લંડનઃ સોશિયલ મીડિયાથી તમે સતત સંપર્કમાં રહી શકો એ વાત ખરી, પરંતુ આ જ માધ્યમ તમારી ઊંઘ બગાડવામાં પણ મોટો ફાળો આપે એમ છે, એ વાત બહુ ઓછા જાણતા હશે.
નવા અભ્યાસના આધારે ચેતવણી અપાઈ છે કે સોશિયલ મીડિયા ઉપર દિવસ દરમિયાન પસાર કરેલો એક જ કલાક તમારી ઊંઘની પેટર્ન બદલી નાંખવા માટે પૂરતો છે. આ અભ્યાસ કેનેડિયન સંશોધકોએ કર્યો છે. સંશોધકોએ ટીનેજર્સની નબળી ઊંઘ અંગે તપાસ કરી હતી, જેમાં તેમણે આઠ કલાકની ઊંઘ કરવામાં ભોગવવી પડતી પરેશાની પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.
અભ્યાસમાં જણાયું હતું કે, ઓછી ઊંઘ આવવા પાછળ સોશિયલ મીડિયા વધુ જવાબદાર છે. સંશોધકો એવા તારણ ઉપર આવ્યા હતા કે વોટ્સ એપ, ફેસબુક કે સ્નેપચેટ જેવા સોશિયલ મીડિયા ઉપર દિવસે ૬૦ મિનિટ ગાળનારા લોકોની રાતની ઊંઘ વેરણ થાય છે. જેમ જેમ આ સમયગાળો વધે તેમ તેમ ઊંઘ વધુ ઓછી થતી જાય છે.
કેનેડિયન સંશોધકોએ એમ પણ જણાવ્યું હતું કે, આ અભ્યાસના તારણો એટલા માટે મહત્ત્વના છે કે સોશિયલ મીડિયાનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. સ્વાભાવિક છે કે ટીનેજર્સમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ વધ્યો છે અને તેની સાથે જ ખરાબ ટેવ પણ વધી રહી છે, જે તેઓ મોટા થાય ત્યારે પણ વળગેલી જ રહે છે.

