચર્ચાસભામાં ભાગ લીધો હતો. તેનું આયોજન લોર્ડ અને લેડી પોપટે કર્યું હતું. સાંસદ ન હોય તેવી વ્યક્તિને ચર્ચાસભા યોજવા માટે હાઉસ ઓફ લોર્ડ્ઝની બીજી પ્રતિષ્ઠિત ચેમ્બર મોસીસ રૂમ અપાઈ હોય તેવું આ પ્રથમ વખત બન્યું હતું. બેરોનેસ ઉષા પ્રાશરના અધ્યક્ષસ્થાને યોજાયેલી ચર્ચામાં સંસદીય ચર્ચાના તમામ નિયમો અને પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું. પત્રકાર યાસ્મીન અલીભાઈ-બ્રાઉન અને લેડી દેસાઈ સહિત અગાઉથી પસંદ કરાયેલા ૨૦ વક્તાઓએ સાથે મળીને બ્રિટિશ-ભારતીય મૂળની મહિલાઓએ મેળવેલી સિદ્ધિઓ અને તેમની સામેના પડકારો વિશે ચર્ચા કરી હતી.
પ્રારંભિક પ્રવચનમાં લેડી પોપટે તેમના પરિવારને સરમુખત્યાર ઈદી અમીને યુગાન્ડામાંથી હાંકી કાઢ્યા પછીની તેમની સફરની વાત કરી હતી. અશક્ય લાગતી તકો તેમના પરિવારને પૂરી પાડવા બદલ બ્રિટનનો આભાર માન્યો હતો. તેમણે ભારતીય મહિલા માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતીય સમાજની પ્રગતિનો માર્ગ મોકળો કરી આપવા બદલ બ્રિટિશ મૂલ્યોની પ્રશંસા કરી હતી. બ્રિટને માત્ર વિકાસ જ નહીં પરંતુ મેડિસીન, લો અને બેંકિંગ જેવા ઉચ્ચ વ્યવસાયોમાં પ્રગતિ માટે તક આપી હતી.
લેડી પોપટે બ્રિટિશ જીવન પદ્ધતિ અપનાવીને તે મુજબ જીવવાની સમાજની ઈચ્છાને લીધે ભારતીયોને સફળતા મળી હોવાનું જણાવીને ઉમેર્યું હતું કે હજુ ઘણુ કામ કરવાનું બાકી છે. તેમણે અર્થતંત્ર અને સમાજમાં મહિલાઓ સંપૂર્ણપણે ભાગ લઈ શકે તે માટે તેમને સ્વતંત્રતા આપવા વિચારસરણી અને વલણ બદલવા અનુરોધ કર્યો હતો.
અન્ય વક્તાઓએ તેમના અનુભવોની અને તેમણે ખેડેલી જીવનસફરનું તથા તેમને સ્પર્શતા મહત્ત્વના મુદ્દાઓની વિગતે વાત કરી હતી. તમામ પ્રકારની સફળતા અને સમાનતા માટે સૌએ શિક્ષણને પાયારૂપ ગણાવ્યું હતું. વક્તવ્યમાં બિઝનેસ, ટેક્નોલોજી અને એન્જિનિયરિંગમાં ટોચના હોદ્દા પર મહિલાઓના પ્રતિનિધિત્વનો અભાવ તેમજ પુરુષ અને સ્ત્રીના પગારમાં તફાવત અને કામ કરતી માતાઓ સમક્ષના પડકારોનો મુદ્દો પણ સામેલ હતો. તે ઉપરાંત, યુદ્ધગ્રસ્ત દેશોમાં મહિલાઓએ વેઠવી પડતી ભયંકર તકલીફો તેમજ યુકેમાં કેટલાક સમાજો સહિત દુનિયામાં મહિલાઓ પર સતત ચાલુ રહેલા હિંસક અત્યાચાર વિશે પણ વકતાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
ચર્ચા દરમિયાન ઘણાં મુદ્દે અલગ અભિપ્રાયો છતાં એક વાત અને હેતુ સ્પષ્ટપણે સામાન્ય રહ્યો હતો કે સમાજ, દેશ અને વિશ્વમાં મહિલાઓ અને છોકરીઓ માટે ઉજ્જવળ ભવિષ્ય ઘડવાની આશાને પૂર્ણ કરવા માટે પુરુષો અને મહિલાઓએ કાર્યરત રહેવું તે સૌની જવાબદારી છે.
રૂપલ સચદેવ કંટારિયાએ એક મિનિસ્ટરની માફક તમામ વક્તાઓ અને વિષયોને આવરી લઈને પરંપરાગત રીતે ચર્ચાનું સમાપન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું, ‘ આજે મને બ્રિટિશ અને ભારતીય હોવાનું ગૌરવ થાય છે. પ્રેરણાદાયી યોગદાન આપનારી મહિલાઓના વક્તવ્યથી મને ખૂબ પ્રેરણા મળી. વિવિધ મુદ્દા પર ચર્ચા થઈ પરંતુ તે દરમિયાન સૌમાં એકતા અને બહેનો હોવાની લાગણી જણાતી હતી.’

