લંડનઃ વિરાટ કોહલીને ૨૦૧૪માં મેરેજ માટે પ્રપોઝ કરનાર ઇંગ્લિશ મહિલા ક્રિકેટર ડેનિયલ વેટ ફરીથી ચર્ચામાં છે. ૨૬ વર્ષીય ડેનિયલ ઇંગ્લેન્ડની ટીમમાં છે જે ૨૨મી માર્ચથી ભારતમાં ટી૨૦ શ્રેણી રમવાની છે. તેણે શ્રેણી પહેલાં જણાવ્યું હતું કે મારી પાસે સિક્રેટ હથિયાર છે જેનો હું ભારતના પ્રવાસ દરમિયાન ઉપયોગ કરવાની છું.
કારકિર્દીમાં ૭૩ ટ્વેન્ટી૨૦ મેચ રમી ચૂકેલી ડેનિયલે જણાવ્યું હતું કે ભારતના પ્રવાસની હું આતુરતાથી રાહ જોઈ રહી હતી. ભારત મારો પસંદગીનો દેશ છે અને અહીં રમવાનું મને ઘણું પસંદ છે. ઓલરાઉન્ડર ડેનિયલે આ દરમિયાન ૨૦૧૪માં કોહલીને કરેલા ટ્વિટ અંગે પણ વાત કરી હતી.
વિરાટની ફેન ડેનિયલે જણાવ્યું હતું કે કોહલીએ જ્યારે ૨૦૧૪માં વર્લ્ડ ટી૨૦માં સાઉથ આફ્રિકા સામે ૭૨ રનની ઇનિંગ્સ રમી હતી જે જોઈને હું દંગ રહી ગઈ હતી. મેં કોહલીને ટ્વિટ કર્યું હતું કે ‘મેરી મી’. ટ્વિટ કર્યાના ૧૦ મિનિટ બાદ મેં જ્યારે ફોનનો જોયો તો મારી ટ્વિટને હજાર કરતાં વધારે લોકોએ લાઇક કરી હતી અને તેને રિટ્વિટ પણ કરી હતી. કેટલાક લોકોએ મને ટ્રોલ કરી હતી અને કેટલાકે કહ્યું હતું કે કોહલી અનુષ્કા શર્મા સાથે ડેટિંગ કરી રહ્યો છે. આ ઉપરાંત ભારતમાંથી ઘણા લોકો મારા પિતાના ઇ-મેઇલ ઉપર પણ સંપર્ક કરી રહ્યા હતા.
કેટલાક દિવસ બાદ ડર્બીમાં મારી મુલાકાત કોહલી સાથે થઈ હતી. મને થોડુંક અટપટું લાગી રહ્યું હતું. કોહલીએ મને જણાવ્યું હતું કે તું ટ્વિટર પર આવી બાબતો પોસ્ટ કરી શકે નહીં. આ મજાક નથી. તે સમયે કોહલીએ મને બેટ ભેટમાં આપ્યું હતું. હું ભારતમાં આ જ બેટથી રમવાની છું.

