સમાચારો માટે ફેસબુક કરતા સ્થાનિક અખબારો ત્રણ ગણા વધુ ભરોસાપાત્ર

Thursday 22nd March 2018 08:16 EDT
 

લંડનઃ સમાચારો માટે ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કરતા લોકલ ન્યૂઝપેપર્સ ત્રણ ગણા વધુ ભરોસાપાત્ર હોવાનું ન્યૂઝ મીડિયા એસોસિએશન (NMA) દ્વારા કરાયેલા અભ્યાસમાં જણાયું હતું. ૭૪ ટકા લોકો લોકલ ન્યૂઝપેપર દ્વારા પ્રિન્ટમાં અથવા ઓનલાઈન અપાયેલી માહિતી પર વિશ્વાસ રાખે છે. માત્ર ૨૨ ટકા લોકો સોશિયલ મીડિયા પર મેળવેલા સમાચાર પર વિશ્વાસ રાખે છે. પ્રાદેશિક સમાચાર માટે લોકલ ટીવી અને રેડિયો (૭૩ ટકા લોકોનો વિશ્વાસ) તથા સર્ચ એન્જિન્સ (૪૩ ટકા) કરતાં લોકલ પેપર્સ સૌથી આધારભૂત સ્રોત મનાય છે.

જાન્યુઆરીમાં પ્રસિદ્ધ થયેલા વાર્ષિક એડલમેન ટ્રસ્ટ બેરોમિટરમાં જણાયું હતું કે ૨૫ ટકા કરતા ઓછાં લોકો સોશિયલ મીડિયા પર ભરોસો રાખે છે. તેનાથી ઉલટું ન્યૂઝપેપર અને ટેલિવિઝન જેવા પરંપરાગત મીડિયા પરનો ભરોસો છ વર્ષમાં સૌથી વધુ ૬૧ ટકા પર પહોંચ્યો હતો.

ઓનલાઈન એડવર્ટાઈઝિંગ માર્કેટમાં ફેસબુક અને ગુગલના પ્રભાવે સ્થાનિક અખબારોના બિઝનેસ મોડેલ્સ સમક્ષ પડકાર મૂક્યો છે. આ ટેક ‘ડ્યુઓપોલી’એ અખબારો પરંપરાગત રીતે જે આવક પર આધાર રાખતા હતા તેનો મોટો હિસ્સો ઝૂંટવી લીધો છે.

વડાપ્રધાન થેરેસા મેએ છેલ્લા એક દાયકામાં ૨૦૦ લોકલ પેપર્સ બંધ થયા તે બાબત લોકશાહી માટે જોખમરૂપ હોવાની ચેતવણી આપીને પ્રેસની સ્થિરતાની સમીક્ષા કરવાની ગયા મહિને જાહેરાત કરી હતી. આ રિવ્યુમાં હલકી કક્ષાના સમાચારો માટેની લલચાવનારી હેડલાઈન્સ – ક્લિકબેઈટ ન્યૂઝ - ના વધતા જતા પ્રમાણને પણ ધ્યાને લેવાશે.

NMA ના ભાગરૂપ લોકલ મીડિયા વર્ક્સના ચેરમેન ક્રેગ નેમેને જણાવ્યું હતું કે ભરોસો સૌથી વધુ મહત્ત્વનો છે અને નાના તથા મોટા એડવર્ટાઈઝર્સે સલામત, વિશ્વાસપાત્ર અને ખૂબ અસરકારક વાતાવરણમાં ગ્રાહકો સાથેના સંવાદ માટે લોકલ મીડિયા સાથે ભાગીદારીથી થતા સ્પષ્ટ ફાયદા વિશે જાણવું જ જોઈએ.


comments powered by Disqus