નવી દિલ્હીઃ માલદિવમાં કટોકટી બાદ યોજાયેલી ચૂંટણીમાં ભારત સમર્થક ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ પ્રમુખ બન્યા છે. સોલિહે ૧૭મીએ શપથ ગ્રહણ કર્યાં હતા. તેમના શપથગ્રહણ કાર્યક્રમમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ જોડાયા હતા. શપથ બાદ સોલિહને નરેન્દ્ર મોદીએ શુભકામના પાઠવી હતી. વડા પ્રધાન બન્યા બાદ મોદીની માલદિવની આ પહેલી મુલાકાત છે. દ. એશિયામાં માલદિવ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં મોદી ૨૦૧૪માં વડા પ્રધાન બન્યા બાદ નહોતા જઈ શક્યા. મોદી માલદિવ પહોંચ્યા તે પહેલાં જ ટ્વિટ કરીને નવી સરકારને શુભકામના પાઠવી હતી. તેમણે જણાવ્યું કે હું સોલિહની નવી માલદિવ સરકારને તેમની વિકાસ પ્રાથમિકતાઓ ખાસ કરીને સ્વાસ્થ્ય, પાયાની જરૂરિયાતો, માનવ સંસાધન વિકાસને સાકાર કરવા માટે શુભકામના પાઠવું છું.

