જ્યોર્જિયાઃ સ્માર્ટફોનની આદત માત્ર કિશોરો અને યુવાનો પૂરતી સીમિત નથી, પરંતુ બાળકોમાં પણ તેની ઘેલછા જોવા મળે છે. પરિણામે બે વર્ષ સુધીના બાળકોમાં પણ સ્માર્ટફોનને કારણે અનેક ખરાબ અસરો પડી રહી છે. સેન ડિયાગો યુનિવર્સિટીના રિસર્ચર્સે કરેલા દાવા અનુસાર, જો નાના બાળકો દિવસનો એક કલાક સ્ક્રીન પર પસાર કરે છે, તો તે અધીરા અને હતાશ-નિરાશ બનવા માટે ઘણું છે. આથી તેમનામાં નવુ જાણવાની ઇચ્છા ઘટે છે. તેમજ ભાવનાત્મક અસ્થિરતા અને પોતાના પર કંટ્રોલ ન રાખી શકવાની સમસ્યાઓ સર્જાય છે. દસ વર્ષથી નાની વયના બાળકોમાં આ સ્થિતિ ગંભીર છે કારણ કે તેમનું મસ્તિષ્ક વિકાસશીલ અવસ્થામાં હોય છે. આ સમયે સ્માર્ટ ફોનની આદત તેમની શીખવાની ક્ષમતાને અટકાવી દે છે. બ્રિટનના બાળકો દિવસમાં ૪થી ૫ કલાક સ્માર્ટફોન પાછળ પસાર કરે છે, જે માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેમની વૃદ્ધિ અટકી જાય છે. સેન ડિયાગો યુનિવર્સિટીના પ્રોફેસર જીન ટ્વેંગ અને કીથ કેમ્બેલનું કહેવું છે કે, માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અડધાથી વધુ સમસ્યા કિશોરાવસ્થામાં જોવા મળે છે. તેના પર ધ્યાન રાખવું જરૂરી છે.

