મૂળ ભારતીય સિદ્ધાર્થ માંકડ રંગભેદી ટીપ્પણીનો ભોગ બન્યા

Wednesday 21st March 2018 08:08 EDT
 
 

લંડનઃ ક્લેર્કનવેલના સોફ્ટવેર કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જોનાથન શેરવુડે કેમ્પ લીટલ LLPના ચીફ ઓપરેટિંગ ઓફિસર અને મૂળ ભારતીય સિદ્ધાર્થ માંકડને સતત એક વર્ષ સુધી ફોન કોલ. ટ્વીટર મેસેજીસ અને ઈમેલ દ્વારા રંગભેદી ટીપ્પણીઓનો મારો ચલાવીને પરેશાન કરી મૂક્યા હોવાનો કિસ્સો બહાર આવ્યો હતો. શેરવુડે તેમને ‘Scumbug’ (વાંધાજનક વ્યક્તિ) ગણાવ્યા હોવાની ઈનર લંડન ક્રાઉન કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. શેરવુડે જુલાઈ ૨૦૧૫ અને જુલાઈ ૨૦૧૬ વચ્ચે તેમને હેરાનગતિ પહોંચાડી હતી. શેરવુડે તેમની સાથે થયેલી ૨.૫ મિલિયન પાઉન્ડની ઠગાઈમાં કેમ્પ લીટલ સામેલ હોવાનો આરોપ મૂક્યો હતો.

માંકડના વકીલે જણાવ્યું હતું કે શેરવુડ તેમના મિત્રો અને પરિવારજનોને ફેસબુક પર મેસેજ કરતા હતા અને માંકડને સંપૂર્ણ વાંધાજનક વ્યક્તિ ગણાવતા હતા. શેરવુડે તેમને ‘P* ki’ તરીકે સંબોધ્યા હતા.

માંકડે જણાવ્યું હતું કે શેરવુડની કંપનીઓના એકાઉન્ટ્સ પરથી તેમના અને તેમના સાથીકર્મીઓને નકામા માણસોનું ગ્રૂપ ગણાવતા અને કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાની ધમકી સાથે શાબ્દિક પ્રહાર કરતા ટ્વીટર મેસેજ કેમ્પ લીટલ પર આવતા હતા. સતત હેરાનગતિને લીધે માંકડે શેરવુડનો નંબર બ્લોક કરી દેતા શેરવુડે તેમના સહકર્મીઓને તેમના વિશેના મેસેજ મોકલવાનું ચાલુ કરી દીધું હતું.

માંકડે ઉમેર્યું હતું કે ગે ડેટિંગ વેબસાઈટ Grindr પર પરિણીત સહકર્મીના નામે બનાવટી એકાઉન્ટ ખોલીને તેમાં કંપનીની ચીપસાઈડ ઓફિસમાં જાતીય સેવાની જાહેરાત કરવામાં આવતી હતી.

 ઓસ્ટ્રિયાના એક કેસમાં તેમની સાથે થયેલા વ્યવહારથી પોતાને ગુસ્સો આવ્યો હોવાનું શેરવુડે કોર્ટને જણાવ્યું હતું. તેમણે ૨.૫ મિલિયન પાઉન્ડની ઠગાઈમાં કેમ્પ લીટલ સામેલ હોવાનો આરોપ મૂક્યો હતો.


comments powered by Disqus