યુકેની સૌથી પ્રેરણાદાયી મહિલાઓમાં બર્ટનના સર્જન ડો. જ્યોતિ શાહનો સમાવેશ

Wednesday 21st March 2018 08:37 EDT
 
 

લંડનઃ ઘણાં લોકોની જીંદગી બચાવવામાંમદદરૂપ બનેલા બર્ટનના પ્રેરણાદાયી મહિલા સર્જન ડો. જ્યોતિબેન શાહનું મહિલા આંતરરાષ્ટ્રીય દિવસના ભાગરૂપે એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ દ્વારા સન્માન કરાયું હતું. બર્ટનની ક્વીન્સ હોસ્પિટલના માત્ર બે મહિલા સર્જન પૈકીના એક ડો. જ્યોતિબેનને બ્રિટનમાં મહિલાઓએ કરેલી વિશિષ્ટ અને યશસ્વી કામગીરી માટે સન્માનિત કરાયા હતા.

એમિલિન પેન્કહર્સ્ટે મત મેળવવા માટે સીધી કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરતી સંસ્થા ‘વિમેન્સ સોશિયલ એન્ડ પોલિટિકલ યુનિયન’ની સ્થાપના કરી હતી. મહિલાઓને પહેલી વખત મત મળ્યો ત્યારથી ૧૦૦ વર્ષમાં તેમણે સમાજમાં કરેલી પ્રશંસનીય કામગીરીને બીરદાવવા માનવ અધિકાર સંસ્થા એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ, યુકે દ્વારા ‘સફ્રાગેટ સ્પિરિટ મેપ ઓફ બ્રિટન’ રજૂ કર્યો હતો.

મેકમિલન કન્સલ્ટન્ટ યુરોલોજિકલ સર્જનની વ્યસ્ત કારકિર્દી વચ્ચે ડો. જ્યોતિબેને ‘ઈન્સ્પાયર હેલ્થ – ફાઈટીંગ પ્રોસ્ટેટ કેન્સર’ અભિયાન ચલાવીને ઘણાં લોકોની જીંદગૂી બચાવી હતી. તેમણે આ અભિયાન નર્સ પ્રેક્ટિશનર સારા મિન્સની મદદથી શરૂ કર્યું હતું. અભિયાન દરમિયાન કોમ્યુનિટીના સેંકડો પુરુષોને પ્રોસ્ટેટ કેન્સર વિશે માહિતી અપાઈ હતી અને તેના ટેસ્ટ પણ કરાયા હતા. તેમના આ પ્રોજેક્ટ વિશે જાગ્રતિ કેળવવા જ્યોતિબેન અને સારાએ બીબીસીના વન શોમાં પણ ભાગ લીધો હતો.

ડો. જ્યોતિબેને જણાવ્યું હતું કે આ સન્માનથી તેમને ખૂબ આશ્ચર્યની લાગણી થઈ હતી. તેમને આ સન્માનની અપેક્ષા ન હતી.’

દેશભરમાંથી સફ્રાગેટ જેવો જુસ્સો ધરાવતી મહિલાઓને શોધી કાઢવા માટે એમ્નેસ્ટીએ ગયા મહિને આર્ચન્ટ, ન્યૂઝક્વેસ્ટ, ટ્રિનીટી મીરર, જોહસ્ટન પ્રેસ, મેટ્રો ડોટ કો યુકે, મેરીક્લેક ડોટ કો યુકે અને સ્ટાઈલિસ્ટ ડોટ કો યુકે સહિતના અખબારી જૂથો સાથે કામ કર્યું હતું.

તેમાં શરણાર્થીઓને મદદ માટે સપોર્ટ ગ્રૂપ ઉભા કરતી, થિયેટરના માધ્યમથી ઘરેલુ હિંસાને સ્પર્શતા મુદ્દાનો સામનો કરતી, સ્કૂલોમાં હેરાનગતિને પહોંચી વળવા પહેલ કરતી, માસિક પિરિયડ અને ગરીબો માટે વસ્ત્રો એકત્ર કરવા ચેરિટી સ્થાપતી, પેન્શનરોના અધિકાર માટે અવાજ ઉઠાવતી, વિકલાંગ લોકોને વધુ સારી સુવિધા માટે અભિયાન ચલાવતી મહિલાઓની શોધ કરવામાં આવી હતી..

મેપ જોઈને સફ્રાગેટ આંદોલન શરૂ કરનારા એમિલિન પેન્કહર્સ્ટની પ્રપૌત્રી અને સિલ્વિયા પેન્કહર્સ્ટના પૌત્રી હેલન પેન્કહર્સ્ટે જણાવ્યું હતું આ મેપ રજૂ કરવા માટે અને આ અસાધારણ મહિલાઓને તેમના કામ બદલ પ્રકાશમાં લાવવા અને તેમને બીરદાવવા હાલના સમયથી કોઈ સમય સારો નથી.

તેમણે ઉમેર્યું હતું, ‘ મારા દાદીમા એમિલિન અને સિલ્વિયા પેન્કહર્સ્ટ સહિત સફ્રાગેટના વડીલ પ્રણેતાઓ એમ્નેસ્ટીનો આ મેપ જોઈ શક્યા હોત તો તેઓ ખૂબ આનંદિત થયા હોત. કારણ કે તેમણે સાથે મળીને મહિલાઓ પણ પગલાં લઈ શકે તેનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું. ૧૦૦ વર્ષ પછી તેમની આ અદમ્ય ઝુંબેશ અને વલણ વિશે લોકોને સમજાશે અને આ ઝુંબેશ માનવ અધિકાર માટે લડત આપી રહેલી મહિલાઓને કેવી રીતે અલગ જ પ્રકારનો રાહ ચીંધશે તેવી તેમને ખબર હશે કે નહીં તેના વિશે મને શંકા છે.’


comments powered by Disqus