અમૃતસરઃ પંજાબમાં અમૃતસર નજીક રાજાસાંસી ગામમાં નિરંકારી ભવન પર રવિવારે બાઇક પર આવેલા ત્રણ હુમલાખોરોએ ગ્રેનેડ હુમલો કર્યો હતો જેમાં ૩નાં મોત થયાં હતાં અને ૨૦થી વધુ લોકોને ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. હુમલો થયો ત્યારે ડેરામાં સત્સંગ ચાલી રહ્યો હતો અને ૨૫૦થી વધુ લોકો હાજર હતાં. તપાસમાં જાણવા મળ્યું છે કે, બુકાનીધારી હુમલાખોરો દ્વારા એચઈ-૩૬ સિરીઝનો ગ્રેનેડ ઉપયોગમાં લેવાયો હતો. આ પ્રકારના ગ્રેનેડનો ઉપયોગ પાકિસ્તાની સેના કરતી આવી છે. પંજાબ પોલીસનું માનવું છે કે આ હુમલા પાછળ ખાલિસ્તાની સમર્થકોનો હાથ છે. તેમણે સ્થાનિક યુવકોની મદદથી આ હુમલો કરાવ્યો હતો. દરમિયાન દાવો કરાયો હતો કે, સીસીટીવી ફૂટેજના આધારે હુમલામાં વપરાયેલી મોટરસાઇકલની ઓળખ કરી લેવાઈ છે.

