ઘર હવાઉજાસવાળાં હોવાં જોઈએ એવી આપણી વર્ષોજૂની માન્યતા પાછળ પણ વૈજ્ઞાનિક આધાર છે. ઘરમાં આવતો સૂર્યપ્રકાશ ધૂળમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરે છે, એ જોતાં સૂર્યપ્રકાશ એ શ્રેષ્ઠ જંતુનાશક હોવાનું એક અભ્યાસમાં જણાયું છે. ઘરમાં સૂર્યપ્રકાશ આવતો હોય તો શ્વસનતંત્રના રોગ માટે જવાબદાર નુકસાનકારક જંતુ નાશ પામે છે.
યુનિવર્સિટી ઓફ ઓરેગનના વિજ્ઞાનીઓએ ઘરનાં વેક્યૂમ ક્લિનરથી ધૂળ એકત્ર કરી તેને નાનકડા રૂમોમાં ૯૦ દિવસ માટે રાખી મૂકી હતી. આ રૂમોમાંથી કેટલાકમાં બારીમાંથી સૂર્યપ્રકાશ અંદર જતો હતો, તો કેટલાકમાં અંધારું રહેતું હતું, જ્યારે આ ધૂળનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે જણાયું કે જે રૂમમાં સૂર્યપ્રકાશ અને અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ જતો હતો તેમાંની ધૂળમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થયેલો હતો.
ઉલ્લેખનીય છે કે સચ્ચારોપોલિસ્પોરા - રેક્ટિવિરગુલા નામના આ બેક્ટેરિયા ઘરની ધૂળમાં હોય તો તે માનવી માટે કેટલી હદે નુકસાનકારક હોય છે એ અંગે વધુ સંશોધન જરૂરી છે, પરંતુ તે ખેતમજૂરોમાં તો ફેફસાંનો રોગ પેદા કરે જ છે તે હકીકત છે. આ બીમારીમાં ખેતી સાથે સંકળાયેલાં લોકોને કફની તકલીફ થાય છે અને તેમને ઊંડા શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે.
યુનિવર્સિટી ઓફ ઓરેગનના બાયલોજી એન્ડ બ્યૂલ્ટ એન્વાયરનમેન્ટ સેન્ટરનાં સંશોધનનું નેતૃત્વ કરનારા અશકાન ફેહિમિપોર કહે છે કે, આ અભ્યાસને ઘરનાં જીવન સાથે જોડતાં પહેલાં ઘણું સંશોધન કરવું જરૂરી છે, પરંતુ અમારા અભ્યાસમાં જે તારણ નીકળ્યાં છે તે જોતાં ઘરમાં સૂર્યપ્રકાશ આવતો હોય એમાં કશી ખરાબ અસર જોવા મળી નથી. અત્યારે હોસ્પિટલોમાં વ્યક્તિને ચેપ ન લાગે એ માટે કેટલીય પ્રક્રિયા કરાય છે, પરંતુ ભવિષ્યમાં અમે સૌથી સરળ અને સસ્તો સૂર્યપ્રકાશ હોસ્પિટલોમાં આવે એવી પદ્ધતિ અપનાવવા માટે અમે સૂચન કરીશું.
આ પ્રયોગ શું હતો?
પોતાના પ્રયોગમાં અમેરિકી સંશોધકોએ વાતાવરણ નિયંત્રિત હોય એવા ૧૧ રૂમ તૈયાર કર્યા હતા. આ રૂમ ઘરના લિવિંગરૂમ કરતાં તેરમા ભાગનો રૂમ હતો. આ રૂમમાં વેક્યૂમ ક્લીનરમાંથી ઘરની ધૂળ એકત્ર કરીને તેને અંધારામાં અને પ્રકાશમાં રખાતી હતી. ત્રણ મહિના આ રીતે ડિશમાં ધૂળ રખાઇ હતી, એ પછી તેનો અભ્યાસ કરાયો હતો, જે ધૂળ અંધારામાં રખાઇ હતી એ ધૂળમાં ૧૨ ટકા બેક્ટેરિયા જીવંત હતા. જ્યારે સૂર્યપ્રકાશમાં રખાયેલી ધૂળમાં ફક્ત ૬.૮ અને અલ્ટ્રાવાયોલેટ પ્રકાશમાં રાખેલી ધૂળમાં ૬.૧ ટકા બેક્ટેરિયા જીવંત હતા.
અંધારામાં રાખેલી ધૂળમાં માનવની ચામડીના ઘણાં બેક્ટેરિયા હતા, જ્યારે બહારના ઓછા હતા. મતલબ કે આ પ્રયોગનું તારણ સૂર્યપ્રકાશને જંતુનાશક ગણે છે.

